શહીદ રામદાસ લોહાર
વિશ્વકર્મા નું સાચું સ્વાતંત્ર્ય રત્ન
શહીદ રામદાસ લોહાર
ભારતની આઝાદી માટેના ઇતિહાસમાં 1942નું વર્ષ સોનાના અક્ષરે લખાયેલું છે. મહાત્મા ગાંધીજીના આહ્વાન પર સમગ્ર દેશમાં “ભારત છોડો” આંદોલનની જ્વાળા પ્રગટ થઈ. આ જ આંદોલનમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, જેમાં બિહાર રાજ્યના બક્સર જિલ્લાના ડુમરાંવના એક યુવાન શહીદ રામદાસ લોહારનું નામ ગૌરવથી લેવાય છે.
રામદાસ લોહારનો જન્મ ડુમરાંવના ચૌક રોડ વિસ્તારમાં થયો હતો. તેમના પિતા શ્રી રામનારેણ લોહાર સામાન્ય જીવન જીવતા હતા, પરંતુ રામદાસમાં બાળપણથી જ દેશભક્તિની ભાવના કેળવાઈ હતી. યુવાન વયે જ તેમનું લગ્ન થયું, છતાં દેશસેવાનો જ્યોત તેમના હૃદયમાં પ્રગટ રહી.
16 ઑગસ્ટ 1942ના દિવસે, “ભારત છોડો” આંદોલનની લહેર ડુમરાંવમાં પહોંચેલી. ક્રાંતિકારીઓનો જૂથ અંગ્રેજ સરકારના પ્રતિક તરીકે ઉભેલા જૂના થાણાના મકાન પર તિરંગો ફહેરાવવા નીકળ્યો. આ ક્રાંતિકારી ટોળીમાં રામદાસ લોહાર પણ અગ્રેસર હતા. અંગ્રેજ પોલીસએ દેશભક્તોના હિંમતભર્યા પગલાને અટકાવવા ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં રામદાસ લોહાર સાથે કપિલ મુની, ગોપાલ કહાર અને રામદાસ સોનાર પણ શહીદ થયા.
તેમનું બલિદાન વ્યર્થ ગયું નહીં. આ ઘટનાએ ડુમરાંવ અને આસપાસના વિસ્તારોમાં આઝાદીની ચિંગારીને જ્વાળામુખી બનાવી. આજ સુધી 16 ઑગસ્ટના દિવસે ડુમરાંવમાં શહીદ રામદાસ લોહાર તથા તેમના સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. ઘટનાસ્થળે સ્મારક ઊભું કરવામાં આવ્યું છે, જે આજે પણ દેશપ્રેમ અને બલિદાનની યાદ અપાવે છે.
શહીદ રામદાસ લોહારનું જીવન આપણને શીખવે છે કે દેશપ્રેમ માટે વય, ઘર-પરિવાર કે ભૌતિક સુખ-સગવડ કરતાં પણ મોટું કશું નથી. તેઓએ દર્શાવેલું અડગ સાહસ અને ત્યાગ આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.
લેખ - આરતી પરમાર
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ
Comments
Post a Comment