અકબંધ વસિયત
અકબંધ વિરાસત
એક એવી સાંજ કાળી ડિબાંગ હતી જે ન થવાનું થાય એવા એંધાણ લઈને આવી હતી. આકાશમાં વાદળો એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા અને એક તરફ સમાજ અને વર્તુળ માં સમીરના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. સમીર જે માણસ આખું જીવન એક રહસ્ય બનીને જીવ્યો, જેણે ક્યારેય પોતાના મનની વાત કોઈને કહી નહીં, તે આજે હૃદયરોગના એક જોરદાર હુમલામાં દુનિયા છોડી ગયો હતો. સમીરના અચાનક વિદાયના સમાચારની કડવાશ ભળેલી હતી. હજુ ગઈકાલે જે માણસ હસતો-રમતો હતો, જેની શિસ્ત અને શાંતિથી આખું ઘર ગુંજતું હતું, તે આજે સફેદ ચાદર નીચે કાયમ માટે પોઢી ગયો હતો.
સમીરનો પરમ મિત્ર દિપક એજ રાત્રે સમીરની મિત્ર સંગીતા ને ફોન દ્વારા જાણ કરી ત્યાંથી નીકળી જવાનું કહ્યું હતું. અને સીધા દ્વારકા ભેગા થઈને સમીરના ઘરે જઈશું. તે જૂનાગઢથી સીધો જ દ્વારકા દોડી આવ્યો હતો. અને સંગીતા બોટાદથી સીધી દ્વારકા આવી પહોંચી. બંનેની આંખોમાં રાતભરના ઉજાગરા અને મિત્રને ગુમાવ્યાનો અસહ્ય શોક હતો. બીજી તરફ, સંગીતા જે વર્ષોથી સમીરને મૌન પ્રેમ કરતી હતી, તે પણ સમાચાર સાંભળતા જ સ્તબ્ધ થઈ ગઈ હતી. સમીરના ઘરે પહોંચતા જ તેણે જોયું કે ઘરના સભ્યો રડી રહ્યા હતા, પણ એ રુદનમાં ક્યાંકને ક્યાંક આર્યન પ્રત્યેની ફરિયાદો પણ ભળેલી હતી.
ધારા, સમીરની પત્ની, એક ખૂણામાં બેસીને શૂન્યમનસ્ક આંખે દિવાલને તાકી રહી હતી. તેને અફસોસ હતો કે વીસ વર્ષના લગ્નજીવનમાં તે ક્યારેય પોતાના પતિના દિલ સુધી પહોંચી શકી નહોતી. સાંત્વના આપનારા તો ઘણા હતા, પણ સમીરની પત્ની ધારાના મનમાં એક અજબની મથામણ હતી. તેને અફસોસ હતો કે વીસ વર્ષના લગ્નજીવનમાં તે ક્યારેય પોતાના પતિના હૃદયના લોકર સુધી પહોંચી શકી નહીં. સમીર હંમેશા કહેતો, "ધારા, મારી એક દુનિયા આ ૨૫ ડાયરીઓમાં કેદ છે. પણ એ જોજે નહીં, જે દિવસે હું નહીં હોઉં, તે દિવસે દિપક અને સંગીતા આ ડાયરીઓ ખોલશે. એ દિવસે તને તારા બધા સવાલોના જવાબ મળી જશે."
થોડા દિવસોમાં બેસણું અને બીજી અન્ય વિધિ પૂર્ણ થઈ. અંતે આજે એ દિવસ હતો. દિપક અને સંગીતા ફરીથી સમીરના ઘરે દ્વારકા પહોંચ્યા અને ધારા ને વિનંતી થી કહ્યું કે અમને સમીરની તમામ ડાયરીઓ વાંચવા આપો. બારમાની વિધિ પતી ગઈ હતી અને રાત્રે કબાટમાંથી એ ૨૫ ડાયરીઓ બહાર કાઢવામાં આવી.
દિપક અને સંગીતા બન્ને સમીરના ઘરે વરંડામાં બેઠા હતા. વચ્ચે ટેબલ પર ૨૫ ડાયરીઓનો થપ્પો હતો. સંગીતાએ ધ્રૂજતા હાથે ૨૦૦૮ ની પહેલી ડાયરી ઉપાડી.
દિપક : લાંબો નિસાસો નાખતા કહ્યું "જો તો ખરી સંગીતાબેન, આ સમીરીયાએ આખી જિંદગી કલમ ઘસી નાખી, પણ આપણને કાંઈ ગંધય આવવા નો દીધી. આ ગાંડાને એમ હશે કે ઈ મરી જાશે એટલે બધુંય પૂરું થઈ જાશે? પણ ના, આ કાગળિયા હવે બોલશે. હાલો, ઉઘાડો આ પટારો, જોઈએ તો ખરા કે દ્વારકાના દરિયે બેસીને આણે શું મનમાં ધાર્યું’તું!"
ઈશાએ પહેલી ડાયરીના પાના ફેરવ્યા. અક્ષરો મોતીના દાણા જેવા હતા. તે વાંચવા લાગી...
૧૯ ઓગસ્ટ ૨૦૦૮ - દ્વારકા પ્રવાસ: "આજે દ્વારકાધીશના શિખર પર લહેરાતી પંચરંગી ધજા જોઈને મન ભરાઈ આવ્યું. ગોમતી ઘાટ પર બેસીને જ્યારે મેં દિપક અને સંગીતાના હસતા ચહેરા જોયા, ત્યારે મને અહેસાસ થયો કે ઈશ્વરે મને આ લોકોની રક્ષા માટે મોકલ્યો છે. દિપક ભોળો છે, સંગીતા સંવેદનશીલ છે. મેં આજે ઠાકરના સાક્ષીએ સંકલ્પ કર્યો છે કે મારે ગમે તેટલા કડવા ઘૂંટડા પીવા પડે, પણ આ લોકોના હિત માટે હું હંમેશા મૌન રહીશ. દુનિયા ભલે મને પથ્થર દિલનો સમજે, પણ મારે એમના માટે વડલો બનવું છે."
દિપક : ભીની આંખે બોલ્યો "અરે રે મારો ભાઈ.. ઈ દી’ દ્વારકાના ઘાટ પર અમે એની મશ્કરી કરતા’તા કે સમીરીયા, તું તો સાવ ઠાકોર જેવો થઈ ગયો છો, કાંઈ બોલતો નથી.' પણ ઈ ગધેડાને ક્યાં ખબર હતી કે ઈ અંદરખાને મનોમન અમને બધાયને ભગવાનને સોંપી રહ્યો હતો!"
જેમ જેમ ડાયરીઓ આગળ વધી, તેમ તેમ સમીરના સંઘર્ષના પાના ખુલતા ગયા. ૨૦૧૦ની ડાયરીમાં તેની કારકિર્દી વિશેની વિગતો હતી. તે સમયે સમીરે એક મોટી કંપનીની મેનેજરની નોકરી અચાનક છોડી દીધી હતી. પરિવારમાં ત્યારે મોટી આફત આવી હતી.
સંગીતા : "દિપકભાઈ, જુઓ... ૧૫ મે ૨૦૧૨નો લેખ. સમીર લખે છે... 'આજે ઓફિસમાં બોસે મને એક ફાઈલ પર સહી કરવા કહ્યું. એ ફાઈલ મુજબ આપણી કંપની જે દવા બનાવી રહી હતી, એમાં કેમિકલનું પ્રમાણ વધારે હતું. મને ખબર હતી કે આનાથી હજારો બાળકોના જીવ જઈ શકે છે. મને ૧૦ લાખની લાંચની ઓફર થઈ, પણ મેં ઠાકરની ધજા યાદ કરી. મેં નોકરી છોડી દીધી. ધારા ખૂબ ગુસ્સે છે, બાપુજી કહે છે કે હું બિનજવાબદાર છું. પણ હું મારા પરિવારના પેટમાં પાપની કમાણી નથી નાખી શકતો. ભલે આજે હું ગુનેગાર લાગું, પણ ઈશ્વર જાણે છે કે મેં સત્ય પસંદ કર્યું છે.'"
દિપક : વાંચતાની સાથે અચાનક ટેબલ પર હાથ પછાડીને કહ્યું "હેં! તો ઈ વાત હતી? આખું ગામ એમ કે’તું કે સમીરીયાએ નોકરીમાં કાંઈક લોચો માર્યો છે એટલે હાંકી કાઢ્યો છે. અરેરે... અમે તો ઈને નકામો ગણીને કેટલાય મેણાં માર્યા હતા. ધારા ભાભીએ તો મહિના સુધી એની હારે વાત નહોતી કરી. અને આ માણસ... આ માણસ બધુંય ઝેર પી ગયો ને એક અક્ષર નો બોલ્યો!"
સંગીતાએ ૧૮મી ડાયરી ઉપાડી. આ એ સમય હતો જ્યારે સંગીતા અને સમીર વચ્ચે અંતર વધ્યું હતું. સંગીતાને લાગતું હતું કે સમીર હવે તેને પ્રેમ નથી કરતો.
સંગીતા : ધ્રૂજતા અવાજે વાંચતા બોલી "આજે સંગીતા મને રડતી મૂકીને ગઈ. તેણે કહ્યું કે હું લાગણી વગરનો માણસ છું. પણ તેને ક્યાં ખબર છે કે મારી ફેક્ટરી ડૂબી રહી છે, મારા પર દેવું વધી ગયું છે. જો હું તેની સાથે સબંધ રાખતો, તો તેણે પણ મારી આ સંઘર્ષમાં મરવું પડતુ અને ચિંતા ના સહભાગી થવું પડતું. મેં તેને એવું દર્શાવ્યું કે મને હવે તેનામાં રસ નથી, જેથી તે મને નફરત કરીને જતી રહે અને તારા ઘરે સુખી રહે. મારો પ્રેમ એને બંધનમાં રાખવા માટે નથી, એને મુક્ત કરવા માટે છે. ચિત્રકલાના મારા બ્રશ મેં આજે તોડી નાખ્યા, કારણ કે હવે હાથમાં રંગો નહીં, પણ જવાબદારીઓના બોજ છે."
સંગીતા ડાયરીના પાના પર માથું મૂકીને રડી પડી. જે તિરસ્કાર તેણે વર્ષો સુધી સમીર માટે મનમાં રાખ્યો હતો, તે આજે પશ્ચાતાપમાં ફેરવાઈ ગયો હતો.
હજુ તો ૨૧મી ડાયરીના પાના દરેકમાં સમીરે સંગીતા જોડે થયેલ નાની મોટી ક્ષણોને કવિતાના સ્વરૂપમાં સાચવી રાખી હતી. તે દરેક કવિતામાં ખૂબ જ અસહ્ય લાગણી, પીડા અને ગાઢ પ્રેમ દર્શાવ્યો હતો. સંગીતાએ રડતાં રડતાં કવિતાનું પઠન કર્યું. અને ત્યાર સમજાયું કે સમીર કેટલી હદે તેને ચાહતો હતો. કવિતાઓ બાદ સમીરે સંગીતા દ્વારા જેટલો સાથ આપ્યો એ બધું હિસાબી બનાવી લખ્યું હતું. દરેક મદદ માટે ઘણો આભાર સમીરે વ્યક્ત કરીને લખ્યો હતો. સમીરનું હ્રદયદ્રાવક લખાણ વાંચીને દિપક અને સંગીતા ખૂબ રડી રહ્યા હતા. સમીરે લખ્યું હતું કે સંગીતાને સમાજસેવાના કાર્ય માટે ક્યારેય સન્માનિત થઈ ન હતી તો એ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
૨૨મી ડાયરીમાં ઘરના આર્થિક વ્યવહારોની વાતો હતી. સમીરના ભાઈઓ માનતા હતા કે પિતાની મિલકત સમીરે દબાવી રાખી છે. પણ ડાયરીમાં કંઈક અલગ જ હતું.
દિપક : "જો તો ખરી સંગીતાબેન, આમાં લખ્યું છે કે જ્યારે એના નાના ભાઈને વિદેશ ભણવા જાવું’તું ત્યારે સમીરે પોતાની જીંદગીની મૂડી એને દઈ દીધી’તી, ને ભાઈને એમ કીધું’તું કે આ તો બાપુજીએ રાખેલા પૈસા છે. કેવો માણસ કહેવાય આ? પોતે જુના કપડાં હલાવી પહેરતો’તો ને ભાઈને સાહેબ બનાવ્યો. અને અત્યારે ઈ જ ભાઈ એમ કે’તો હતો કે સમીરીયાએ બધુંય પચાવી પાડ્યું છે!"
રહસ્ય હજુ ઘેરું બનતું ગયું. ડાયરીમાં લખ્યું હતું કે સમીરે અજાણતા એક ગરીબ બાળકના ઓપરેશન માટે પોતાના માથે એક લોન લઈને મદદ કરી દીધી હતી. તેણે આ વાત પત્નીને પણ નહોતી કહી, કારણ કે તે નહોતો ઈચ્છતો કે ઘરમાં કોઈ ચિંતા કરે. તેણે બ્લડ પ્રેશર અને હૃદયની તકલીફ પણ છુપાવી રાખી હતી.
દિપક : ૨૪મી ડાયરી માં જ્યારે સંગીતાના સમાજ સેવાના કાર્ય માટે નારી રત્ન પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી એની ખુશી દર્શાવી હતી. એ નારી રત્ન એવોર્ડ સંગીતાને મળે એના માટે થઈને સમીરે અનેક સંસ્થાઓ માં સંગીતાના સમાજસેવાના કામની કદર થાય એ માટે પરિપત્રો દ્વારા જાણ કરી હતી. અને આ બધું જ્યારે દિપક દ્વારા સંગીતાને કહીને સંભળાવ્યું ત્યારે સંગીતાના મનમાં ખૂબ અફસોસ અને વેદનાનો સાગર ઉભરાયો હતો. સમીરનું સાચું સમર્પણ ક્યારેય સંગીતા દ્વારા મળ્યું ન હતું તેમ છતાં પણ સમીરે સંગીતાના કામની કદર થાય અને આગળ વધે એ માટે ક્યાંય કચાશ છોડી ન હતી. અંતે સંગીતા ને નારી રત્ન મળ્યો એની ખુશીમાં કવિતા કંડારી હતી.
છેલ્લી ૨૫મી ડાયરી સોનેરી પૂંઠાની હતી. એમાં અંતિમ મણકો લખેલું હતું. આ ડાયરીમાં સમીરે પોતાના છેલ્લા દિવસોનું વર્ણન કર્યું હતું.
સંગીતા : "દિપકભાઈ, આમાં તેણે લખ્યું છે... 'મને ખબર છે કે મારો સમય ઓછો છે. ડોક્ટરે કહ્યું છે કે હૃદય ગમે ત્યારે દગો દેશે. પણ મારે ઓપરેશન પાછળ ૫ લાખ નથી ખર્ચવા. એ ૫ લાખ મેં ધારાના નામે કરી દીધા છે જેથી મારા ગયા પછી તેને કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે. અને દીપક... મારા ભાઈ, તેં દ્વારકામાં મને વચન આપ્યું હતું કે તું હંમેશા મારો સાથ આપીશ. મારી વસિયતમાં મેં તારા માટે પણ એક પત્ર લખ્યો છે.'"
ડાયરીના છેલ્લા પાના પર એક ચાવી ચોંટાડેલી હતી. એ ચાવી જૂના કબાટના નીચેના લોકર ખાનાની હતી. દિપક અને સંગીતાએ આખું ઘર જગાડ્યું. ધારા, ભાઈઓ અને બાળકો બધા ભેગા થયા. ખાનું ખોલવામાં આવ્યું.
અંદર કોઈ હીરા-મોતી નહોતા, પણ ફાઈલોનો મોટો જથ્થો હતો. તેમાં પિતૃક સંપત્તિની વહેંચણીના કાગળો, જેમાં સમીરે પોતાનો હિસ્સો ભાઈઓના નામે કરી દીધો હતો. અને પત્ની ધારા માટે દર મહિને પેન્શન મળે તેવી ફિક્સ ડિપોઝિટની રિસીપ્ટ. સંગીતાના નામે એક પત્ર, જેમાં લખ્યું હતું કે જો ક્યારેય તેને જરૂર પડે તો સંગીતા અને દિપક માટે એક દુકાનના દસ્તાવેજ, જેનું ભાડું દિપકના પરિવારને મદદરૂપ થાય.
બધા સ્તબ્ધ હતા. ભાઈઓ જે અત્યાર સુધી સંપત્તિ માટે લડતા હતા, તેઓ સમીરની તસવીર સામે જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. જે ધારા તેને કડક અને લાગણી વગરનો માનતી હતી, તે આજે તેના પગલાંની ધૂળ માથે ચડાવી રહી હતી.
દિપક ઊભો થયો, તેની આંખોમાં ગર્વ હતો. તેણે સમીરના ફોટા સામે જોઈને હાથ જોડ્યા.
દિપક : "સમિરીયા, તું જીતી ગ્યો ભાઈ.. અમે બધાય હારી ગયા. અમે તને માણસ સમજતા’તા, પણ તું તો પાક્કો મહામાનવ નીકળ્યો. તેં અમને બધાયને ખોટા સાબિત કરી દીધા. તેં ઝેર પીધું ને અમૃત અમને પાયું. હવે આ ૨૫ ડાયરીઓ અમારા માટે ભગવદ્ ગીતા જેવી છે. તું ક્યાંય નથી ગયો ભાઈ, તું આ શબ્દોમાં અમર છે."
સંગીતાએ ડાયરીઓ વ્યવસ્થિત ગોઠવી. તેને સમજાઈ ગયું હતું કે સમીરનું સાચું સરનામું કોઈ બંગલો કે મકાન નહોતું, પણ તેના આ ૨૫ મણકાઓ હતા જે આજે બધાના હૃદયમાં પરોવાઈ ગયા હતા.
માણસની કિંમત તેના બોલવા પરથી નહીં, પણ તેના મૌન પાછળ રહેલા ઉમદા હેતુઓ પરથી થાય છે. ઘણીવાર આપણી નજીકના લોકો જ આપણને સૌથી વધુ ખોટા સમજે છે, છતાં જે સાચો માણસ છે તે પોતાની પ્રામાણિકતા અને ત્યાગનો માર્ગ ક્યારેય છોડતો નથી. સત્ય કદાચ મોડું બહાર આવે, પણ જ્યારે આવે છે ત્યારે તે બધાના મનનો મેલ ધોઈ નાખે છે.
લેખક - મયુરકુમાર મિસ્ત્રી
Comments
Post a Comment