લોખંડી મિત્રતા
લોખંડી મિત્રતા
લોખંડી ઈરાદાવાળો લોહાર અને લાકડા જેવો કોમળ સ્વભાવવાળો સુથાર, આ બંને હતાં રામજી અને શામજી. બંનેની મિત્રતા ગામમાં ચર્ચાનો વિષય હતી. રામજી, જેનું કામ લોખંડને હથોડાના ઘા મારીને આકાર આપવાનું હતું, તેનો સ્વભાવ તેના કામ જેવો જ મજબૂત અને સ્પષ્ટ હતો. ક્રોધમાં તે જલદી ગરમ થઈ જતો, પણ તેનો ગુસ્સો લોખંડની જેમ જ થોડી વારમાં ઠંડો પણ પડી જતો. બીજી બાજુ, શામજી સુથાર, જે લાકડાને હૃદયપૂર્વક ઘસીને સુંદર આકૃતિઓ બનાવતો, તે સ્વભાવે શાંત અને વિનમ્ર હતો. તેની વાણીમાં લાકડાની જેમ જ નરમાશ અને મધુરતા હતી. બંનેના સ્વભાવ ભલે અલગ હોય, પણ તેમની દોસ્તી એક મજબૂત અને અટૂટ કડી જેવી હતી, જે ક્યારેય તૂટી ન શકે.
બંને કારીગરો હતા, પણ તેમની કારીગરી માત્ર વસ્તુઓ બનાવવાની નહોતી, તે સમાજનું નિર્માણ અને સામાજિક સેવા ઓ પણ કરતા હતા. તેઓ નાના કારીગરોને મદદ કરતા, તેમને નવા ઓજારો બનાવતાં અને કામ શીખવતાં. ગામમાં કોઈને પણ જરૂર પડે, તો રામજી અને શામજી હંમેશાં આગળ હાજર રહેતા. તેમને માટે તેમનું કામ માત્ર પેટ ભરવા માટે નહોતું, પણ સમાજની સેવા અને વિશ્વકર્મા દાદાની ભક્તિ હતી. બંને વિશ્વકર્મા દાદાના પરમ ભક્ત હતા અને હંમેશાં કહેતા, 'અમારા હાથોમાં જે કળા છે, જે આપણ ને દાદાએ વારસામાં આપેલ અમૂલ ભેટ છે.
એક દિવસ, જ્યારે કામ પૂરું કરીને રામજી અને શામજી વાતો કરતા હતા, ત્યારે અચાનક શામજીને છાતીમાં તીવ્ર દુખાવો થયો અને તે બેભાન થઈ ગયો. રામજી ગભરાઈ ગયો. તેને કઈ સમજાયું નહિ. તેણે તાત્કાલિક શામજીને ઉંચકીને હોસ્પિટલ પહોંચાડ્યો. ડોક્ટરે કહ્યું કે આ હૃદય હુમલો છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ સાંભળીને રામજી ભાંગી પડ્યો. તેના મજબૂત હાથ ધ્રુજી રહ્યા હતા. તેને થયું કે ક્યાં ગયો મારો મિત્ર, જે હંમેશાં લાકડા જેવો શાંત અને નમ્ર હતો?
હોસ્પિટલની બહાર રામજીએ હાથ જોડીને વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરી, 'હે દાદા! તમે તો સર્જનહાર છો. તમે લાકડાને નવજીવન આપો છો. મારા મિત્રને પણ નવજીવન આપો. તેનું હૃદય લાકડાની જેમ કોમળ છે, તેને દુઃખ ન થવા દો. જો તમે તેને સાજો કરી દેશો, તો હું મારા જીવનભર તમારી ભક્તિ કરીશ તમરો આ ઉપકાર હું જિંદગી ભર નઈ ભૂલી શકું .મારા હૃદયને તમે ગમે તેટલા ઘા આપો, પણ મારા મિત્રના હૃદયને ફરીવાર ધબકતું કરી દો.' રામજીની આંખોમાંથી મિત્રોને દૂર જવાની એક અણસાર થી અપાર આંસુ વહી રહ્યા હતા. તેની પ્રાર્થનામાં એ લાગણી હતી, જે લોખંડને પણ પીગળાવી શકે.
થોડા કલાકો પછી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને હવે શામજી ખતરાની બહાર છે. આ સાંભળીને રામજીએ શાંતિનો શ્વાસ લીધો તે ને પણ જીવમાં જીવ આવ્યો.બીજા દિવસે જ્યારે શામજીને ભાન આવ્યું, ત્યારે તેણે જોયું કે રામજી તેની બાજુમાં બેઠો હતો, તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. શામજીએ હસીને પૂછ્યું, 'રામજી, તું અહીં કેમ છે? તારું કામ કોણ સંભાળશે?'
રામજીએ પ્રેમથી જવાબ આપ્યો, 'અરે ભાઈ, મારા કામને તો ઘણા સંભાળી શકે, પણ મારા મિત્રને કોણ સંભાળશે? તું જરાપણ ચિંતા ના કર. હવે તું સંપૂર્ણપણે સાજો થઈ જા, પછી આપણે ફરીથી સાથે મળીને કામ કરીશું.' બંને મિત્રોની આંખોમાં પાણી આવી ગયા. કૃષ્ણ સુદામાં ની જેમ ભેટી પડ્યા .તેમની મિત્રતા માત્ર કામ કે વ્યવસાય પૂરતી નહોતી, તે હૃદયનો સંબંધ હતી. રામજીની લોખંડી મિત્રતા અને શામજીના કોમળ હૃદયે ફરી એકવાર સાબિત કર્યું કે સાચી મિત્રતા ધન, સંપત્તિ કે લોહીના સંબંધોથી મોટી હોય છે.
આજે પણ ગામના લોકો રામજી અને શામજીની લોખંડી મિત્રતાની વાત કરે છે. તેઓ કહે છે કે દોસ્તી ભાઈચારાનું પ્રતિક છે, જ્યાં એકબીજા માટે દુઃખ વેઠી શકાય છે. આ કહાની આપણને એ શીખવાડે છે કે મિત્રતા એ સંબંધ છે જે હૃદયથી બંધાય છે અને એકબીજાની મુશ્કેલીમાં સાથ આપવાથી મજબૂત બને છે.
લેખના અંતિમ માં હું મયુર મિસ્ત્રી મોડાસા એટલું જરૂર લખીશ કે વિશ્વકર્મા સમાજમાં પણ લોખંડ અને લાકડાની મિત્રતા જો રામજી અને શામજી જેવી થાય તો સમાજ ખૂબ ઉપર આવશે ભાવના અને પોતાના પણું આજે સામાજિક વિચારધારા ને બદલી શકે છે તો સમાજ ને પણ આગળ લાવી શકે છે.
*લેખક - મયુરકુમાર મિસ્ત્રી*
*શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ*
Comments
Post a Comment