લુહાર ચીમનલાલ મૂળજીભાઈ
લુહાર ચીમનલાલ મૂળજીભાઈ
(જ. 1901; અ. 1948)
છબિકાર અને દિગ્દર્શક. મૂક અને સવાક્ ચલચિત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ચીમનલાલ લુહાર રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થઈને ચલચિત્રક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ પહેલાં તેઓ ચિત્રકલા, તસવીરકલા, લિથોગ્રાફી, ચલચિત્રો વગેરે વિષયો પર ગુજરાતી સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખી ચૂક્યા હતા. મોટાભાગના તેમના લેખો 1923થી 1929 દરમિયાન મુંબઈથી પ્રગટ થતા ‘વીસમી સદી’ અને કોલકાતાથી પ્રગટ થતા સામયિક ‘નવચેતન’માં છપાયા હતા. એ સમયના બીજા એક પ્રતિભાશાળી યુવાન હર્ષદરાય મહેતા સાથે મળીને તેમણે ‘મહેતા-લુહાર પ્રોડક્શન્સ’ નામની ચિત્રનિર્માણ-કંપનીની સ્થાપના 1930માં કરી હતી. તેમની આ ભાગીદારી ઘણો લાંબો સમય સફળતાપૂર્વક ટકી હતી અને બંનેએ સાથે મળીને કેટલાંક ચિત્રોનું સર્જન કર્યું હતું. આ કંપનીના નેજા હેઠળનું તેમનું પહેલું ચિત્ર ‘તલવાર કા પાની’ હતું. જોકે આ પહેલાં તેઓ ‘કોહિનૂર’, ‘કૃષ્ણ’ અને ‘શારદા’ જેવી એ સમયની જાણીતી કંપનીઓમાં કામ કરીને ચલચિત્રનિર્માણની વિવિધ કામગીરીઓનો અનુભવ લઈ ચૂક્યા હતા. ‘કે. ડી. બ્રધર્સ કંપની’ સાથે રહીને તેઓ કેટલાંક દસ્તાવેજી ચિત્રો સાથે છબિકાર તરીકે સંકળાયા હતા. ઈ. સ. 1925ના અરસામાં થોડો સમય તેમણે રાજકોટમાં ‘સૌરાષ્ટ્ર સિનેમૅટોગ્રાફ કંપની’માં છબિકાર તરીકે કામ કર્યું હતું અને એ દરમિયાન ‘ચરખો’ તથા ‘અનાથ અબળા’ ચિત્રોની સિનેમેટૉગ્રાફી કરી હતી. તેમની મહેતા-લુહાર કંપનીએ મોટાભાગે સ્ટંટ ફિલ્મો બનાવી હતી. 1930થી 1933 દરમિયાન તેમણે 14 મૂક ફિલ્મો બનાવી હતી અને 3 મૂક ફિલ્મો સુરેશ ફિલ્મ કંપની માટે બનાવી હતી.
નોંધપાત્ર ચિત્રો :
મૂક ચિત્રો : ‘તલવાર કા પાની’, ‘સોનેરી ખંજર’, ‘લાફિંગ શેવેલિયર’, ‘વેજિઝ ઑવ્ વર્ચ્યૂ’ (1930), ‘બ્લૅક ટાઇગર’, ‘રાજભક્ત’, ‘પ્રિયતમા’, ‘રોનકમહલ’, ‘તીરંદાઝ’, ‘સોલંકી શમશેર’, ‘ધરતીકંપ’ (1931), ‘બ્લૅક રાઇડર’, ‘હૂરે હિંદ’, ‘નાઇટ એરંટ’, ‘વનરાજ કેસરી’ (1932), ‘ભારતવીર’, ‘જલ્લાદ’ (1933).
સવાક્ ચિત્રો :
‘સસ્સી પુન્નુ’ (1932) ‘સિલ્વર કિંગ’, ‘તલાશે હક’ (1935), ‘દો દીવાને’ (1936), ‘કૅપ્ટન કીર્તિકુમાર’ (1937), ‘ડાયનેમાઇટ’ (1938), ‘કૌન કિસી કા’, ‘સેવાસમાજ’ (1939), ‘સૌભાગ્ય’ (1940), ‘દર્શન’ (1941), ‘સ્ટેશન-માસ્ટર’ (1942), ‘સ્કૂલ-માસ્ટર’ (1943), ‘ઉસ પાર’ (1944), ‘બિંદિયા’ (1946).
Comments
Post a Comment