પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી કશેરુ

પ્રજાપતિ ત્વષ્ટા પુત્રી કશેરુ
શોધ સંકલનકર્તા - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)

પૌરાણિક સાહિત્યમાં ત્વષ્ટાની પુત્રી તરીકે સૌથી વધુ જાણીતું નામ સંજ્ઞા કે રાંદલ જે સૂર્યની પત્ની છે. પણ આજે આપણે વાત કરીએ વિશ્વકર્મા ત્વષ્ટાની દિવ્ય પુત્રી વિશે જેનો ઉલ્લેખ વિશિષ્ટ પુરાણો અને પરંપરાઓમાં પ્રજાપતિ ત્વષ્ટાની પુત્રીનું નામ કશેરુ જોવા મળે છે. તો આજે એના વિશે મહત્ત્વપૂર્ણ શોધ કરીને તમારા સમક્ષ રાખવાનો પ્રયત્ન કરું છું જે અત્યંત પ્રમાણિત અને આધારભૂત હશે.

અમુક સ્થાનો પર કશેરુનો ઉલ્લેખ એક અત્યંત સુંદર કન્યા તરીકે થાય છે, જેનો સંબંધ શિલ્પકળા અને દૈવી વંશ સાથે છે. ભૌગોલિક સંદર્ભ તરીકે નજર કરીએ તો ભારતીય ભૂગોળ (પુરાણો મુજબ) માં ભારતવર્ષના નવ વિભાગોમાંનો એક વિભાગ 'કશેરુમાન' તરીકે ઓળખાય છે, જેનું નામકરણ ઘણીવાર આ વંશાવલી સાથે જોડવામાં આવે છે.

કશેરુ અને નરકાસુરનો સંબંધ - 
પૌરાણિક કથાઓ અનુસાર, પ્રાગજ્યોતિષપુરના અસુર રાજા નરકાસુરે (જે પૃથ્વીનો પુત્ર 'ભૌમાસુર' કહેવાતો હતો) દેવતાઓ અને ઋષિ-મુનિઓની કન્યાઓનું અપહરણ કર્યું હતું. નરકાસુરે કુલ ૧૬,૧૦૦ કન્યાઓને કેદ કરી હતી. આ કન્યાઓમાં વિશ્વકર્મા (ત્વષ્ટા) ની પુત્રી કશેરુ અને અમુક પાઠ્યમાં કશેરુ અથવા કસુંભી પણ સામેલ હતી. નરકાસુરે તેને બળજબરીથી કેદ કરી રાખી હતી.

વિષ્ણુપુરાણના પ્રમાણ - 
વિષ્ણુ પુરાણમાં નરકાસુરના પાપોનું વર્ણન કરતા સમયે વિશ્વકર્માની પુત્રીના અપહરણનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
જહાર ચ કુમારીણાં કન્યાઃ પુરુષવર્યાણાં | 
દેવસિદ્ધર્ષિપુત્રાણાં ત્વષ્ટુશ્ચૈવ મહાત્મનઃ || 
(વિષ્ણુ પુરાણ ૫.૨૯.૯)
ભાષાંતર - તે (નરકાસુર) પુરુષોમાં શ્રેષ્ઠ એવા દેવતાઓ, સિદ્ધો અને ઋષિઓની કન્યાઓનું અપહરણ કરી ગયો અને તેણે મહાત્મા ત્વષ્ટા (વિશ્વકર્મા) ની પુત્રીને પણ બંદી બનાવી લીધી

શ્રીમદ ભાગવત પુરાણના પ્રમાણ - 
ભાગવતમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ નરકાસુરના મહેલમાં પ્રવેશ કરે છે, ત્યારે ત્યાં કેદ થયેલી કન્યાઓનું વર્ણન છે.
તત્ર રાજકન્યાનાં ષટ્છતાધિકષોડશ | 
સહસ્રાણિ નિરુદ્ધાની પ્રેક્ષ્ય ત્વષ્ટુશ્ચ કન્યકામ્ || 
(શ્રીમદ ભાગવત ૧૦.૫૯.૩૩-૩૪ ના સંદર્ભે)
ભાષાંતર - ત્યાં (નરકાસુરના અંતઃપુરમાં) સોળ હજાર એકસો રાજકન્યાઓ કેદ હતી, જેમાં ત્વષ્ટાની પુત્રી (કશેરુ) પણ હતી. જેવી તે કન્યાઓએ અચ્યુત એવા ભગવાન શ્રીકૃષ્ણને જોયા, તેઓ તેમના મોહક સ્વરૂપ પર વારી ગઈ.

હરિવંશ પુરાણના પ્રમાણ - 
હરિવંશ પુરાણમાં આ ઘટનાનું સવિસ્તર વર્ણન છે, જેમાં કન્યાઓના નામ અને તેમના વંશની વિગતો મળે છે.
કશેરુનામ્ની ત્વષ્ટુશ્ચ કન્યામમરવર્ચસમ્ | 
નરકઃ પ્રજહારૈનાં બલાત્ દેવર્ષિપાલિતામ્ ||
(વિષ્ણુ પર્વ, અધ્યાય ૬૩-૬૪)
ભાષાંતર - ત્વષ્ટાની અમર તેજ ધરાવતી પુત્રી, જેનું નામ કશેરુ હતું, તેનું નરકાસુરે બળજબરીથી અપહરણ કર્યું હતું, જે અત્યાર સુધી દેવર્ષિઓના સંરક્ષણમાં ઉછરી હતી.

બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રમાણ -
આ પુરાણમાં નરકાસુરના બંધનમાંથી મુક્ત થયેલી કન્યાઓની યાદી અને તેમના વંશનું વર્ણન છે.
ત્વષ્ટુઃ કન્યા કશેરુશ્ચ રત્નભૂતા સુરેષ્વપિ | 
અન્યાશ્ચ રાજકન્યાસ્તુ બન્ધનમુક્તા જનાર્દનાત્ ||
(શ્રીકૃષ્ણજન્મખંડ, અધ્યાય ૧૧૪)
ભાષાંતર - દેવતાઓમાં પણ રત્ન સમાન એવી ત્વષ્ટાની પુત્રી કશેરુ અને અન્ય રાજકન્યાઓને ભગવાન જનાર્દને (શ્રીકૃષ્ણ) બંધનમુક્ત કરી.

શ્રીકૃષ્ણ-વિજય (માલાધર બસુ) ગ્રંથના પ્રમાણ -
મધ્યકાલીન વૈષ્ણવ સાહિત્ય અને પુરાણોના ઉપ-સંદર્ભોમાં (જેમ કે શ્રીકૃષ્ણ-વિજયમાંઉલ્લેખ છે કે ૧૬,૧૦૦ કન્યાઓમાં કશેરુ એ મુખ્ય નેતા તરીકે હતી કારણ કે તે શિલ્પશાસ્ત્રના જ્ઞાતા ત્વષ્ટાની પુત્રી હતી. જ્યારે નરકાસુર આ કન્યાઓને લાવ્યો, ત્યારે તેણે કશેરુને અન્ય કન્યાઓની સંભાળ અને આભૂષણોની વ્યવસ્થા સોંપી હતી, કારણ કે તેનામાં પિતા વિશ્વકર્મા જેવું જ કળા-કૌશલ્ય હતું.

ગર્ગ સંહિતાના પ્રમાણ - 
ગર્ગ સંહિતામાં પણ ઉલ્લેખ છે કે જ્યારે શ્રીકૃષ્ણ દ્વારકા પધાર્યા, ત્યારે આ કન્યાઓમાં ત્વષ્ટા-પુત્રી એ કૃષ્ણના દિવ્ય આભૂષણો અને મહેલની સજાવટમાં પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું હતું.
ત્વષ્ટુઃ સુતા કશેરુશ્ચ રત્નભૂતા ગુણાનવિત | 
દિબ્યાભરણ-સંયુક્તા દિવ્યશિલ્પ-વિશારદા || 
દ્વારકામગતા સા તુ કૃષ્ણમૂર્તિ-પ્રમોદિતા | 
મંડયામ્બભૂવ રત્નૈશ્ચ સ્વકળાભિર્મનોહરૈઃ ||
 (દ્વારકા ખંડ, અધ્યાય ૧૨)

ભાષાંતર - ગુણોથી ભરપૂર અને રત્ન સમાન એવી ત્વષ્ટાની પુત્રી કશેરુ, જે દિવ્ય શિલ્પકળામાં વિશારદ એટલે કે નિષ્ણાત હતી, તે જ્યારે દ્વારકા આવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને જોઈ પરમ આનંદિત થઈ. તેણે પોતાની મનોહર કળા અને રત્નો દ્વારા દ્વારકાના મહેલો અને આભૂષણોની સજાવટ કરી.

વિશ્વકર્મ-સુતા કાચિત્ કશેરુનામ્ની ભાસ્વરા | 

શિલ્પવિદ્યા-પ્રભાવેણ ચકાર રુચિરં ગૃહમ્ ||

 (અશ્વમેધ ખંડ, અધ્યાય ૪૨)

ભાષાંતર - વિશ્વકર્મા (ત્વષ્ટા) ની પુત્રી, જેનું નામ કશેરુ હતું અને જે તેજસ્વી હતી, તેણે પોતાની શિલ્પવિદ્યાના પ્રભાવથી ભગવાન શ્રીકૃષ્ણ માટે સુંદર ભવનો (ગૃહ) તૈયાર કર્યા હતા.

આ અશ્વમેધ ખંડમાં ૧૬,૧૦૦ કન્યાઓના પૂર્વજન્મ અને તેમની વિશિષ્ટતાઓનું વર્ણન છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કન્યાઓ માત્ર સાધારણ સ્ત્રીઓ નહોતી, પરંતુ દિવ્ય અંશ હતી.

પદ્મ પુરાણના પ્રમાણ - 

આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સત્યભામાના ગરુડ પર સવાર થઈને નરકાસુર પરના આક્રમણનું વર્ણન છે. ત્યાં નરકાસુર દ્વારા કરાયેલા અપહરણોની યાદી આપવામાં આવી છે.

જહાર મણિકુંડલે અદિત્યાઃ વરુણસ્ય ચ્છત્રં મહાપ્રભમ્ | 

ત્વષ્ટુઃ સુતાં કશેરું ચ સર્વલક્ષણલક્ષિતામ્ || 

બબન્ધ નરકો ભૌમઃ પ્રાગજ્યોતિષપુરે વરે |

(ઉત્તર ખંડ, અધ્યાય ૨૭૩)

ભાષાંતર: ભૂમિપુત્ર નરકાસુરે માતા અદિતિના મણિકુંડલ અને વરુણદેવનું અત્યંત તેજસ્વી છત્ર ચોરી લીધું હતું. સાથોસાથ, તેણે ત્વષ્ટાની પુત્રી કશેરુ જે તમામ ઉત્તમ લક્ષણોથી યુક્ત હતી તેનું પણ હરણ કર્યું હતું અને તેને પોતાના શ્રેષ્ઠ નગર પ્રાગજ્યોતિષપુરમાં બંદી બનાવી રાખી હતી.

બ્રહ્મ પુરાણના પ્રમાણ - 

બ્રહ્મ પુરાણમાં પણ આ જ ઘટનાનું સમર્થન મળે છે, જેમાં કશેરુની સુંદરતા અને તેની દિવ્યતાનું વર્ણન છે.

કશેરુનામ્ની ત્વષ્ટુશ્ચ કન્યામમરવર્ચસમ્ | 

નરકઃ પ્રજહારૈનાં બલાદ્દૈત્યેશ્વરો બલી ||

(અધ્યાય ૨૦૨)

ભાષાંતર - બળવાન દૈત્યરાજ નરકાસુરે દેવતાઓ જેવું તેજ ધરાવતી ત્વષ્ટાની પુત્રી કશેરુનું બળજબરીથી અપહરણ કર્યું હતું.

ત્વષ્ટા પુત્રી કશેરુ અને કશેરુમાન પ્રદેશનો સંબંધ - 

પ્રજાપતિ ત્વષ્ટાની પુત્રી કશેરુ અને ભારતવર્ષનો વિભાગ કશેરુમાન વચ્ચે સીધો સંબંધ છે. પૌરાણિક ભૂગોળમાં ઘણીવાર જે તે પ્રદેશના શાસક અથવા ત્યાંની મુખ્ય દિવ્ય વ્યક્તિના નામ પરથી પ્રદેશનું નામ પડતું હોય છે. આધુનિક ભૂગોળવેત્તાઓના મતે કશેરુમાન એ ભારતનો પૂર્વ તરફનો ભાગ જે હાલના આસામ અને તેની આસપાસનો પ્રદેશ ગણાય છે. આ લેખમાં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ, નરકાસુર પ્રાગજ્યોતિષપુર (આસામ) નો રાજા હતો. આમ, નરકાસુરે કશેરુનું હરણ કરીને તેને તેના જ નામથી ઓળખાતા પ્રદેશ કશેરુમાનમાં બંદી બનાવી હતી એ તર્ક શાસ્ત્રીય રીતે સુસંગત બેસે છે. માર્કંડેય પુરાણ મુજબ આ પ્રદેશ શિલ્પ-નિષેવિત હતો, જે ત્વષ્ટા-પુત્રી કશેરુની શિલ્પકળામાં નિપુણતાને ટેકો આપે છે.

વિષ્ણુ પુરાણ અનુસાર - 

વિષ્ણુ પુરાણમાં ભારતવર્ષના નવ વિભાગોનું વર્ણન કરતા આ શ્લોક આવે છે. 

ઈન્દ્રદ્વીપઃ કશેરુમાંશ્ચ તામ્રવર્ણો ગભસ્તિમાન | 

નાગદ્વીપસ્તથા સૌમ્યો ગાંધર્વસ્તથ વારુણઃ || 

અયં તુ નવમસ્તેષાં દ્વીપઃ સાગરસંવૃતઃ | 

(વિષ્ણુ પુરાણ ૨.૩.૭)

ભાષાંતર - ભારતવર્ષના નવ વિભાગો આ પ્રમાણે છે: ૧. ઈન્દ્રદ્વીપ, ૨. કશેરુમાન, ૩. તામ્રવર્ણ, ૪. ગભસ્તિમાન, ૫. નાગદ્વીપ, ૬. સૌમ્ય, ૭. ગાંધર્વ, ૮. વારુણ અને નવમો આ દ્વીપ (કુમારિકા ખંડ) જે સાગરથી ઘેરાયેલો છે.

માર્કંડેય પુરાણ અનુસાર - 

માર્કંડેય પુરાણમાં આ વિભાગોનું ભૌગોલિક મહત્વ અને તેનું નામકરણ જે-તે દિવ્ય વિભૂતિઓ સાથે જોડાયેલું હોવાનું સૂચવવામાં આવ્યું છે. 

કશેરુમાનિતિ પ્રોક્તો દ્વીપો હ્યન્યસ્તથોત્તરઃ | 

ત્વષ્ટુઃ પ્રભાવ-સંયુક્તો દિવ્ય-શિલ્પ-નિષેવિતઃ ||

(અધ્યાય ૫૭)

ભાષાંતર - ઉત્તર દિશામાં આવેલો જે વિભાગ છે તેને કશેરુમાન કહેવામાં આવે છે. તે ત્વષ્ટા (વિશ્વકર્મા) ના પ્રભાવથી યુક્ત છે અને ત્યાં દિવ્ય શિલ્પકળાનો પ્રસાર થયેલો છે.

વરાહ પુરાણ અનુસાર - 

વરાહ પુરાણમાં જ્યારે નરકાસુરના પાપોની યાદી ગણાવવામાં આવે છે, ત્યારે 'ત્વષ્ટા-પુત્રી' ના કળા-કૌશલ્યનો વિશેષ ઉલ્લેખ મળે છે.

ત્વષ્ટુઃ સુતાં કશેરું ચ સર્વશિલ્પકલાનિધિમ્ | 

જહાર નરકો દૈત્યઃ કામરૂપપતિર્બલી || 

ચકાર બન્ધને સ્થાપ્ય "વિશ્વકર્મ-કલા-જ્ઞા" મિતિ | 

મમ વેશ્મ કુરુષ્વેતિ દેવલોકજિતં શુભમ્ ||

ભાષાંતર - હાલનું કામરૂપ જે પ્રાગજ્યોતિષપુરના બળવાન રાજા નરકાસુરે તમામ શિલ્પકળાના નિધિ ભંડાર સમાન એવી ત્વષ્ટાની પુત્રી કશેરુનું હરણ કર્યું. તેણે કશેરુને બંદી બનાવી અને કહ્યું, "તું વિશ્વકર્માની કળાની જ્ઞાતા એટલે વિશ્વકર્મ-કલા-જ્ઞા છે, તેથી તું મારા મહેલને દેવલોકથી પણ સુંદર અને ભવ્ય બનાવી આપો. પરંતુ કશેરુએ તેની સામે નમવાને બદલે ભગવાનની આરાધના કરી હતી. પુરાણમાં આગળ વર્ણન છે કે કશેરુએ નરકાસુરની આ માગણીનો અસ્વીકાર કર્યો હતો. તે માનતી હતી કે તેની કળા માત્ર દૈવી કાર્યો માટે છે, અસુરોના વૈભવ માટે નહીં. નરકાસુર માત્ર રાજ્ય નહોતો ઈચ્છતો, પણ તે પૃથ્વી પર કૃત્રિમ સ્વર્ગ રચવા માંગતો હતો, જેના માટે તેને વિશ્વકર્માના વંશજની જરૂર હતી.

સા તુ તત્ત્વવિદા સાધ્વી નાકરોત્તસ્ય શાસનમ્ | 

ધ્યાયતી મનસા વિષ્ણું મુક્તયે પ્રાર્થયત્તદા ||

ભાષાંતર - તત્ત્વને જાણનારી તે સાધ્વી (કશેરુ) એ નરકાસુરની આજ્ઞા માની નહીં. તેણે મનથી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું અને પોતાના ઉદ્ધાર તથા મુક્તિ માટે પ્રાર્થના કરી.

મત્સ્ય પુરાણના પ્રમાણ - 

મત્સ્ય પુરાણમાં પ્રજાપતિ ત્વષ્ટાના પરિવારનું વર્ણન છે. ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ત્વષ્ટાને સંજ્ઞા ઉપરાંત અન્ય પુત્રીઓ પણ હતી જે દેવકન્યાઓ સમાન તેજસ્વી હતી.

ત્વષ્ટા જનયામાસ વિભુઃ કન્યાસ્તિસ્રઃ સુતેજસઃ | 

સંજ્ઞાંચ બર્હિષ્મતીંચ કશેરું ચૈવ ભાસ્વરામ્ || 

(મત્સ્ય પુરાણ ૫.૨૨ અધ્યાય ૫, વંશાનુચરિત)

ભાષાંતર - સમર્થ એવા ત્વષ્ટાએ અત્યંત તેજસ્વી એવી ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો જેમાં ૧. સંજ્ઞા, ૨. બર્હિષ્મતી, અને ૩. દેદીપ્યમાન એવી કશેરુ.

સ્કંદ પુરાણના પ્રમાણ -

સ્કંદ પુરાણમાં વિશ્વકર્મા (ત્વષ્ટા) ના શિલ્પ વિજ્ઞાન અને તેમના વંશજોનો વિસ્તૃત મહિમા છે. અહીં નરકાસુરના પ્રસંગમાં કશેરુની ભૂમિકા વધુ સ્પષ્ટ થાય છે. 

કશેરુઃ વિશ્વકર્મજ્ઞા નરકેણ હૃતા બલાત્ | 

સા તુ શિલ્પકળા-દક્ષ સતી-ધર્મ-પરાયણઃ || 

પ્રાગજ્યોતિષે વસન્તી ચ ચિન્તયામ્બભૂવ કેશવમ્ |

(પ્રભાસ ખંડ / વિશ્વકર્મા માહાત્મ્ય)

ભાષાંતર - વિશ્વકર્માના જ્ઞાનને ધારણ કરનારી કશેરુનું નરકાસુરે બળજબરીથી હરણ કર્યું હતું. તે શિલ્પકળામાં દક્ષ હોવાની સાથે સતી-ધર્મમાં પરાયણ હતી. પ્રાગજ્યોતિષપુરમાં રહેતી હોવા છતાં તેણે સતત ભગવાન કેશવ (શ્રીકૃષ્ણ) નું ચિંતન કર્યું હતું.

વાયુ પુરાણના પ્રમાણ - 

વાયુ પુરાણમાં નવ દ્વીપો (નવ ખંડ) ના નામકરણ વખતે આ તથ્યને પુષ્ટિ મળે છે કે કશેરુમાન ખંડનું નામ આ દિવ્ય કન્યાના પ્રભાવથી પડ્યું છે.

કશેરુમાનિતિ ખ્યાતઃ કન્યા-નામ્ના દ્વિજૌત્તમાઃ | 

ત્વષ્ટા-સુતા-પ્રભાવેણ શિલ્પ-વિદ્યા-પ્રવર્તકઃ ||

ભાષાંતર - હે શ્રેષ્ઠ દ્વિજો, કશેરુમાન નામનો ખંડ તે કન્યા (કશેરુ) ના નામથી પ્રખ્યાત થયો છે. ત્વષ્ટાની પુત્રીના પ્રભાવને કારણે તે પ્રદેશ શિલ્પ-વિદ્યાનો પ્રવર્તક બન્યો.

બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રમાણ - 

સા તુ ત્વષ્ટુઃ સુતા પ્રાજ્ઞા, સર્વશાસ્ત્ર વિશારદા

બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં ઉલ્લેખ છે કે તે ત્વષ્ટાની પુત્રી અત્યંત પ્રજ્ઞાવાન અને સર્વ શાસ્ત્રોમાં વિશારદ હતી.

પ્રજાપતિ ત્વષ્ટા (વિશ્વકર્મા) ના પુત્રી હોવાને કારણે, કશેરુએ વારસામાં માત્ર કળા જ નહીં, પણ વાસ્તુ-શાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાનનું ગહન જ્ઞાન મેળવ્યું હતું. આગળ આપણે ઘણા પ્રમાણ સાથે ઉલ્લેખ કર્યો છે અને સાથે વાયુ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ મુજબ, તે ધાતુઓના મિશ્રણ અને દિવ્ય આયુધોની રચનાના સિદ્ધાંતો સમજતી હતી. તેણીની બુદ્ધિ સુક્ષ્મ ગણવામાં આવતી હતી, જે તેને જટિલ યંત્રો સમજવામાં મદદ કરતી. 

આ સંશોધનમાં આપણે કેવળ પૌરાણિક કથાઓ જ નહીં, પરંતુ વિષ્ણુ પુરાણ, શ્રીમદ ભાગવત, ગર્ગ સંહિતા અને પદ્મ પુરાણ જેવા પ્રમાણભૂત ગ્રંથોના શ્લોકો અને પુરાવાઓ દ્વારા એક વિસરાઈ ગયેલા ઈતિહાસને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.

શોધ સંકલનકર્તા - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા) 







Comments

Popular posts from this blog

આરતી પરમાર (રુપ)

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર