વૈદિક હોળી - એક પ્રાચીન મનોવૈજ્ઞાનિક ઉત્સવ
*વૈદિક હોળી - એક પ્રાચીન મનોવૈજ્ઞાનિક ઉત્સવ*
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)*
આપણી ભારતીય સંસ્કૃતિમાં હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ, વિજ્ઞાન અને અદ્યાત્મનો એક અદભૂત સંગમ છે. આજના આધુનિક યુગમાં જ્યારે પ્રદૂષણ અને રાસાયણિક રંગોએ આ તહેવારનું સ્વરૂપ બદલી નાખ્યું છે, ત્યારે આપણા વેદો અને પુરાણોમાં વર્ણવેલી વૈદિક હોળીના મહત્વને સમજવું અત્યંત અનિવાર્ય છે. ભારતીય સંસ્કૃતિમાં હોળી માત્ર પૌરાણિક કથાનો ઉત્સવ નથી, પણ તે નવસસ્યેષ્ટિ યજ્ઞ છે. વેદકાળમાં જ્યારે નવો પાક તૈયાર થતો, ત્યારે તેનો પ્રથમ અંશ અગ્નિદેવને અર્પણ કરવામાં આવતો. આ પરંપરા આજે પણ હોળીના રૂપમાં જીવંત છે.
મહાપર્વ હોળીનો ઉલ્લેખ અત્યંત પ્રાચીન છે. જૈમિની સૂત્ર અને કઠક ગૃહ્ય સૂત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં આ ઉત્સવનું વર્ણન મળે છે. શ્રીમદ્ ભાગવત પુરાણના સાતમા સ્કંધમાં ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા દ્વારા અનિષ્ટ પર ઈષ્ટના વિજયનો પુરાવો મળે છે. આ ઉપરાંત, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ ફાગણી પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી યજ્ઞવિધિનો ઉલ્લેખ છે, જેને હોલાકા તરીકે ઓળખવામાં આવતી હતી. હોલાકાનો અર્થ થાય છે વધારે પકવેલું અનાજ. વૈદિક ઋષિઓ માનતા કે હોળીની પ્રદક્ષિણા કરવાથી અને અગ્નિના તાપથી શરીરમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે.
ઋતુ પરિવર્તનના સમયે, એટલે કે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વખતે માનવ શરીરમાં કફનો પ્રકોપ વધે છે. સૂર્યની ગરમી વધતા શરીરમાં આળસ અને સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે.
હવે સામૂહિક યજ્ઞની વાત કરીએ તો વૈદિક પરંપરામાં હોળી એ એક સામૂહિક નવસસ્યેષ્ટિ યજ્ઞ છે. હોળીની પવિત્ર અગ્નિમાં કપૂર, ગૂગળ, ગાયનું ઘી, લીમડાના પાન અને ચંદન જેવી ઔષધિઓ હોમવામાં આવે છે. આનાથી નીકળતો ધુમાડો વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરે છે.
અને શારીરિક સ્વાસ્થ્ય તરફ વાત કરીએ તો જ્યારે આપણે હોળીની પ્રદક્ષિણા કરીએ છીએ, ત્યારે તે અગ્નિની ગરમીથી શરીરમાં રહેલા કફનું શમન થાય છે અને રક્તસંચાર સુધરે છે. જેનાથી આરોગ્ય સુખમય બને છે.
વૈદિક હોળીમાં લાકડાનો ઓછો ઉપયોગ અને ગાયના છાણાનો વધુ ઉપયોગ કરવાનું વિધાન છે. જે ખરેખર વૈદિકતા નું સાચું પ્રતીક કહી શકાય. વૃક્ષો કાપવાને બદલે ગાયના છાણાનો ઉપયોગ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે.
પ્રાચીન સમયમાં કેસૂડાના ફૂલો, હળદર અને બીટના પાણીથી હોળી ખેલાતી હતી. કેસૂડાના પાણીથી સ્નાન કરવાથી ત્વચાના રોગો દૂર થાય છે અને ઉનાળાની ગરમી સહન કરવાની શક્તિ મળે છે. હોળીની અગ્નિમાં કામ, ક્રોધ, મોહ અને લોભ જેવા આંતરિક દુર્ગુણોની આહુતિ આપીને મનને પવિત્ર બનાવવાનો આ અવસર છે.
વેદોમાં અગ્નિને મુખ માનવામાં આવ્યો છે. હોળી પ્રગટાવતી વખતે નીચે મુજબના મંત્રોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે.
"અસ્માભિર્ભયસંત્રસ્તૈઃ કૃતા ત્વં હોલિતે યતઃ |
અતસ્ત્વાં પૂજયિષ્યામઃ ભૂતે ભૂતિપ્રદા ભવ ||"
આ મંત્રનો અર્થ છે કે હે હોલિકા, અમે ભયથી ત્રસ્ત થઈને તારું પૂજન કરીએ છીએ, તું અમને ઐશ્વર્ય અને સુખ પ્રદાન કર. આ મંત્ર દ્વારા સામૂહિક સકારાત્મક ઉર્જા પેદા કરવામાં આવે છે.
આજે જે રીતે કેમિકલયુક્ત રંગો અને પાણીનો બગાડ થાય છે, તે ચિંતાનો વિષય છે. વૈદિક હોળી આપણને તિલક હોળી અને પુષ્પ હોળી તરફ વળવાનો સંદેશ આપે છે. જો આપણે પ્રાચીન રીતભાત મુજબ હોળી ઉજવીએ, તો જળ પ્રદૂષણ અટકે છે અને પૃથ્વીનું સંતુલન જળવાય છે. આજની પેઢીને ઇકો-ફ્રેન્ડલી હોળી શીખવવી એ ખરેખર તો આપણી વૈદિક હોળી તરફ જ પાછા વળવા જેવું છે. જો આપણે વૃક્ષોના લાકડાના બદલે છાણા વાપરીએ અને પાણીના બગાડના બદલે સૂકા પ્રાકૃતિક રંગો વાપરીએ, તો જ આપણે ખરા અર્થમાં ઋષિઓના વારસાને સાર્થક કરી શકીશું.
હોળી એ વેરઝેર ભૂલીને એકબીજાને ભેટવાનો ઉત્સવ છે. વેદોનો સંદેશ છે - "સંગચ્છધ્વં સંવદધ્વં" એટલે કે સાથે ચાલો, સાથે બોલો. જો આપણે વૈદિક પદ્ધતિથી હોળી ઉજવીશું, તો તે માત્ર મનોરંજન નહીં રહે, પણ માનવજાત માટે આરોગ્યપ્રદ વરદાન સાબિત થશે. આવો, આ વખતે આપણે વૃક્ષો બચાવો, ગૌ-છાણ અપનાવો ના સંકલ્પ સાથે વૈદિક હોળી ઉજવીએ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને પુનઃસ્થાપિત કરીએ. જે આવનારી પેઢીને આશીર્વાદ રૂપ ફળી શકે એવા પ્રયાસોના પ્રણ લેવા પ્રેરિત કરીએ.
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)*
*શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ*
Comments
Post a Comment