સતી લોયણ ( ગુરુ શેલણષિૅ )


સતી લોયણ ( ગુરુ શેલણષિૅ ) 
          સતી લોયણ તથા લાખા નો જન્મ સમય સવંત પંદરમી સદીમાં થયાનું જણાય છે. સતી લોયણ નો જન્મ ધનાભાઈ લુહારને ત્યાં આટકોટમાં થયેલ અને લાખા નો જન્મ જામખંભાળિયામાં આહીર કુળમાં થયો હતો. ત્યારબાદ લાખો આટકોટમાં રહેવા આવે છે. લાખો ક્રોધી પુરુષ હતો. તેમના લગ્ન સુરજા દેવી સાથે થયા હતા. સતી લોયણ ખૂબ જ સુંદર હતા. જેથી લાખો તેમના ઉપર મોહિત થયો હતો. સતી લોયણ ની રોઝકા ગામે હીરજીભાઈ લુહાર ના પુત્ર સાથે સગાઇ થઇ હતી. તેની જાન આટકોટ આવતી હતી ત્યારે વરરાજાની લાખા એ હત્યા કરી જાન લૂંટી લીધી. 

          લાખાને સાધુઓ પ્રત્યે અણગમો હોવાથી આટકોટમાં કોઈ સાધુને તે આવવા દેતા નહી. જે સમયમાં શેલણષિૅ નામે એક સંત આટકોટ આવે છે. સતી લોયણ તેમના દર્શન કરે છે. જેથી ભક્તિનો રંગ લાગી જતા સફેદ વસ્ત્રો અને તુલસીની માળા ગુરુ પાસેથી દીક્ષા ના રૂપમાં ગ્રહણ કરે છે. ત્યાંથી સતી લોયણ નો બીજો જન્મ થયો.
          લાખો એક દિવસ અહમ કરી વાસના ગ્રસ્ત બની સતી લોયણ ને બાથ ભરે છે. ત્યાં કુદરતી રીતે લાખાને આખા શરીરમાં બળતરા થવા લાગે છે. અને પછી કોઢ નીકળે છે. જે કર્મોની સજા બાર વર્ષ સુધી લાખો ભોગવે છે. દરમિયાન ગુરુ શેલણષિૅ નું આટકોટમાં સતી લોયણ ને ત્યાં આગમન થાય છે. પછી લાખા નો કોઢ મટાડે છે. પછી સતી લોયણ પાસેથી ગુરુ દિક્ષા આપવામાં આવે છે. લાખો જેને ખોટી દ્રષ્ટિથી માનતો હતો તે ગુરુ બની જાય છે. સતી લોયણે યોગના રહસ્ય સમજાવી ધ્યાનનો યોગ કરાવી લાખાને ભવસાગર પાર ઉતારે છે. લાખો સતીના સંગથી ક્રોધમાંથી મુક્ત થઈ પરમાત્માના ઘરનો દાસ બની જાય છે. બાદમાં લાખાએ કરેલ સવાલો શેલણષિૅ એ આપેલ છે.
👉 લાખો કહે છે મારે સાધુ થવું છે પ્રભુ મને રસ્તો બતાવો.
ગુરુ શેલણષિૅ જવાબ આપતા કહે છે જો સાધુતા પ્રાપ્તિ ની પછવાડે પુજાવાની કીર્તિ માન મેળવવાની ,  વખાણની , ધન ભેગું કરવાની , મોટપ ની ભાવના હશે તો સાચા સાધુ નહીં થવાય. અભિમાન અને સાધુતાને મેળ પડશે નહીં. “ છ " વિકારનો નાશ થયા પછી સેવક જેવી વૃતિ થી સાધુ થવાય છે.
👉 લાખો પૂછે છે પ્રભુ કેવુ અન્ન લેવું ? અન્ન સાધુતા ના ઘડતર માં કાંઈ ભાગ ભજવે છે ?
ગુરુ શેલણષિૅ કહે છે કેવું અન્ન ખાવું અને કેવું અન્ન ન ખાવું તે સાધુ એ જોઈ લેવું જોઈએ અન્ન ને મન સાથે સીધો સંબંધ છે. ભગવાન કૃષ્ણ એ સાધુતાને વાટ પકડનારને સાત્વિક આહાર લેવા કહ્યું છે. તેમજ રાજસ અને તમસ પ્રકારના અન્નથી દૂર રહેવા ભલામણ કરી છે.
👉 લાખો સતી લોયણ ને પ્રશ્ન પૂછે છે સાધુને સહવાસ અને વેશ વગર ન ચાલે ?
સતીમાતા લોયણ જવાબ આપતા કહે છે સાધુ સંગત વગર પ્રભુ મિલન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને સફેદ કે ભગવા વસ્ત્રો તુલસીની માળા એ પ્રભુ પ્રેમ ની નિશાની છે. સાધુ થનારે ભગવા ભેખ નો આદર કરવો જોઈએ એનો મોહકે આગ્રહ ન કરવો એની નિંદા માં પડવું જોઈએ નહીં.
          સતી લોયણે લાખા ને કેવી રીતે ધ્યાન યોગ કરાવ્યો તે બાબત મહત્વની છે. કુલ “ બાર " યોગની ક્રિયાઓ નું પાલન કરવા અંગેનું ભજન અદભુત છે. જેની બે કડી ટૂંકમાં છે.
“ જીરે લાખા તન મન શુદ્ધ કરી તમે વચને ચાલો જી.
તમે પાળોને સાચી રેણી હા.
અરે લાખા વાદ વિવાદ નહીં એ ઘરમાં જી. તમે એ વાત જાણીને કરો રેણીહા.
જીરે લાખા એક યોગ જેની બાર છે ક્રિયાજી તમે એક ચિત્તે સાંભળો હા.
જીરે લાખા શેલણષિૅ ની ચેલી લોયણ બોલ્યાં 
ત્યારે ભવનો ફેરો ફાવે હા.
બાદમાં ધ્યાનમાં બેસવાની ભલામણ કરતાં સતી લોયણ જણાવે છે :
“ જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણી ને આરાધોજી,
તમે મન પવન ને બાંધો હા, જી રે લાખા નુરતે નિરખો ને સુરતે પરખો જી.
તમે સુરતા શુન માં સાધો હા.
 ત્રિવેણીમાં જ્યોત સાથે જ્યોત મિલાવવાની વાત કરી એક ડગલું આગળ જઈ જ્યોત ઓળંગી આગળ અકર્તા ના ઘર માં આવવા લાખાને જણાવે છે.જ્ઞાન ની ખાલી વાતો અને યોગના અભ્યાસ નો આ ફરક રવિ સાહેબ ની વાણી મુજબ કહયા સુણ્યા કશું કામ ન આવે ગ્રહેસો ઉતરે પારા‌‌.
          ભજનમાં સમજાવતા સતી લોયણ કહે છે. ધ્યાન ધરવામા આળસ ન કરશો જી. તમે સદગુરુ વચનને ચાલો હા. અહીં સાધક સામે લાલ બત્તી લોયણે ધરી છે. ઘણા કહેવાતા જ્ઞાનીઓ સંતોની આવી ખૂબ જ જરૂરી વાણી તરફ લક્ષ આપવાને બદલે તેની અવગણના કરે છે. અને , “ જાપ અજંપા કલ હું જપુ નહીં, કલ હું ધરું નહીં અવતારા જેવી."સિદ્ધ  થયા બાદ રવિ સાહેબ જેવા સંતોની વાણી ગોખી લે જેથી ધ્યાન સાધના ના પરિશ્રમથી મુક્તિ મળી જાય. અને જ્ઞાની હોવાના ભ્રમમાં રાચ્યા કરે. એમાં લોયણ , તોરલ , ગંગા સતી, રૂપાદે , લીલમ કે મીરા જેવી સતીઓ મળવી મુશ્કેલ છે.
          હવે સતી લોયણ લાખાને બોધ આપતા વાણી રજૂ કરે છે અને કહે છે. હવે ભજન સત્સંગ કેટલો વખત સાંભળશો ? હવે સાંભળવાનું બંધ કરી એકાંતે આસન લગાવી મૌન ભજન ( ધ્યાન ) માટેની કામગીરી શરૂ કરો નહીંતર સમય રહેશે નહીં. અને અખંડ ઘરની ઓળખ એ માત્ર બૌધિક કલ્પના રહેશે.
માયા ના ચક્કરમાં આવી કાળનો કોળિયો થઇ જશો. અમરતાનો સિદ્ધાંત કામ નહિ આવે.
“ જીરે લાખા સાંભળવું ત્યાગી તમે ભજન કરશોજી,
એકાંત બેસી આસન સાધો હા,
જીરે લાખા ત્રાટક મુદ્રામાં તમે ચિત્ત લગાવો જી,
તમે સંકલ્પ-વિકલ્પ ને બાંધો હા."
          સતી લોયણ ની એક એક વાણીમાં યોગ દર્શન , સતગુરુ નો મહિમા અને સમાધિ લક્ષ્યથી ભરપૂર છે. સૌરાષ્ટ્રમાં સતી લોયણ અને ગંગાસતી એ બંને મહાયોગીની ઓ છે. લાખા જેવા લોખંડ ને ઓગાળી નાખ્યો એ લોયણ સાચા અર્થમાં લુહાર છે. કાદવ માંથી કમળ પેદા થાય એમાં નવાઈ નથી આ લોયણે તો લોખંડમાંથી ફૂલ બનાવી આપે તેવી ધ્યાનની ધમણ ધમાવી ધન્ય છે. સતી માતા લોયણ ને સંત મુળદાસ બાપા , સંત દેવતણખી બાપા , અને મહાસતી લોયણ આ સૌરાષ્ટ્રની લુહાર ત્રિપુટીને ક્યારેય ભુલી શકાય તેમ નથી. સતી લોયણ ના ભજનો માં યોગની વાત પૂરી છે.
સતી માતા લોયણ ને મારા કોટી કોટી વંદન.

Comments

Popular posts from this blog

महात्मा "अलख" भूरी बाई सुथार

રામસેતુ - એક જીવંત ધરોહર

વિજાજી સુથારની વાત