ગદાધર વિષ્ણુ મંદિર શામળાજી
મંદિરની દીવાલો પર શિકારના દ્રશ્યો, યુદ્ધના રથો અને રાજાઓના દરબારના દ્રશ્યો કંડારેલા છે. આ શિલ્પો તે સમયના સત્તાધીશો (ખાસ કરીને મૈત્રક અને પાછળથી પરમાર રાજાઓ) ના યોગદાનને પ્રતિબિંબિત કરે છે.
નક્કર પુરાવાઓ પરથી કહી શકાય કે શામળાજી મંદિરની સ્થાપના એકાએક થયેલી ઘટના નથી. તે ૪થી સદીમાં એક નાના તીર્થ તરીકે શરૂ થઈ, ૭મી-૮મી સદીમાં કલાના સર્વોચ્ચ શિખરે પહોંચી અને ૧૫મી સદીના અંત સુધીમાં તેના આજના ભવ્ય સ્વરૂપમાં સ્થિર થઈ.
પૌરાણિક ગ્રંથો અને શૈલીગત પુરાવા -
સ્કંદ પુરાણ: સ્કંદ પુરાણના 'અરબુદ ખંડ' અને 'ધર્મારણ્ય ખંડ'માં સાબરમતી અને તેની સહાયક નદીઓના સંગમની નજીક આવેલા પવિત્ર ક્ષેત્રોનું વર્ણન છે. તેમાં મેશ્વો (મેષવતી) નદીના કિનારે વિષ્ણુના ગદાધર સ્વરૂપના સ્થાપનનો ઉલ્લેખ છે. આ ગ્રંથોની મૂળ રચનાનો કાળ ઘણો પ્રાચીન છે, જે ગુપ્ત કાળની પરંપરાઓને અનુસરે છે.
મેષવતી તટે રમ્યે ગદાધર સનાતનમ્ |
યત્ર સ્નાત્વા નરો ભક્ત્યા મુચ્યતે સર્વ પાતકૈઃ ||
અર્થાત: મેશ્વો નદીના રમણીય તટ પર સનાતન ગદાધર બિરાજમાન છે, જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્ય તમામ પાપોમાંથી મુક્ત થાય છે.
પદ્મ પુરાણ: પદ્મ પુરાણમાં પણ 'ગદાધર તીર્થ' નો મહિમા ગવાયો છે, જે પિતૃઓના મોક્ષ માટે ગયા (બિહાર) જેટલું જ ફળદાયી માનવામાં આવ્યું છે.
ગયા તુલ્યં પ્રભાવેણ ગદાધર નિષેવિતમ્ |
તત્ર પિંડ પ્રદાનેન પિતૃણામક્ષયા ગતિઃ ||
અર્થાત: આ ક્ષેત્ર પ્રભાવમાં ગયા સમાન છે, જ્યાં ગદાધરનો વાસ છે. અહીં પિંડદાન કરવાથી પિતૃઓને અક્ષય ગતિ પ્રાપ્ત થાય છે.)
શામળાજીમાંથી મળેલી વિષ્ણુની ચતુર્ભુજ મૂર્તિઓ અને વિશિષ્ટ 'એકમુખ શિવલિંગ' (જે ગુપ્ત કાળની લાક્ષણિકતા છે) ગ્રંથોમાં વર્ણવેલી 'આગમ' પદ્ધતિ મુજબ નિર્મિત છે. કાશી અને મથુરાની ગુપ્તકાલીન મૂર્તિકળાના જે લક્ષણો 'વિષ્ણુધર્મોત્તર પુરાણ'માં વર્ણવ્યા છે, તે જ આબેહૂબ લક્ષણો શામળાજીના પ્રાચીન શિલ્પોમાં જોવા મળે છે. આ સાબિત કરે છે કે તે સમયે આ ક્ષેત્ર આર્યાવર્તના મુખ્ય સાંસ્કૃતિક પ્રવાહ સાથે જોડાયેલું હતું.
વિદેશી પ્રવાસીઓના પરોક્ષ ઉલ્લેખ -
સાતમી સદીમાં આવેલા ચીની મુસાફર હ્યુ-એન-સાંગ (Hiuen Tsang) એ તેના પ્રવાસવર્ણન 'સી-યુ-કી' માં 'ખી-ચી-લો' અને તેની આસપાસના સમૃદ્ધ ધાર્મિક કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો છે. જોકે તેણે બૌદ્ધ વિહારો પર ભાર મૂક્યો હતો, પણ તેણે એ પણ નોંધ્યું હતું કે અહીં 'દેવ મંદિરો' (હિન્દુ મંદિરો) અને બૌદ્ધ સ્તૂપો સહ-અસ્તિત્વ ધરાવે છે. 'દેવની મોરી' અને 'શામળાજી' નું અંતર નહિવત હોવાથી આ વર્ણન આ ક્ષેત્રની પ્રાચીન સમૃદ્ધિનો મજબૂત દસ્તાવેજ ગણાય છે.
અભિલેખ અને સિક્કાશાસ્ત્રના પુરાવા -
ગુપ્ત રાજાઓના પ્રભાવ નીચેના ગુજરાત (આનર્ત અને લાટ પ્રદેશ) માંથી મળેલા દાનપત્રોમાં ઘણીવાર બ્રાહ્મણ વસાહતો અને વિષ્ણુ આયતનો (મંદિરો) માટેના દાનનો ઉલ્લેખ હોય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રસેન ત્રીજાના સમયની મંજૂષા જે દેવની મોરીમાંથી મળી છે, તેના પરનો લેખ સ્પષ્ટપણે ઈ.સ. ૩૭૫ (કથિત કાળ) ની આસપાસ આ વિસ્તારમાં મોટા બાંધકામો થયા હોવાની પુષ્ટિ કરે છે.
સ્થાનિક પરંપરા અને હસ્તપ્રતો -
સ્થાનિક ભાટ-ચારણોની પોથીઓમાં અને જૂની હસ્તપ્રતોમાં 'મેષવતી તટે ગદાધર' એવા ઉલ્લેખો મળે છે. અનેક લેખક અને કવિઓએ પણ આ ક્ષેત્રની પવિત્રતાનો સ્વીકાર કર્યો છે, જે પરંપરાગત રીતે ગુપ્ત કાળથી ચાલી આવતી હોવાનું મનાય છે. શામળાજી વિષ્ણુ મંદિર (ગદાધર ક્ષેત્ર) વિશેનો ઇતિહાસ માત્ર પથ્થરોમાં જ નહીં, પણ ભારતના ખ્યાતનામ લેખકો, ઇતિહાસકારો અને આદ્ય કવિઓની કલમે પણ કંડારાયો છે. આ વિદ્વાનોએ પોતાની કૃતિઓમાં શામળાજીની ભવ્યતા, શિલ્પકલા અને ધાર્મિક રહસ્યોનું જે વર્ણન કર્યું છે,
ડૉ. ઉમાકાંત શાહે શામળાજીના શિલ્પો પર ઊંડું સંશોધન કર્યું છે. તેમણે તેમના પુસ્તકો અને લેખોમાં આ સ્થળને "ગુજરાતની શિલ્પકલાનું કાશી" ગણાવ્યું છે. તેમણે નોંધ્યું છે કે શામળાજીના માતૃકા શિલ્પો અને વિશ્વરૂપ વિષ્ણુની મૂર્તિ પશ્ચિમ ભારતની કલાના સર્વોચ્ચ શિખરો છે. તેમણે આ શિલ્પોને ગુપ્તકાલીન અને ગંધાર શૈલીના સંગમ તરીકે ઓળખાવ્યા છે.
ગુજરાતી અસ્મિતાના પુરસ્કર્તા કનૈયાલાલ મુનશીએ પણ શામળાજીના ઇતિહાસમાં રસ દાખવ્યો હતો. તેમણે તેમની ઐતિહાસિક નવલકથાઓના સંદર્ભમાં અને 'ગુજરાતની અસ્મિતા' વિષયક લખાણોમાં શામળાજીને એક એવું કેન્દ્ર ગણાવ્યું છે જ્યાં ગુજરાતની સીમાઓનું રક્ષણ કરતા દેવ બિરાજમાન છે. તેમણે આ મંદિરને "ઐતિહાસિક સાતત્યનું પ્રતીક" માન્યું છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા આર. એન. મહેતાએ દેવની મોરીના ઉત્ખનન દ્વારા શામળાજીનો ઇતિહાસ વિશ્વ સમક્ષ મૂક્યો. તેમણે પુરાવા સાથે સાબિત કર્યું કે શામળાજી માત્ર હિન્દુ તીર્થ નથી, પણ એક સમયે અહીં બૌદ્ધ સંસ્કૃતિ પણ પૂર્ણ કળાએ ખીલી હતી. તેમણે આ વિસ્તારના મૃદુ પથ્થરના ઉપયોગ વિશે તકનીકી અને ઐતિહાસિક વિગતો પૂરી પાડી છે.
૧૫મી સદીના કવિ પદ્મનાભે જ્યારે ગુજરાત પરના આક્રમણોનું વર્ણન કર્યું, ત્યારે આ પ્રદેશના મંદિરોની ગરિમા અને રક્ષણ માટે રજપૂતોએ આપેલા બલિદાનનો ઉલ્લેખ કર્યો છે, જે શામળાજીની ઐતિહાસિક રક્ષાત્મક ભૂમિકાને સ્પષ્ટ કરે છે.
સ્થાનિક ચારણ અને ભાટ કવિઓની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ચારણી સાહિત્યમાં શામળાજી વિશે અનેક 'દૂહા' અને 'છંદ' ઉપલબ્ધ છે. જેમાં ભગવાનને "અરવલ્લીનો રખેવાળ" અને "મેશ્વનો મોભી" કહીને નવાજવામાં આવ્યા છે. લોકગીતોના રચયિતા: અજ્ઞાત લોકકવિઓએ શામળાજીના મેળાનું જે વર્ણન કર્યું છે તે આજે પણ જીવંત છે.
"શામળાજીના મેળામાં રણઝણિયું વાગે, પેલું રણઝણિયું વાગે..."
આ પંક્તિઓ માત્ર ગીત નથી, પણ આ પ્રદેશના લોકજીવન અને ભગવાન વચ્ચેના અતૂટ સંબંધનું વર્ણન છે. ઇતિહાસકારો માટે શામળાજી એ પથ્થરમાં લખાયેલી કવિતા છે, જ્યારે કવિઓ માટે તે પરમાત્માનું સાક્ષાત્ શ્યામ સ્વરૂપ છે.
મંદિરની વિશેષતા -
હવે મંદિરની વિશેષતા વિશે નજર કરીએ તો મંદિરની પીઠ પર કોતરાયેલી હાથીઓની હારમાળા જેને ગજથર કહેવાય છે, તે માત્ર શણગાર નથી. અહીં અસંખ્ય હાથીઓ કંડારેલા છે, અને ખાસ વાત એ છે કે દરેક હાથીનો ચહેરો, તેની સૂંઢની સ્થિતિ અને તેના પરના સવારોની મુદ્રા એકબીજાથી અલગ છે. મધ્યકાલીન સ્થાપત્યમાં ગજથર એ સ્થિરતા અને શક્તિનું પ્રતીક હતું. શામળાજીના ગજથરની કોતરણી એટલી સૂક્ષ્મ છે કે તેને ગજરાજ સૃષ્ટિ પણ કહેવામાં આવે છે. આ હાથીઓ મંદિરના વિરાટ ભારને પૃથ્વી પર ટકાવી રાખવાના પ્રતીક તરીકે મૂકવામાં આવે છે. 'દીપાર્ણવ' ગ્રંથમાં આ પ્રકારના ગજપીઠનું વિસ્તૃત વર્ણન મળે છે.
હવે મૂર્તિની વાત કરું તો શામળાજીમાંથી મળી આવેલી છઠ્ઠી સદીની વિશ્વરૂપ વિષ્ણુની મૂર્તિ ભારતભરમાં અજોડ છે. આ મૂર્તિમાં ભગવાનના વિરાટ સ્વરૂપમાં અનેક દેવ-દેવીઓ, ગંધર્વો અને ઋષિઓને સમાવવામાં આવ્યા છે. ઈતિહાસકારો માને છે કે આ મૂર્તિ મથુરા શૈલી અને ગુજરાતની સ્થાનિક શૈલીના મિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એવી રીતે મંદિરના સભામંડપમાં જે સ્તંભો છે, તેના પર જાણે મૂર્તિઓ જે છતને ટેકો આપતી હોય તેવું લાગે છે એવી રીતે કંડારેલા છે. આ મૂર્તિઓના ચહેરા પરના હાવભાવ જેમ કે વજન ઉઠાવતી વખતે પડતો શ્રમ હોય એટલી જીવંત રીતે કોતરાયા છે કે તે ગુપ્તકાલીન જીવંત શિલ્પની પરંપરાને જીવંત રાખે છે. મંદિરના ગર્ભગૃહમાંથી ચરણામૃત અને અભિષેકનું જળ બહાર નીકળવા માટે ઉત્તર દિશામાં જે નળી (પ્રણાલ) રાખવામાં આવી છે, તેના મુખ પર 'મકરમુખ' (મગરનું મોઢું) કોતરાયેલું છે. આ મકરમુખની શૈલી ૬ઠી સદીના પશ્ચિમ ભારતીય મંદિરોની લાક્ષણિક ઓળખ છે.
એક રોચક ઐતિહાસિક અંદાજ મુજબ, શામળાજી એ પ્રાચીન ભૃગુકચ્છ (ભરૂચ) બંદરથી મધ્ય ભારત અને ગાંધાર (અફઘાનિસ્તાન) તરફ જતા વેપારી માર્ગ પરનું મુખ્ય રોકાણ હતું. અહીંથી મળેલા વિવિધ સંસ્કૃતિઓના સિક્કાઓ અને શૈલીઓ સૂચવે છે કે વિદેશી વેપારીઓ અહીં વિરામ લેતા અને મંદિરને દાન આપતા. એટલે જ અહીંના સ્થાપત્યમાં અનેક પ્રાદેશિક શૈલીઓનો પ્રભાવ જોવા મળે છે.
શામળાજી વિષ્ણુ મંદિરના ઇતિહાસ અને સ્થાપત્યનું અવલોકન કરતા એ સ્પષ્ટ થાય છે કે, આ પવિત્ર ધામ માત્ર એક ધાર્મિક સંરચના નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના હજારો વર્ષોના ચડાવ-ઉતારની જીવંત સાક્ષી છે. ક્ષત્રપ કાળના પથ્થરના અવશેષોથી લઈને સોલંકી યુગની ભવ્ય શિલ્પકલા સુધીનું આ સ્થાપત્ય એક અખંડ સાતત્ય જાળવી રાખે છે. દેવની મોરીના બૌદ્ધ સ્તૂપો અને ગદાધર ક્ષેત્રના વિષ્ણુ મંદિરોનું સહ-અસ્તિત્વ એ સાબિત કરે છે કે પ્રાચીન ગુજરાત ધાર્મિક સહિષ્ણુતા અને સાંસ્કૃતિક સમન્વયનું વૈશ્વિક કેન્દ્ર હતું. સમય જતાં રાજસત્તાઓ બદલાઈ, યુદ્ધો થયા અને યુગ બદલાયા, અને અત્યારે શામળાજીને તાલુકાનું બિરુદ પણ મળ્યું છે. પરંતુ મેશ્વોના કિનારે બિરાજમાન ગદાધરનું આ સ્વરૂપ આજે પણ માનવજાતને એ સંદેશ આપે છે કે - ભૌતિક સત્તાઓ ક્ષણભંગુર છે, પણ નિઃસ્વાર્થ ભાવે કરાયેલું સર્જન અને સમર્પણ કાળના કપાળ પર અમર લેખ બનીને રહી જાય છે. શામળાજી એ ગુજરાતની અસ્મિતાનું એવું શિખર છે, જે ભૂતકાળના ગૌરવને ભવિષ્યની પેઢી માટે માર્ગદર્શક બનાવતું રહેશે.
લેખક સંકલનકર્તા - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)
સંસ્થાપક, શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ
Comments
Post a Comment