વિર વરજાંગ સુથાર નો પાળીયો

વિર વરજાંગ સુથાર નો પાળીયો

ઉત્તર ગુજરાતના સુઇ ગામથી ભાભર જતા રસ્તા મા આવતુ રૂની ગામ
 રૂની ગામ અને એમાં જનોઈ ધારી ગુર્જર સુથાર નું  ઉજળું ખોરડું પણ પરિવાર માથે અણધારી આફત આવી હતી કારણ કે સંતોકબેન ના પતિ નું અકાળે અવસાન થયું હતું . સંતાન માં એક જ દીકરો અને નાનપણ માં પતિ નો સંગાથ છૂટી ગયો. અને જગત માં સંપતિ વિના જીવવું સહેલું હોય પણ જ્યારે વિધવાપણા માં જીવન કાઢવું બહુ દોયાલું હોય .સંતોકબેન ને જીવવું ઝેર લાગતું હતું પણ કેલૈયા કુંવર જેવા દીકરા સામુ જોઈ ને ઈ બાઈ બસ એના માટે જાણે જીવતી હોય એવું જીવન ગુજારે છે . માં અને બાપ એમ બેઉ જવાબદારીઓ સંતોક બેને ખભે ઉપાડી લીધી. બસ મન માં એકજ હામ છે કે મારા વરજાંગ ને મોટો કરી ને એને લાડે કોડે પરણાવી ને એનું ઘર બંધાઈ જાય તો હું મૂઈ મગતે જાઉં  ( મને સ્વર્ગ મળશે આવો અર્થ થાય ) બસ રાત દી દીકરા ને હેત કરે છે . વરજાંગ પણ જાણે શ્રવણ હોય એમ માની દરેક વાત માને અને પોતાની માની આજ્ઞા પાલન કરે . બસ દિવસો પસાર થતા જાય છે . પોતાના વારસાગત વ્યવસાય એટલે સુથારી કામ બાળપણ થી જ સુથારી કામ માં પારંગત.  નીત નવા ઘાટ ઘડે  વિશ્ર્વકર્મા ના બેય હાથ વરજાંગ ના માથે એમ કળા માં પારંગત થયો સંતોકબેન જોઈ ને રાજી થાય.  એક નો એક દીકરો એટલે સંતોકબેન ક્યારેય ચાકરી કરવા માં ઉણપ ના રાખી પડછંદ કાયા માથે જુવાની નો રંગ ચડ્યો . એટલે સંતોકબેન દીકરા ને સમજાવે છે કે બેટા વરજાંગ હવે મારા થી ઘર ના કામ નથી થતા . હવે આ ઘર ને સંભાળવા વાળી ની જરૂર છે પણ દીકરો કહે કે માં તુ આવતી કાલ થી કોઈ કામ ના કરતી બધા હું કરીશ પણ મને પરણવા ના કોઈ કોડ નથી ક્યારેક તો માં દીકરા ને દબાણ માં લાવવા માટે આખો દી વાત ના કરે અને વરજાંગ પણ જાણે હજુ નાનું બાળક હોય એમ માની પાછળ પાછળ ફરે અને કહ્યા કરે માં તું મારા થી વાત કર ને તું કહીશ એમ કરીશ પણ બસ તું મારા થી અબોલા ના રાખ અને પછી માની આંખો પણ ભીની થઇ જાય ને પોતાના લાડકવાયા ને બાથ ભીડી ને રોઈ લે. કારણ કે એક નો એક દીકરો અને એમાં પણ આટલો આજ્ઞાકારી . આવું થોડાક દિવસ ચાલ્યું પણ છેવટે માં ની જીદ સામે વરજાંગ હારી ગયો અને લગ્ન માટે હા પાડી .. 
  જાજેરી જાનું જોડાણી મંગળગીત ગવાણા અને પાંચેક ગાડા જોડી ને વરજાંગ પરણવા જાય છે . પરણી ને જ્યારે પાછા વળતાં  રૂની ના સીમાડે પોચ્યા  ત્યારે સંતોકબેન વરજાંગ ને કહે છે કે દીકરા આપણા ગામ ના દેરીયાવાળા બાપજી ની માનતા માની હતી કે તું પરણી ને આવીશ ત્યારે સહુ થી પહેલા દેરિયાવાળા ને પગે લાગીશ માટે જા અને મારી આ છેલ્લી બાધા તું પૂરી કર.. બંને વરઘોડિયા દેરિયા વાળા ના દેવળ બાજુ નીકળે છે . ત્યાં તો ગામ બાજુ થી એક વ્યક્તિ લોહી લુહાણ થઈ ને ગામ ની બહાર દોડતો દોડતો આવતો દેખાણો . લગ્ન ગીતો ગાતી જાનડીયું બંધ થઈ ત્યાં તો સહુ ના કાને ગામ માંથી આવતા બચાવો બચાવો ની ચીસો કરુણ રુદનો અને મારો મારો ના અવાજ સંભળાયા સહુ કોઈ દંગ રહી ગયા . આ ગામ માં આવી કાગારોળ શેની થાય છે ત્યાં તો અધઘાયાલ વ્યક્તિ નજીક આવી ગયો . સહુ કોઈ નજીક જઈ ને પૂછે છે ભાઈ શું થયું ગામ માં હાફતા હાફતા અને દર્દ ને દબાવતા ઈ વ્યક્તિ બોલ્યો કે રહીમ સંધી અને એના સાથીદારો ગામ માં ત્રાટક્યા છે ( ઈ દિવસે ગામ માંથી દરેક જ્ઞાતિ માં લગ્ન પ્રસંગ હોવાથી ગામ સાવ બે ફિકર હતું  આવો લાગ જોઈ ને ગામ ને લૂંટવા રહીમ સંધી ની ટોળકીએ ગામ માથે હુમલો કર્યો હતો ) ગામ ને લૂંટે છે , હાફળો ફફળો થઈ ને પોતાના ઘા પર હાથ રાખી ને એ વ્યક્તિ બોલતો જાય છે કે ઘરો ઘર ફરી ફરી ને લૂંટ ચલાવે છે ગામ ના નાના મોટા ઘરડા બુઢ્ઢા કોઈ પર દયા નથી ખાતા . ત્યાં સુધી તો ઠીક પણ બેન દીકરીઓ ના લૂગડાં ફાડી ને નરાધમો દાંત કાઢે છે દીકરીઓ ની આબરૂ લેવા નો પ્રયત્ન થઈ રહ્યો છે . પણ જ્યારે છેલ્લા શબ્દો વરજાંગ ના કાને અથડાણા ત્યાં તો પોતાના ડીલ ના એક એક રૂંવાડે થી અગન જવાળા ફૂટી હોય એમ વરજાંગ ની કાયા સળગવા લાગી . જે ગામ નો કાણુકો ખાધો ઈ ગામ ની બેન દીકરી એટલે મારી બેન કહેવાય . અને એની આબરૂ ને કોઈ લૂંટે અને હું જોતો રહુ તો જીવ્યા માં ધૂળ પડી છે હાથ માં પરણેતર ની તલવાર હતી જ બસ છેડાછેડી ત્યાં જા રહી ગઈ ને વરજાંગ ના અંગે અંગ માં વીરતા જાગી અને ગામ તરફ દોટ દીધી થાજો સાબદા  મરદ ના દીકરા હોવ તો . એમ કહી ને વરજાંગ દુશ્મનો ને લલકારે છે. એક તો પડછંદ કાયા અને સુથારી કામ માં આખી કાયા એવી તો ઘડાણી હતી. સામે બે સંધિઓ પડકારો કરી ને ઉભા રહ્યા પણ જેમ ઉબડ ખાબડ લાકડા માથે થી વેઢો લે એમ વરજાંગ ની તલવારે બેય ના માથા વાઢી લીધા . ગામ માં દેકારો બોલી ગયો સહુ કોઈ વરજાંગ ની વીરતા જોઈ ને આભો થઈ ગયા .  રહીમ અને સંધિઓ ગભરણા કે આતો સાક્ષાત મોત સામે ઉભુ છે હવે ભાગવામાં ભલાઈ છે અને લૂંટ્યું હતું તે પડતું મૂકી ને ભાગ્યા પણ વરજાંગ નો ક્રોધ શાંત નહોતો પડ્યો એને તો મસ્તક માં એક જ દેખાતું હતું કે મારા ગામ ની બેન દીકરી ની આબરૂ પર ખરાબ નજર કરનાર જીવતો ગામ માંથી ન જવો જોઈએ અને સંધિઓ ભાગ્યા ને પાછળ જેમ કાળરૂપી વંટોળ નું રૂપ ધારણ કરી ને પાછળ પણ ગામ થી બહાર નીકળતા પહેલા બે ને દોખજ ( નરક ) ના મારગે કર્યા ચાર જણ ના ના લોહી માં તલવાર તરબોળ થઈ પણ ત્યાં વરજાંગ ને ખબર નથી કે રહીમ દગો કરી ને પાછળ રહી ગયો હતો રહીમે પાછળ થી  દગો કરી ને કુવાડી નો ઘા કાર્યો અને કુવાડી નો ઘા વરજાંગ ની ગરદન પર થયો . વરજાંગ ના મોઢા માંથી શબ્દ નીકળ્યા કે નામર્દ પાછળ થી  ઘા શું કરે છે મરદ હોત તો સામી છાતીએ ઘા કર્યો હોત . પાછળ થી આવતા ગામ લોકો અને બીક ના લીધે જીવ બચાવી ને રહીમ સંધી અને બચેલા બીજા સંધિઓ ભાગી ગયા અને રૂની ગામ ની આબરૂ બચી ગઈ એના   સંતોષ સાથે  વરજાંગ ની કાયા ધરતી માતા ના ખોળા માં ઢળી પડી . અને એક વીર પુરુષ ને છાજે એવું ધીંગાણું કરી ને વરજાંગ વીરગતિ પામ્યા . સહુ કોઈ નજીક આવે છે સંતોકમાં જ્યારે દીકરા ને  જુવે છે  ત્યારે હૈયાફાટ રુદન કરે છે . અને જાણે દીકરો પણ માં ની ચિંતા કરતો હોય એમ ભોળા ને વિનવે છે કે હવે વધુ દુઃખ મારી માં નહી જીરવી શકે પ્રભુ એને પણ મારી હાર્યે અહીંયા બોલાવી લે અને જાણે પ્રભુ ભીની આંખે તથાસ્તુ કહી દે એટલી વાર માં તો સંતોકમાં પણ દીકરા ની પાછળ સ્વર્ગે સિધાવે છે . 

પાળિયા ના દર્શન કરું ત્યારે મને એક રચના યાદ આવે

આજ પૂછું તને પાળિયા તારા દલડાં કરી વાત રે 
તારા રૂદિયા કેરી વાત
પાદર માં કેમ ખોડાણા સિંદૂર કેમ રંગાણા  ....

આ ઘટના  ઈસ. સન. ૧૮૦૯ માં ઘટી હતી અને આજ પણ રૂની ના પાદર માં દેરિયાવાળા ની જગ્યા ની બાજુ માં વીર વરજાંગ નો પાળિયો એની સાક્ષી ભરે છે.  આજ પણ વીર વરજાંગ નો પાળિયા ને રૂની  ગામ પૂજે છે આવા અનેક વીર પુરુષો, સંતો , ભક્તો , દાતાર,  આપણી કાંઠા ની પવિત્ર ભૂમિ પર પોતાના  અમૂલ્ય જીવન ના યોગદાન થી સીંચી છે. વીર વરજાંગ ના ચરણો મા વંદન . સાથે અહીંયા વાત ને વિરામ આપુ છું . મારા શબ્દો માં કોઈ ત્રુટિ હોય તો ક્ષમા ચાહું છું . આ પ્રયાસ છે આપણી ધરા ના અમૂલ્ય વારસા ને નવી પેઢી સુધી પહોંચે એના માટે નો .

આ પ્રસંગ ની અમુક માહિતી મને એક મિત્ર દ્વારા મળી છે .અને બાકી ના પ્રસંગો અનુરૂપ થોડું વર્ણન કર્યું છે આમા કોઈ મિત્ર પાસે વધારે અને સચોટ જાણકારી હોય તો આવકાર્ય છે .

પ્રચાર - શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ

Comments

Popular posts from this blog

श्रीलंका मे रावण काल ​​का विश्वकर्मा ध्वज

રામસેતુ - એક જીવંત ધરોહર

देवताओं के पुरोहित विश्वकर्मा पुत्र आचार्य विश्वरूप