ભગવતી રાંદલ સાહિત્ય


રાંદલ માતાજીનું પ્રાગટ્ય
રાંદલમાતા (અર્થાત્ સંજ્ઞા કે રન્ના દેવી) સૂર્યની પત્ની મનાય છે. રાંદલમાતા એટલે છાયા જે વિશ્વકર્માની પુત્રી પણ મનાય છે. સૂર્યના આવાહન સાથે જ દેવીનું આવાહન કરવામાં આવે છે. રાંદલમાતાનું વાહન ઘોડો છે.
રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્મા ના પુત્રી રૂપે અવતર્યા હતા. રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણ ને તેમના પ્રતિ લાગણી થઇ અને તેમની સાથે વિવાહ ની ઈચ્છા થઇ. તેઓએ સીધાજ ભગવાન વિશ્વકર્મા પાસે જઈ ને લગ્ન નો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ભગવાન વિશ્વકર્મા એ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહિ, છતાં પણ ભગવાન સૂર્યનારાયણ એ હાર માની નહિ.

વિવાહ

એક વખત રાંદલ માતાજી ના માતાજી ભગવાન સૂર્યનારાયણ ના ઘરે માટી નું બનેલું પાત્ર માંગવા ગયા, ભગવાન સૂર્યનારાયણ ના માતાજી એ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રી ના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે.

ભગવાન સૂર્યનારાયણ એ આ શરત નો લાભ લીધો, જયારે રાંદલ માતાજી ના માતાજી પાત્ર લઇ ને ઘોડા પર પોતાના ઘેર જઈ રહ્યા હતા ત્યારે, ભગવાન સૂર્યનારાયણ તેમના રસ્તા માં બે આખલા ને લડતા મૂકી દીધા, જેના લીધે પાત્ર તેમના હાથ માંથી પડી ગયું અને તૂટી ગયું, શરત મુજબ રાંદલ માતાજી ના માતાજી એ તેઓના વિવાહ ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડ્યા.

વિવાહ પછી

ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજી ને એક પુત્ર (યમરાજ) અને એક પુત્રી (યમુનાજી) થયા. ભગવાન સૂર્યનારાયણ ના અતિશય તેજ ના લીધે માતાજી તેમની સામે જોવા સક્ષમ ન હતા, પરંતુ ભગવાન સૂર્યનારાયણ ને થયું કે માતાજી તેઓના સૌંદર્યના અભિમાન ના લીધે તેઓની સામે નથી જોતા, જેથી કરી ને ભગવાન સૂર્યનારાયણે તેમને શ્રાપ આપ્યો કે તેઓ જંગલ માં પોતાના સંતાનો સાથે ભટકશે.
ભગવાન સૂર્યનારાયણ ના શ્રાપ ના લીધે, રાંદલ માતાજી એ પોતાનું છાયા સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાન ની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતા ના ઘરે ચાલ્યા ગયા.જયારે ભગવાન વિશ્વકર્મા એ રાંદલ માતાજી ને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફર્યા છે, ત્યારે માતાજી એ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિ ને છોડી ને અહી આવ્યા છે, ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે વિવાહ પછી દીકરી નું સાચું ઘર તેનું સાસરું જ કહેવાય. જેથી કરી ને માતાજી પોતાના પિતાનું ઘર છોડી ને જંગલ માં તપ (તપ એટલે ભૂખ્યા અને તરસ્યા રહીને ભગવાન ની પ્રાર્થના કરવી) કરવા ચાલ્યા ગયા. રાંદલ માતાજી એ જંગલ માં ૧૪,૦૦૦ વર્ષ સુધી તપ કર્યું. (આપણુ એક વર્ષ એટલે તેઓ નો એક દિવસ)

જંગલ મા તપ

રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો, ન તો તેઓ પોતાના પતિ ના ઘરે જઈ શકે તેમ હતા ન તો પોતાના પિતા ના ઘરે, તેથી તેઓએ જંગલે માં તપ શરુ કર્યું. તે દરમિયાન માતાજી ના છાયા સ્વરૂપે (જે સૂર્યનારાયણ દેવ પાસે હતા) બે બાળકો ને જનમ આપ્યો (શનિદેવ અને તાપીદેવી). એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો, ત્યારે શનિદેવ ના માતાજી એ યમરાજ ને શ્રાપ આપ્યો કે જયારે તેઓ પોતાના પગ જમીન પર મુકશે ત્યારે તેમાં થી લોહી નીકળશે. સાંજે જયારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજ એ તેમને કહ્યું કે માતાજી ના શ્રાપ ના લીધે જયારે તેઓ જમીન પર પગ મુકે છે ત્યારે તેઓને લોહી નીકળે છે.

ત્યાર બાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજ ને ઠીક કર્યાં ને મન માં વિચાર કર્યો કે કઈક ખોટું થઇ રહ્યું છે, નહીતર કોઈ માં પોતાના બાળકો ને શ્રાપ ના આપે, અને આપે તો પણ પોતાના બાળકો તે શ્રાપ થી ના પીડાય. તેથી તેમણે રાંદલ માતાજી ના છાયા સ્વરૂપ ને બોલાવ્યા ને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. છાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલ માતાજી જ છે, પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહિ ને કહ્યું કે જો તમે સત્ય નહિ કહો તો હું તમને બાળીને ભસ્મ કરી નાખીશ, જેથી તેણી એ સત્ય કહેવું પડ્યું. સત્ય જાણ્યા પછી સુર્યનારાયણ દેવે ભગવાન વિશ્વકર્મા ના ઘરે તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે, ત્યારે વિશ્વકર્માજી એ કહ્યું કે તેઓ ને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા.
ઘણી તપાસ કર્યા પછી પણ માતાજી વિષે કોઈ જવાબ ના મળ્યો. પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કર્યું ને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે, પછી તેઓએ ઘોડા નું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજી નું તપ ભંગ કર્યું અને તપ કરવા પાછળ નું કારણ પૂછ્યું, ત્યારે માતાજી એ કહ્યું કે તેઓ ભગવાન ના તેજ ના લીધે તેઓ ની સામે જોવા ને સક્ષમ ન હતા, આ સાંભળી ને સૂર્યનારાયણ ભગવાને પોતાનું તેજ ઘટાડ્યું અને પોતાનું તેજ ચાર અલગ વસ્તુઓ માં સરખા ભાગે વહેચી દીધું.

આ ચાર વસ્તુઓ નીચે પ્રમાણે હતી –

  • ભગવાન શિવ નું ત્રીસુળ
  • ભગવાન વિષ્ણુ નું સુદર્શન ચક્ર
  • ગાય
  • પૃથ્વી

માતાજી જંગલ માંથી પરત ફર્યા

એ સમયે માતાજી એ વધુ બે પુત્રો ને જન્મ આપ્યો જેઓ અશ્વિનીકુમારો કહેવાયા, અશ્વિનીકુમારો ભગવાન ના વૈદ્ય હતા, ભગવાન સુર્યનારણ રાંદલ માતાજી ને પોતાના ઘરે પરત લાવ્યા, ત્યારે માતાજી ના છાયા સ્વરૂપે રાંદલ માતાજી ને તેઓને પોતે કરેલી સેવા ના બદલે આશીર્વાદ આપવા કહ્યું. ત્યારે રાંદલ માતાજી એ તેમને વચન આપ્યું કે જયારે કોઈ લોટા(હિંદુઓ દ્વારા પોતાની ઈચ્છાપુરતી માટે થતું સત્કાર્ય) તેડાવશે તત્યારે તેઓ બંને સાથે જોડ માં જ હશે જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના છાયા સ્વરૂપ માટે, ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જયારે કોઈ લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ‘ઘોડો ખુંદવાનો’ પ્રસંગ પૂરો નહિ થાય ત્યાં સુધી લોટા તેડવાનું કાર્ય પૂર્ણ નહિ મનાય.
ત્યાર બાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજી ને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક(પૃથ્વી) પર જઈને લોકો ના દુ:ખ દુર કરે અને તેમને સત્ય અને ધર્મ નો માર્ગ બતાવે.


શ્રી ભગવતી રાંદલ ચાલીસા 

“બોલો રાંદલ માત કી જય”

વંદુ ગજાનન વિઘ્ન હર, સરસ્વતી લાગુ પાય,

વાણી આપો માં શારદા “માં રાંદલ ગુણ ગવાય”

ગોરવર્ણ નીલાંબર ધારી, જગ જનની દર્શન સુખ કરી

નમું નારાયણી રાંદલ માતા, કમલાસની કર કમળ સુહાની.

પ્રથમ નામ સૌરચના માતા, રાંદલ છાયા સંગના ખ્યાતા.

નારાયણી રતના જગ જાતા, કઠીન તપસ્વી અશ્વિન માતા

સપ્ત નામ રાંદલ નીત ગાયે, વહેમ મૂળ અને કુસંપ જાયે.

પિતા વિશ્વકર્મા વિખ્યતા, મેના માતા શુભ સફલ દાતા.

તીવ્ર તેજ પતિ સુરજ દેવા, પતિ મુખ દર્શન મળે ના સેવા.

દર્શન કરતા નેત્ર બિડાયે, પતિ મુખ દર્શન કદી ના થયે.

રનાએ ચિત વાત વિચારી, કહી પિતા બ્રહ્મા ને સારી.

કારણ પૌત્ર નું મન વિચારી, વિચારી વાણી વદે સુખ કરી.

તપો પંચ વ્રત કઠીન કુમારી, પતિ મુખ દર્શન થશે સુખ કરી.

રાંદલ ચિતમાં વાત વિચારી, પોતાની છાયા રચી સારી.

આદિત્ય સેવા છાયા થકી થાયે, માં રાંદલ તપ તપવા વન જાયે.

ધરમાણ્ય ગયા જગદંબા અહિત, અશ્વિની રૂપે તપ આરંભ્યા.

માનુ સવારની શાની તાપી નામે, રાંદલ પુત્ર ગુણી યમરાજા.

રાંદલ પુત્ર ગુણી યમરાજા, કહે પિતાને મૂકી માજા.

ભેદ ભાવ મમ માતા રાખે, ને મુજ પર કંટાળો દાખે.

ધરે ધ્યાન વિસ્મય જગમાતા, તાપે તપ અશ્વિની રૂપે જગમાતા,

અશ્વ રૂપે આદિત્ય ત્યાં જાય, અતિ સુખ પતિ મુખ દર્શન થાયે.

રવિ રાંદલ ઉર આનંદ માયે, પુષ્પ વર્ષા કરી દેવી જય ગાયે.

તપ આચરે પરાગ સુખ થાયે, મટે કોઢ અંધાપો જાયે.

યમ યમુના અશ્વિની કુમારી, મનુ વૈશ્વતા રૈવત નીધ્રારા.

રાંદલ પ્રજા પરમ સુખ દાયી, નાસે રોગ યમ બહીતી જાયે.

સોરઠ દેસ શુભ દળવા ગામે, ગોપ ગણાતા નેહ તે નમે.

માનવ લીલા માત વિચારે, સુંદર બાળા નું રૂપ ધરીને.

ત્રણ વર્ષ અતિ રૂપવતી બાળા, મળી ગોપણ તને વિશાલા.

વાચા નહીં સંજ્ઞા થી સમજાવે, સંજ્ઞા નામે સહુ બોલાવે.

સાત દુકાળ પડ્યા અતિ ભારી, નેહે ઘણું ઘાંસ વર્ષા બહુ સારી.

આતી ઉત્તમ ગૌસેવા જાણી, દેનું ચરાવે રાંદલ રાણી.

સોળ વર્ષ વાય સંજ્ઞા થઈ, રૂપ ગુણ માંના બહુ વખાણી.

દુષ્ટો હરવા આવ્યા માતા, સિહ બની ધેનું રક્ષતા.

સિંહ આરૂઢ નારાયણી થાયે, ચક્ર ત્રીસુળ થી સૈન્ય હણાયે.

જય જય જય સંજ્ઞા જય ગાયે, આતમ ના ષડ શત્રુ હણાયે.

અતિ શુભાશિષ રાંદલ આપે, સ્થાન જીન દળવામાં સ્થાપે.

ત્રિપદા તપ થી રાંદલ રાખે, કર્મ બંધન સહુના કાપે.

કન્યા સાધવા મનવાંછિત પામે, વિધવા સત્ય વ્રત દુખ વામે.

સુદ બીજ સપ્તર્ષિ ભાનુપ અલુણ, તપ થી મન માન્યું.

સીમંત ઉપવીત લગ્ન શુભ કામ, પૂજે રાંદલ સુખ સંતતિ પામે.

ઔરંગાબાદ શુભ શીતળ ધામે, સવંત વીસ ચુમ્માલીસ નામે.

માં રાંદલ ચાલીસા જે કોઈ ગાયે, ઉપનામે રાંદલ આનંદ કહેવાયે.

દોહા

રાંદલ ચાલીસા ભણે, પદાર્થ પામે ચાર

વેદો – વિદ્યા ધન – સંપતી, ને સદગુણ ગુણી પરિવાર

અત્ર નિદ્રા આસન અને ગૃહ જીવન કુટીર ત્યાગ

પાંચ ત્યાગ થી તાપ તપે, પાંચ વ્રતી મહાભાગ

દિલ ના સત્ય રણકારથી, નારાયણી રાજી થાય

એરણકાર પ્રણવથી, સઘળી ઝાંખી થાય.

“બોલો રાંદલ માતાકી જય”


રાંદલ માતાજી નો પ્રસંગ – “માતાજી ના લોટા”

આ પ્રસંગ લોકો દ્વારા ઘણા કારણોસર કરવામાં આવે છે, જેમના થોડા નીચે મુજબ છે :-

રાંદલમાતા માનતા પૂરી કરનારી દેવી મનાય છે. એ માટે લગ્ન અને બીજા મંગલ પ્રસંગોમાં હોંશપૂર્વક રાંદલ તેડવામાં આવે છે. રાંદલમાતાની પૂજા કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. રાંદલમાતા તેડવી એ વિધિ કેટલાય કુટુંબોમાં કુળધર્મ સમજીને કરવામાં આવે છે.  કેટલાક ઠેકાણે માતાજીની કૃપા થાય એ હેતુથી અથવા માનતા ફળવાના રૂપથી આ વિધિ કરવામાં આવે છે. જેના ઘરે રાંદલમાતા તેડ્યા હોય, તે ઘરની સ્ત્રીઓ રાંદલમાતાનો ઘોડો ખૂંદવા આવજો એવાં નોતરાં આપવા ગામમાં નીકળે છે.

સૌરાષ્ટ્ર માં વસતા અનેક સમાજ અને પરિવાર ની પરંપરા મુજબ આ પ્રસંગ જયારે નવી વહુ ઘરે આવે છે ત્યારે કરવામાં આવે છે, આ પ્રસંગ થી નવ-દંપતી ને તેમના જીવન માં માતાજી ના ખુબજ આશીર્વાદ અને સુખ પ્રાપ્ત થાય છે.

બીજા ઘણા પરિવારો ની પરંપરા મુજબ, તેઓ ગર્ભ માં ઉછરી રહેલ બાળક ને માતાજી ના આશીર્વાદ મેળવવાઆ આ પ્રસંગ ગર્ભ રહ્યા ના સાતમાં મહીને કરે છે. અમુક લોકો આ પ્રસંગ પોતાના બાળક ના પ્રથમ વખત વાળ ઉતરાવે(બાલમુવારા) ત્યારે કરે છે. તેઓ માતાજી ને પોતાના બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરે છે, આ પ્રસંગ જયારે કોઈ બાળક ને જનોઈ અપાય ત્યારે પણ કરવામાં આવે છે જેથી માતાજી એ બાળક ની રક્ષા કરે તેમજ અભ્યાસ માં ખુબજ સફળતા પ્રાપ્ત કરાવે.
ઘણા લોકો આ પ્રસંગ પોતાના માતાજી પ્રત્યેના પ્રેમ-ભાવ થી કરે છે.

આ પ્રસંગ મોટા ભાગે પોતાના ઘરે જ કરવામાં આવે છે, જેથી ઘર ને પણ માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ પ્રસંગ મોટા ભાગે મંગળવારે તેમજ રવિવારે કરવામાં આવે છે. આ દિવસો આ પ્રસંગ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ પ્રસંગ નું આયોજન અગાઉ થી જ કરવું જોઈએ જેથી તણાવ મુક્ત પ્રસંગ થઇ શકે, પ્રસંગની વિધિ કરાવનાર બ્રાહ્મણે જરૂરી વસ્તુઓ ની યાદી બનાવી લેવી જોઈએ જેમ કે, ખાવા પીવાની વસ્તુઓ અને માતાજી ને ધરવાની વસ્તુઓ. આ પ્રસંગ નો વધુ લાભ મેળવવા નો આધાર કેટલી ગોયણી છે તેના પર રહેલો છે, કોઈ પણ સ્ત્રી કે જેને માતાજી પર શ્રદ્ધા હોય તે ગોયણી બની શકે છે, ગોયણી પ્રસાદ લઇ શકે તેવી હોવી જોઈએ અને ગર્ભસ્થ ન હોવી જોઈએ. આ દિવસે ગોયણી ને માતાજી ના સ્વરૂપે પૂજવામાં આવે છે.

ગોયણી ની ગણતરી તેડાયેલા લોટા ની સંખ્યા મુજબ કરવામાં આવે છે, લોટા હમેશા જોડ માં ગણવામાં આવે છે. જેમ કે દરેક જોડ માટે ૧૪ ગોયણી.

શનિવારની સાંજ 

પ્રસંગ ની વિધિ કરાવનાર બ્રાહ્મણ આવે છે અને માતાજી નો મઢ તૈયાર કરે છે, જે ખંડ માં માતાજી નો મઢ બનવા માં આવે છે ત્યાં નું વાતાવરણ સ્વચ્છ અને શાંત રાખવામાં આવે છે જેથી ત્યાં માતાજી નું ધ્યાન કરી શકાય અને ગરબા ગાય શકાય. દંપતી દ્વારા માતાજી ના પ્રસાદ માટે ખીર નો પ્રસાદ પણ આ દિવસે તૈયાર કરવામાં આવે છે.

રવિવારની સવાર 

પ્રસંગ ની વિધિ કરાવનાર બ્રાહ્મણ વહેલી સવારે પૂજા શરુ કરે છે, સૌ પ્રથમ પ્રાર્થના ભગવાન શ્રી ગણેશ ની કરવામાં આવે છે અને કાર્ય માં કોઈ વિઘ્ન ના આવે એવી પ્રાર્થના સાથે ભગવાન ગણેશજી ને સ્નાન કરાવાય છે અને ફૂલ અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ બ્રાહ્મણ બધા દેવી દેવતાઓ ને ગ્રહોને તેમજ રાંદલ માતાજી ને પ્રસંગ માં પધારાવનું આમંત્રણ આપે છે. પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. એક વાર દીવો પ્રગટાવ્યા પછી એ સોમવાર સવાર સુધી ચાલુ રાખવામાં આવે છે. દીવા ને પ્રસંગ ના સાક્ષી તરીકે જોવામાં આવે છે.

માતાજી ને દૂધ નો પ્રસાદ અર્પણ કરી ને બ્રાહ્મણ પોતાના ઘરે જાય છે, પછી ખીર પળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પૂજા પુર્ણ થયા બાદ, દંપતી અથવા વડીલ રાંદલ માતાજી ના મઢ જઈ ને ભુઈ માં અથવા ભુવા ને આમંત્રણ આપે છે.તેઓ ને માતાજી ના રૂપે જોવા માં આવે છે. માતાજી સચરાચર વ્યાપેલા છે મુખ્યત્વે આપણા હ્રદય માં, આ આમંત્રણ પ્રંસંગ ના એક ભાગ રૂપે છે.

પ્રસંગ કરનારે ચાંદલા, ભાત, ફળો, નાળીયેર વગેરે ધરાવવું જોઈએ. ભુઈમાં કે ભુવા તેમને આશીર્વાદ આપે છે, દંપતી પ્રાર્થના કરે છે કે માતાજી તેમના ઘરે ફરી પધારે અને તેમને આશીર્વાદ આપે.

આ દિવસે વહેલી સવારે વિશિષ્ટ પ્રકાર નો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. ખીર પળ નો તૈયાર કરેલો પ્રસાદ ઘર માં જ રાખવામાં આવે છે. ખીર પળ મુકેલો થાળ તેયાર કરવામાં આવે છે. જેનો પ્રથમ ભાગ માતાજી ને ધરવામાં આવે છે. માતાજી ને પ્રસાદ અર્પણ કરીએ ત્યારે વિશેષ પ્રકાર ના ગરબા ગાવામાં આવે છે. આમંત્રિત કરાયેલી ગોયણીઓ તેમના પરિવાર સાથે પધારે ત્યારે તેમનો પોતાની જ પુત્રી ની જેમ ખુબજ સત્કાર કરવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેમાં થી કોઈ એક ગોયણી રૂપે માતાજી સાક્ષાત પધારે છે.

સત્કાર માં સૌ પ્રથમ ગોયણી ના જમણા પગ ના અંગુઠા ને ધોઈ ને પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પર કંકુ નો ચાંદલો કરી ને ચોખા છાંટવામાં આવે છે. દરેક ગોયણી નો અંગુઠો આ રીતે હુંફાળા પાણી થી પછી દૂધ અને પછી ફરી પાણી થી ધોવામાં આવે છે. અંગુઠો ધોવાઇ ગયા બાદ, ફરી તેના પર કંકુ નો ચાંદલો કરીને ચોખા છાંટવામાં આવે છે. અંગુઠો ધોવાના આ કાર્ય ને માતાજી તરફ ના પ્રેમ અને ભક્તિ તરીકે જોવામાં આવે છે. અંગુઠો ધોવાનું કાર્ય સ્ત્રી દ્વારા જ કરવામાં આવે છે. મોટા ભાગે ઘરની મુખ્ય સ્ત્રી જ આ કાર્ય કરે છે. જો સંભવ હોય તો આ કાર્ય જ્યાં માતાજી નું સ્થાપન હોય એ જ ખંડ માં કરવામાં આવે છે. ત્યાર બાદ બધી ગોયણી ને ભેટ સ્વરૂપે ચાંદલો અને સોપારી આપવાના આવે છે, અથવા કોઈ બીજી યથાશક્તિ ભેટ પણ આપવામાં આવે છે.

પ્રસંગ દરમિયાન અંગુઠો ધોયેલી ગોયણી ની સંખ્યા નું ધ્યાન રાખવું આવશ્યક છે, કેમ કે પ્રસંગ તો જ સફળ થયો ગણાય કે જો મઢમાં મુકાયેલા લોટા ની સરખામણી માં ગોયણી થઇ હોય, એથી વધુ થાય તો પણ ચાલે પરંતુ ઓછી તો ના જ થવી જોઈએ.

હવે ગોયણી ને જમાડવામાં આવે છે. જેમાં ખીર પળ સૌથી પહેલા પીરસવા માં આવે છે જે ગોયણી એ સૌ પ્રથમ ગ્રહણ કરવાનું હોય છે, ત્યાર બાદ તે જે ખાવા ઈચ્છે તે ખાઈ શકે છે અથવા જઈ શકે છે અથવા રોકાઈ પણ શકે છે, પરંતુ ખીર પળ નો પ્રસાદ ઘર ની અંદર જ લેવાનો હોય છે કે જે લીધા વગર જઈ શક્તી નથી. ત્યાર બાદ માતાજી ના ગરબા ગાવા માં આવે છે. ગરબા ગાવા થી મન અને વાતાવરણ ભક્તિમય અને શુદ્ધ થાય છે અને મન પ્રસંગ માં પરોવાયેલું રહે છે.

રવિવારે સાંજે લગભગ ૪.૦૦ વાગ્યે ઘર ના બધા ભેગા મળીને જ્યાં માતાજી નું સ્થાપન હોય એ જ ખંડ માં ગરબા ગાય છે. આ સમય ને પ્રસંગ નો સૌથી સુંદર સમય માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ મઢ માં જઈ ને ભુઈમાં કે ભુવા ને પ્રસંગ ની જગ્યાએ આવવાનું આમંત્રણ આપવા જાય છે. ભુઈમાં કે ભુવા ને માતાજી ના નજીક ના ભક્ત તરીકે જોવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેઓ માતાજી સાથે સંપર્ક કરી ને વાત પણ કરી શકે છે.

ઘરના બધા જયારે ગરબા ગાતા હોય ત્યારે ભુઈમાં કે ભુવા માતાજી નું સ્થાપન હોય એ જ ખંડ માં આવે છે અને પોતાનું સ્વરૂપ બતાવે છે કે જેના માટે તેઓ આવ્યા હોય છે, પ્રસંગ ના આ ભાગ ને ઘોડો ખૂંદવો કહેવામાં આવે છે. ગરબા ગવાતા હોય ત્યારે ભુઈમાં ને માતાજી આવે છે ને બોલે છે. જેટલા પ્રભાવ ને ભક્તિ ભાવ થી ગરબા ગાવા માં આવે છે એટલી જ માતાજી ની પ્રભાવશાળી હાજરી ઘોડો ખૂંદવા ના પ્રસંગ માં હોય છે.

ઘરના લોકો માતાજી ને ભુઈમાં દ્ર્વારા પૂછી શકે છે કે તેઓ નો પ્રસંગ સફળ થયો કે નહિ, તેઓ પ્રસંગ દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના પણ કરી શકે છે. આના માટે કોઈ વિશેષ શબ્દો નથી હોતા, પોતાના મન થી અને ભાવપૂર્વક શબ્દો થી તેઓ માતાજી ને પ્રશન કરી શકે છે.

માતાજી નો જવાબ ભુઈમાં કે ભુવા દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન વધુ ને વધુ ગરબા ગઈ ને માતાજી ને પ્રસાદ અને દૂધ અર્પણ કરવા માં આવે છે. તે માટે માતાજી ને પ્રસાદ માટે બોલાવવા માટે વિશેષ ગરબા પણ ગાવા માં આવે છે. ક્યારેક જરૂર પડે તો ભુઈમાં પણ આ કાર્ય માં સહાય કરે છે.

થાળ અર્પણ કર્યા પછી આરતી કરવા માં આવે છે. ત્યાર બાદ થોડી પ્રાર્થના કર્યા બાદ પ્રસંગ ને વિરામ આપવામાં આવે છે. આ એક વિશેષ સમય હોય છે કે જયારે મન માં વિચારો સ્થિર કરી ને આખા પ્રસંગ નો મહિમા વિચારવો જોઈએ.

આરતી કાર્ય પછી પ્રસંગ કરનાર નો ઉપવાસ પણ પૂર્ણ થઇ જાય છે. તેઓ મહેમાનો માટે બનાવેલો પ્રસાદ લઇ શકે છે. આ દરમિયાન તેમણે પ્રસંગ ના સાક્ષી ઘી ના દીવા ને ભૂલવો જોઈએ નહિ. તેમને એ દીવો પ્રગટાવેલો રહે અને ઓલવાઈ ના જાય તેણી રાત્રે પણ કાળજી રાખવી પડે છે. આધ્યાત્મિક અને સુરક્ષા ની દ્રષ્ટીએ કોઈ એક વ્યક્તિએ માતાજી ના સ્થાપન વાળા ખંડ માં જ કે જ્યાં દીવો છે ત્યાં જ સુવું જોઈએ.

સોમવાર ની સવાર
ફરી એક વાર પ્રસંગ કરનારે આ દિવસે જ્યાં સુધી પ્રસંગ વિધિ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય છે. સવારે માતાજી ને દાતણ અને ત્યાર બાદ દૂધ અર્પણ કરવામાં આવે છે. વિધિ કરનાર બ્રાહ્મણ સોમવારે ફરી વહેલી સવારે પૂજા કરાવા આવે છે આવે છે. આ પૂજા માતાજી ને આભાર વ્યક્ત કરી ને તેમને પાછા વળાવવા માટે હોય છે જેને ઉત્થાપન પણ કહેવામાં આવે છે. આ પૂજા માં એકાદ કલાક જેવો સમય લાગે છે અને આ પૂજા બંને દંપતીએ સાથે બેસીને કરવાની હોય છે

આ પૂજા માં એક વિશેષ પ્રકાર નો પ્રસાદ માતાજી ને અર્પણ કરવામાં આવે છે, જેમાં કુલેર અને નાળીયેર નો સમાવેશ થાય છે. દર બે લોટાએ એક નાળીયેર મઢ માં મુકવામાં આવે છે, જેને માતાજી ને સવારનો નાસ્તો કરવાના ભાવ થી અર્પણ કરવામાં આવે છે. પ્રસાદ મુખ્યત્વે આ ક્રમ થી અર્પણ કરવામાં આવે છે : દાતણ ; દૂધ; કુલેર; અને છેલ્લે નાળીયેર, વિધિ કરાવનાર બ્રાહ્મણ આ પ્રમાણે ક્રમિક પૂજા માં મદદ કરે છે.

આ પૂજા રાંદલ માતાજી ના પાછા વળાવવા સાથે પૂર્ણ થાય છે. આ વિધિ આશરે બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી માં પૂર્ણ થઇ જાય છે. તેના પછી મઢ (મંડપ) નું ઉત્થાપન કરવામાં આવે છે.

સારાંશ: રાંદલ માતાજી ના આ પ્રસંગ નો અભ્યાસ કરતી વખતે મુખ્ય ઉદ્દેશ ભૂલવો જોઈએ નહિ. આપણે દેવી માં ને આપણા ઘરે શ્રદ્ધા અને વિનમ્રતા સાથે આવવા માટે આમંત્રણ આપીએ છીએ. આપણે માતાજી ને પ્રેમ અને પ્રસંશા કરીએ છીએ કેમ કે તે આપણને ચાહે છે. જો આપણે આ પ્રસંગ સારા ઈરાદાપૂર્વક અને શ્રદ્ધા થી કર્યો હશે તો નાની ભૂલો ચોક્કસ માફ થઇ જશે.

આરતી કાર્ય પછી પ્રસંગ કરનાર નો ઉપવાસ પણ પૂર્ણ થઇ જાય છે. તેઓ મહેમાનો માટે બનાવેલો પ્રસાદ લઇ શકે છે. આ દરમિયાન તેમણે પ્રસંગ ના સાક્ષી ઘી ના દીવા ને ભૂલવો જોઈએ નહિ. તેમને એ દીવો પ્રગટાવેલો રહે અને ઓલવાઈ ના જાય તેણી રાત્રે પણ કાળજી રાખવી પડે છે. આધ્યાત્મિક અને સુરક્ષા ની દ્રષ્ટીએ કોઈ એક વ્યક્તિએ માતાજી ના સ્થાપન વાળા ખંડ માં જ કે જ્યાં દીવો છે ત્યાં જ સુવું જોઈએ.

ઘોડો ખૂંદવો 

ઘોડો રજોગુણી કાર્યશક્તિનું પ્રતીક હોવાથી આ પ્રતીકના માધ્યમથી વાયુમંડળમાંની દેવીની કાર્યશક્તિમાંનો રજોગુણ સતત કાર્યમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘોડો ખૂંદવો, એ કૃતિને લીધે વાયુમંડળના રજોગુણી લહેરો સતત ગતિમાન અવસ્થામાં ભ્રમણ કરે છે. આ લહેરોના સ્પર્શથી જીવની કાર્યને ગતિ આપનારી સૂર્યનાડી સતત જાગૃત અવસ્થામાં રહે છે.

સૂર્યદેવ 

હિંદુ માન્યતા મુજબ સુર્યા એટલે સૂર્ય. પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૂર્યના નીચે મુજબ ના સમાનાર્થી શબ્દો નો ઉલ્લેખ છે.
• આદિત્ય
• અર્ક
• ભાનુ
• સાવિત્ર
• પુષ્ણ
• રવિ
• માર્તંડ
• મૈત્ર
• વીવસ્વાન

સૂર્ય ને હિંદુ ધર્મ માં સૌર દેવતા તરીકે પણ ઓળખવા માં આવે છે. ખાસ કરીને સૌર પરંપરા આ રાજ્યો મા જોવા મળે છે જેમ કે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, જારખંડ અને ઓરીસ્સા. તેમને મુખ્ય પંચદેવ માંના એક તરીકે અને સમ્રાટ પરંપરા માં બ્રાહ્મણ તરીકે ગણવામાં આવે છે. તેમની પ્રતિમાઓ માં ઘણીવાર તેમને ઘોડા ના રથ પર સવારી કરતા ચિતરવામાં આવે છે, જેમાં ઘોડા ની સંખ્યા સાત છે જેને મેઘધનુષ ના સાત રંગ તરીકે જોવામાં આવે છે. હિંદુ ધર્મ ના મધ્યયુગ માં સૂર્ય ને હિન્દુઓના મુખ્ય દેવો વિષ્ણુ અને શિવ ના ઉપનામ તરીકે ઓળખવા માં આવતા. કેટલાક પ્રાચીન ગ્રંથો અને કલાઓ માં, સૂર્ય ને સપ્રમાણીત રીતે ઇન્દ્ર, ગણેશ અને બીજા દેવો સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અને જૈન સંપ્રદાયની કલા અને સાહિત્ય માં સૂર્ય, દેવ તરીકે જોવા મળે છે.

હિન્દૂ જ્યોતિષવિદ્યાના રાશિચક્રમાં સૂર્ય નવઘરો (નવગ્રહ) પૈકીનું એક છે. સૂર્ય અથવા રવિ હિન્દુ કૅલેન્ડરમાં રવિવારા અથવા રવિવારનો આધાર છે. સૂર્યના આદરમાં મુખ્ય ઉત્સવો અને યાત્રાઓમાં મકર સંક્રાંતિ, પૉંગલ અને કુંભ મેળાનો સમાવેશ થાય છે.

ભગવતી રાંદલ આરતી 

આનંદ આનંદ કરું આરતી
આનંદ રૂપી રનામા

જય જય રાંદલ માતા
જય જય રાંદલ માતા

જે કોઈ ભાવ થી માં ને ભજતાં
જે કોઈ ભાવ થી માં ને ભજશે
સહાય કરે માં રનામા

આનંદ આનંદ કરું આરતી
આનંદ રૂપી રનામા

જય જય રાંદલ માતા
જય જય રાંદલ માતા

જેના ઘર માં ની ભક્તિ
જેના ઘર માં ની શક્તિ
સ્થાપે કીર્તિ સ્તંભામાં

આનંદ આનંદ કરું આરતી
આનંદ રૂપી રનામા

જય જય રાંદલ માતા
જય જય રાંદલ માતા

બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ભજતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ભજતા
સહુની સૌ ની ઇસ્ટ પર રનામા

આનંદ આનંદ કરું આરતી
આનંદ રૂપી રનામા

જય જય રાંદલ માતા
જય જય રાંદલ માતા

અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપે
અષ્ટ સિદ્ધિ નવ નિધિ આપે
માડી અભય વર રનામા

આનંદ આનંદ કરું આરતી
આનંદ રૂપી રનામા

જય જય રાંદલ માતા
જય જય રાંદલ માતા

શ્રી રાંદલ સ્તુતિ 

(રાગ:- શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન)

હે આદ્યશક્તિ દયાળુ દેવી રાંદલ માત નમો નમઃ

હે શ્રુષ્ટિ પાલનહાર દેવી રાંદલ માત નમો નમઃ

હે મહિષાસુર હણનારી માં મારા કામ ક્રોધ ને બાળજે

દયા કરીને શરણે લેજે રાંદલ માત નમો નમઃ

હે ચંડમુંડ હણનારી માં મને પાપ થી તું છોડાવજે

દયા કરીને ભક્તિ દેજે રાંદલ માત નમો નમઃ

તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો છુ માતરે

બની સુકાની પાર ઉતારો રાંદલ માત નમો નમઃ

મારી મનવૃત્તિને સ્થિર કરીને ચરણે તારા રાખજે

ભક્તો કહે માં પાર ઉતારો રાંદલ માત નમો નમઃ

રાંદલ માતા મંત્ર

ઓમ ઐમ રીમ કલીમ નમોહ નમઃ

રવિપ્રિયાએ નમોહ નમઃ I

વંશવર્ધીની નમોહ નમઃ

રાંદલ માતઃ નમોહ નમઃ II

રાંદલ માતાજી નું મંદિરો

શ્રી રવિ રાંદલ માતાજી નું એૈતિહાસિક અને ખુબજ પ્રસિદ્ધ મંદિર ગુજરાત ના રાજકોટ શહેર થી દક્ષિણ તરફ ૮૫ કિ.મી. ના અંતરે આવેલું છે. શ્રી વિશ્વકર્મા ભગવાન ના પુત્રી, રવિ રાંદલ માતાજી નું આ મંદિર આશરે ૧,૧૦૦ વર્ષ જુનું છે, અહિયાં દર મહીને આશરે ૩,૦૦૦ થી ૪,૦૦૦ લોકો માતાજી ના દર્શનાર્થે આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોંડલ નજીક આવેલા દડવા ગામમાં રાંદલ માતાનું મંદિર આવેલું છે. આ મંદિર ગોંડલથી મોવીયા - વાસાવડ માર્ગે ૩૫ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ ઉપરાંત ઉમરાળા તાલુકાના દડવા (રાંદલ નગા) મની વાવમાં રાંદલ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાંથી રાંદલ માતાની મૂર્તિ શાસ્ત્રોક્ત વિધીથી લઈ જઈને વલભીપુરમાં નવનિર્મિત મંદિરમાં પધરાવવામાં આવી છે.
એવું માનવામાં આવે છે કે રાંદલ માતાજી નો સ્વભાવ ખુબજ દયાળુ અને ઉદાર છે, જેથી તેમના ભક્તો ની બધી માનોકામના અહી પૂર્ણ થાય છે. અહિયાં બીજી પણ ઘણી પ્રકાર ની આધ્યાત્મિક તેમજ સામાજિક પ્રવૃતિઓ થાય છે જેમ કે માતાજી ના લોટા, બટુક ભોજન, નવરાત્રી હવન, સમૂહ લગ્ન, ગૌશાળા, લોક ડાયરો અને ભેટ. અને બગવદર પાસે આવેલું શ્રી રવિ રાંદલ માતાજી અને સૂર્યદેવ નું વિશાળ મંદિર છે. 

ચાંદીની જારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરુપે બિરાજતા સ્વયંભૂ રાંદલ 

જૂનાગઢ ના દિવાન ચોક પુરોહિત ખડકીમાં 150 વર્ષ પ્રાચીન મંદિર : માતાજીનાં જલની પ્રસાદી લેવાથી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે, બેઠા રાસ ગરબા દ્વારા કરાય છે માતાજીની આરાધના


જૂનાગઢ, : જૂનાગઢના દિવાનચોકમાં મહિલા સમાજ પાસે આવેલ પુરોહિત ખડકીમાં ઘરમાં જ 150 વર્ષથી સ્વયંભૂ રાંદલ માતાજી ચાંદીની જારીજી  પર એકાંક્ષી સ્વરૂપે બિરાજમાન છે. પાણીયારે અખોટા સાથે બિરાજીત રાંદલ માતાજીની જલની પ્રસાદી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ આપી આશીર્વાદરૂપ બની રહી હોવાની શ્રધ્ધા વ્યાપ્ત છે.



Comments

Popular posts from this blog

महात्मा "अलख" भूरी बाई सुथार

રામસેતુ - એક જીવંત ધરોહર

વિજાજી સુથારની વાત