સૃષ્ટિ રચના અને સાંખ્ય દર્શન

સૃષ્ટિ રચના અને સાંખ્ય દર્શન

કપિલમુનિ રચિત સાંખ્યદર્શનના પ્રથમ અધ્યાયમાં સૃષ્ટિ રચનાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. આમાંથી સૃષ્ટિ રચના પ્રક્રિયા અંગેના અગત્યના સૂત્રો અને તેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

સાંખ્યદર્શન અધ્યાય - ૧

સત્ત્વરજસ્તમસાં સામ્યાવસ્યા પ્રકૃતિ: પ્રકૃતેમહાન્, મહતોડઅહંકારોઽહંકારાત્ પંચતન્માત્રાણ્યુભયમિન્દ્રિયં, તન્માત્રેયઃ સ્પુથૂલભૂતાનિ પુરુષ ઈતિ પંચવિંશતિર્ગણઃ || ૬૧ ||

સૂત્રાર્થ: (સત્ત્વ રજસ્ - તમસો) સત્ત્વ, રજસ્ અને તમસની (સામ્યાવસ્થા પ્રકૃતિ:) સામ્યાવસ્થા પ્રકૃતિ છે. (પ્રકૃતે: મહાન) પ્રકૃતિથી મહત્ત્વ (મહત: અહંકાર:) મહત્ત્વથી અહંકાર (અહંકારાત્ પંચતન્માત્રાણિ ઉભયમિન્દ્રિયમ્) અહંકારથી પાંચ તન્માત્રા અને બંને પ્રકારની ઇન્દ્રિયો (તન્માત્રાત: સ્થૂલભૂતાનિ) તન્માત્રાથી સ્થૂળભૂત (પુરુષ) અને આના સિવાય પુરુષ (ઈતિ પંચવિંશતિઃ ગણઃ) આમ પચ્ચીસનો સમુદાય છે.

ભાવાર્થ: સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ પ્રકારનાં ગુણોનો સમૂહ છે. જેમની સામ્યાવસ્થાનું નામ પ્રકૃતિ છે. બધાં કાર્યની કારણરૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ છે. મૂળ તત્ત્વ ત્રણ વર્ગમાં વિભક્ત છે અને સંખ્યામાં અનંત છે. જ્યારે ચેતનથી પ્રેરણાથી તેમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે, ત્યારે તે મૂળતત્ત્વ કાર્યનોન્મુખ થાય છે તથા તેમનું જ પ્રથમ પરિણામ છે તેનું નામ મહત્ અથવા બુદ્ધિ છે. મહત્માંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા અને બંને પ્રકારની ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. આંતર તથા બાહ્ય બે પ્રકારની ઇન્દ્રિયો. જેમાં મન આંતર ઇન્દ્રિય છે તથા બાહ્ય ઇન્દ્રિય છે. વાક્, પાણિ, પાદ, પાયુ, ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિયો તથા શ્રોત્ર, ત્વચ, ચક્ષુ, રસન, પ્રાણ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. ઇન્દ્રિયો ફક્ત વિકાર છે. તે આગળ કોઈ તત્ત્વતન્વરને ઉત્પન્ન નથી કરતી. તન્માત્રા અર્થાત્ સૂક્ષ્મભૂતોથી સ્થૂળભૂતોની ઉત્પત્તિ થાય છે.

આમ, મૂળ પ્રકૃતિ ફક્ત ઉપાદાન તથા મહત્ વગેરે ૨૩ પદાર્થોનો વિકાર છે. આ ચોવીસ અચેતન જગત છે. આ ઉપરાંત પુરુષ અર્થાત ચેતન તત્ત્વ છે. આ રીતે ૨૪ અચેતન તથા ૨૫મો પુરુષ ચેતન પણ બે ભાગમાં વિભાજિત છે. એક પરમાત્મા અને બીજુ જીવાત્મા, પરમાત્મા એક છે જ્યારે જીવાત્મા અનેક છે.

આ છે બધાં તત્ત્વ કે જેને જાણીને ચેતન-અચેતનનો ભેદનો સાક્ષાત્કાર કરવાનો છે.

ભૂમિકા: સૂત્ર-૬૧માં પ્રકૃતિથી સૃષ્ટિની ઉત્પત્તિ બતાવી હતી. હવે દૃઢતા માટે મૂળકારણથી કાર્યોત્પત્તિ દ્વારા તથા કાર્યના કારણમાં લય દ્વારા સમગ્ર જગતનું મૂળ ઉપાદાનકારણ પ્રકૃતિ છે તે બતાવ્યું છે.

મહદાખ્યમાધ્ધ કાર્યં તન્મનઃ || ૭૧ ||

સૂત્રાર્થ: (મહદાખ્યામ્) - મહદ્ નામવાળું (આધિ સર્વમ્) - જે પહેલું કાર્ય છે (તન્મનઃ) તે મનનશીલ, નિશ્ચય કરાવનાર (બુદ્ધિ) છે.

ભાવાર્થ: હવે સમસ્ત જગતનું મૂળ ઉત્પાદન પ્રકૃતિ છે તેને વધારે સ્પષ્ટ કરવા માટે આ પ્રકરણ છે. પ્રકૃતિનું પ્રથમ કાર્ય મહત્ છે. જેનું સ્વરૂપ મનશીલતા અર્થાત્ નિશ્ચય કરાવનાર છે.

ભૂમિકા: આ ક્રમ મુજબ મહત્વ કાર્ય બતાવે છે.

ચરમોડહંકાર: || ૭૨ ||

સૂત્રાર્થ: (ચરમ:)- તેના પછીનું કાર્ય (અહંકાર:) - અહંકાર છે.

ભાવાર્થ: મહત્ નું પછીનું કાર્ય અહંકાર છે. આ અભિમાનવાળું અર્થાત્ જીવાત્માને પોતાનો અસ્તિત્ત્વનું બોધ કરાવનાર છે.

ભૂમિકા: હવે સૂત્રકાર અહંકારનું કાર્ય બતાવે છે.

તત્કાર્યત્વમુત્તરેષામ્  || ૭૩ ||

સૂત્રાર્થ: (તત્કાર્યત્વમ્)  - તે (અહંકાર)ના કાર્ય છે. (ઉત્તરેષામ્) - પછીના સોળ તત્ત્વોનું. 

ભાવાર્થ: પાંચ તન્માત્રા અને બાહ્ય તથા આભ્યંતર મળીને કુલ અગિયાર ઇન્દ્રિયો.



Comments

Popular posts from this blog

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર

આરતી પરમાર (રુપ)