રાણી દિદધા

લોહાર વંશની મહારાણી દિદ્દા 

રાણી દિદ્દા કાશ્મીરની શક્તિશાળી, સાહસિક અને વિવાદાસ્પદ શાસિકા તરીકે ખ્યાતનામ હતી. રાણી દિદ્દા નું શાસનકાળ: ૯૫૮-૧૦૦૩ ઈ.સ. એ ભારતીય ઇતિહાસના સૌથી પ્રભાવશાળી અને વિવાદાસ્પદ શાસકોમાંના એક છે. કલ્હણ પંડિતે તેમને 'રાજતરંગિણી' માં એક એવી રાણી તરીકે વર્ણવ્યા છે જેમણે પોતાની શારીરિક મર્યાદાઓને પરાસ્ત કરી અડધી સદી સુધી કાશ્મીર પર રાજ કર્યું. શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ ના સંસ્થાપક અને લેખક તરીકે હું મયુરકુમાર મિસ્ત્રી દ્વારા અનેક પ્રતિભા ને તેમની જીવની અને પ્રમાણિત લેખ દ્વારા પ્રસારિત કર્યા છે આજે પણ એવી એક પ્રતિભા વિશે આપ સૌ સમક્ષ ખૂબ પ્રમાણિત અને પુરાવા સભર લેખ લખવાની કોશિશ કરી રહ્યો છું. તો આવો જાણીએ એવી એક શાસક જે અનેક નામથી ઓળખાય છે. જન્મ તારીખ ૧૭ જાન્યુઆરી, ઈસ. ૯૨૪ (ઐતિહાસિક અંદાજ મુજબ). રાણી દિદ્દાનું જન્મ સ્થળ લોહારકોટ આજે વર્તમાન પુંચ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર તરીકે ઓળખાય છે. તેઓ લુહાર વંશ ના ક્ષત્રિય હતા. તેઓના પિતાનું નામ રાજા સિંહરાજ (પુંચના શાસક) અને માતા રાજા ભીમદેવ શાહીની પુત્રી (કાબુલના પ્રખ્યાત હિન્દુ શાહી વંશ) ના પુત્રી હતો. તેઓના દાદા માતૃપક્ષ ના ભીમદેવ શાહી, જેમનું શાસન ગાંધાર અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલું હતું.

દીદ્વા જન્મથી જ દિવ્યાંગ (એક પગે અશક્ત) હતા. તેમના પિતા તેમને ધિક્કારતા હતા. મહાન લેખક કલ્હણ નોંધે છે કે, તેમને હલનચલન કરવા માટે ચંદ્રા નામની દાસીની મદદ લેવી પડતી હતી. આ તિરસ્કારે તેમને અત્યંત મહત્વાકાંક્ષી અને માનસિક રીતે વજ્ર જેવા મજબૂત બનાવ્યા. ઈ.સ. ૯૫૦ માં તેમના લગ્ન કાશ્મીરના ઉત્તપલ વંશના રાજા ક્ષેમગુપ્ત સાથે થયા. ક્ષેમગુપ્ત નબળો અને વ્યસની રાજા હતો, જેના કારણે સંપૂર્ણ સત્તા દીદ્દા ના હાથમાં આવી હતી. ઉપરની વાતનું સાક્ષ્ય તે સમયના સિક્કાઓ પર 'દીદ્વા-ક્ષેમ' અંકિત થયેલું જોવા મળે છે. રાણી દિદ્દા અને ક્ષેમગુપ્ત થી એક સંતાન હતું જે અભિમન્યુ નામનો પુત્ર હતો.

રાજતરંગિણીના મૂળ સંસ્કૃત શ્લોક - 

શ્લોક ૧

अशक्ता गन्तुमप्येवं सा राज्यानि व्यजीजयत् । 

युक्तिभिः प्रौढमतिभिः क्षत्रियोचितकर्मभिः ॥

(સંદર્ભ: રાજતરંગિણી, તરંગ ૬, શ્લોક ૨૨૬)

ભાષાંતર - પોતે (પગની ખામીને લીધે) ચાલી શકવા માટે અસમર્થ હોવા છતાં, તે રાણીએ પોતાની પ્રૌઢ બુદ્ધિ, અદભૂત યુક્તિઓ અને ક્ષત્રિયને શોભે તેવા પરાક્રમી કાર્યો દ્વારા અનેક રાજ્યો પર વિજય મેળવ્યો હતો.

શ્લોક ૨ 

विलक्षणा सा राज्यश्रीर्दीद्वाया भिन्नवर्तिनी । 

यस्याः शक्तिरशक्ताया अप्यभूदतिवर्तिनी ॥

(સંદર્ભ: રાજતરંગિણી, તરંગ ૬, શ્લોક ૩૩૨)

ભાષાંતર - રાણી દીદ્વાનું રાજવી તેજ અને ઐશ્વર્ય વિલક્ષણ હતું. પોતે શારીરિક રીતે અક્ષમ હોવા છતાં, તેમની શક્તિ અને પ્રભાવ તમામ સીમાઓને ઓળંગી જનારો હતો.

રાણી દિદ્દા દ્વારા અનેક નગરોના નિર્માણ - 

તેમણે 'દીદ્વાપુર' અને 'કંકણપુર' નામે શહેરો વસાવ્યા હતા. તેમણે વિધવાઓ અને વિદ્યાર્થીઓ માટે અનેક મઠો (દીદ્વામઠ) અને મંદિરો બંધાવ્યા હતા. રાણી દીદ્વા માત્ર એક કુશળ રાજનીતિજ્ઞ જ નહોતા, પરંતુ તેઓ એક મહાન નગર-નિર્માતા પણ હતા. તેમણે કાશ્મીરમાં અનેક નગરો, મંદિરો અને મઠોની સ્થાપના કરી હતી, જેમાંથી 'દીદ્વાપુર' અને 'કંકણપુર' સૌથી મહત્વના ગણાય છે. કલ્હણની રાજતરંગિણીમાં આ સ્થાપત્યોનો વિગતવાર ઉલ્લેખ મળે છે. 

દિદ્દાપુર શહેર - રાણી દીદ્વાએ પોતાના નામ પરથી આ શહેરની સ્થાપના કરી હતી. આ નગરની સ્થાપના તેમણે પોતાના પતિ રાજા ક્ષેમગુપ્તના અવસાન બાદ અને સત્તા પર પોતાની પકડ મજબૂત કર્યા પછી કરી હતી. તેમણે અહીં 'દીદ્વા-સ્વામી' નામે એક ભવ્ય વિષ્ણુ મંદિર અને વિદેશી વિદ્યાર્થીઓ તથા બ્રાહ્મણો માટે એક વિશાળ મઠ (દીદ્વામઠ) પણ બનાવ્યો હતો. આજની સ્થિતિ વિશે માહિતી આપું તો ઇતિહાસકારો અને પુરાતત્વવિદો (એમ.એ.સ્ટેઈન) મુજબ, પ્રાચીન દીદ્વાપુર આજે શ્રીનગરના જૂના વિસ્તારમાં દિદમર તરીકે ઓળખાય છે. તે જેલમ નદીના જમણા કાંઠે, સફા કદલ અને ખાનકાહ-એ-મૌલાની વચ્ચેના વિસ્તારમાં આવેલું છે. આજે ત્યાં પ્રાચીન મંદિરો અસ્તિત્વમાં નથી, પરંતુ તે નામ હજુ પણ તે વિસ્તારની ઓળખ છે.

કંકણપુર શહેર - આ નગર વિશેની માહિતી રાણી દીદ્દાના ભક્તિભાવ અને કળા પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. આ શહેરનું ઐતિહાસિક મહત્વ રાજતરંગિણી મુજબ, રાણી દિદ્દા એ આ નગરની સ્થાપના કરી અને ત્યાં પણ એક સુંદર વિહાર (બૌદ્ધ મઠ) અને વિષ્ણુ મંદિર બંધાવ્યા હતા. કલ્હણ નોંધે છે કે તેમણે આ નગરના નિર્માણમાં વિપુલ સંપત્તિનો ઉપયોગ કર્યો હતો. આજની સ્થિતિની વાત કરીએ અને સાથે આધુનિક સંશોધનો મુજબ, પ્રાચીન કંકણપુર એ વર્તમાન કાશ્મીરના કાંગન વિસ્તાર તરીકે ઓળખાય છે, જે ગાંદરબલ જિલ્લામાં આવેલું છે. આ વિસ્તાર શ્રીનગર-લેહ હાઈવે પર સ્થિત છે. જોકે, કાળક્રમે અને આક્રમણોને કારણે ત્યાંના મૂળ પ્રાચીન સ્થાપત્યો ખંડેર બની ગયા છે અથવા તો લુપ્ત થઈ ગયા છે, પરંતુ ભૌગોલિક રીતે તે સ્થાન આજે પણ ધમધમતું શહેર છે. 

સિંહપુર નગર - રાણી દિદ્દા દ્વારા વસાવવામાં આવેલું સિંહપુર નગર એ તેમના પિતૃપ્રેમ અને તેમના લુહાર વંશ સાથેના અતૂટ જોડાણનું પ્રતીક છે. કલ્હણની રાજતરંગિણીમાં આ નગર વિશે મહત્વની વિગતો મળે છે. સ્થાપનાનો હેતુ રાણી દીદ્વાએ આ નગરની સ્થાપના તેમના પિતા રાજા સિંહરાજ (લોહારના શાસક) ની સ્મૃતિમાં કરી હતી. જોકે દીદ્વાના પિતાએ બાળપણમાં તેમનો ત્યાગ કર્યો હતો, પરંતુ સત્તા પર આવ્યા પછી દીદ્વાએ પોતાની વંશાવળી અને પિતૃપક્ષને સન્માન આપવા માટે આ ભવ્ય નગર વસાવ્યું હતું.  તે નગરના ધાર્મિક મહત્વ તરફ નજર કરીએ તો સિંહપુરમાં દીદ્વાએ એક મોટો વિહાર (બૌદ્ધ મઠ) અને બ્રાહ્મણો માટે આશ્રયસ્થાનો બનાવ્યા હતા. રાજતરંગિણી (તરંગ ૬, શ્લોક ૩૦૩) મુજબ, તેમણે આ નગરને વિદ્વાનો અને ધાર્મિક પુરુષો માટે એક કેન્દ્ર બનાવ્યું હતું. ભૌગોલિક સ્થાન તરફ વાત કરું તો ઇતિહાસકારો માને છે કે આ નગર કાશ્મીર ખીણના પ્રવેશદ્વાર અથવા પુંચ (લોહાર) થી શ્રીનગર તરફ આવતા પ્રાચીન માર્ગ પર સ્થિત હતું

ઇતિહાસકારો અને પુરાતત્વવિદોના સંશોધન મુજબ - 

વર્તમાન ઓળખ પ્રાચીન સિંહપુર આજે બારામુલ્લા જિલ્લામાં સ્થિત સિંગપોર અથવા સિંગપુરા તરીકે ઓળખાય છે. આ નગર શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર આવેલું છે. જાણવા મુજબ પુરાતત્વીય અવશેષો વિશે માહિતી મળતા કહી શકાય કે સિંગપોર વિસ્તારમાં ખોદકામ અને સર્વેક્ષણ દરમિયાન પ્રાચીન પથ્થરોના સ્તંભો અને મૂર્તિઓના અવશેષો મળી આવ્યા છે, જે ૧૦મી સદીના સ્થાપત્યની સાક્ષી પૂરે છે. એજ સાક્ષી આ નગરોની હાલની ખંડેર અવશેષો હયાતીનો પુરાવો છે. નગરની વ્યુહાત્મક સ્થાન વિશે વાત કરીએ તો સિંહપુર એ વ્યુહાત્મક રીતે એવા સ્થાને હતું જ્યાંથી કાશ્મીર ખીણની રક્ષા થઈ શકે. રાણી દિદ્દાએ તેને એક મજબૂત મથક તરીકે વિકસાવ્યું હતું જેથી લોહારકોટ (પુંચ) થી આવતી સેના ત્યાં રોકાઈ શકે અને કોટ નું રક્ષણ થઈ શકે. 

સિંહપુરનો રાજતરંગિણીમાં ઉલ્લેખમાં કલ્હણ પંડિત લખે છે - 
पितुः सिंहराजस्य नाम्ना सिंहपुरं ततः । 
चक्रे विहारं सा दीद्वा सर्वसत्त्वोपकारिणी ॥
(રાજતરંગિણી, તરંગ ૬, શ્લોક ૩૦૩) પાના નંબર - ૨૫૯ (M.A. Stein, Vol. I)
ભાષાંતર - સર્વ જીવો પર ઉપકાર કરનારી તે રાણી દિદ્દાએ પોતાના પિતા સિંહરાજના નામ પરથી સિંહપુર નામનું નગર વસાવ્યું અને ત્યાં એક વિશાળ વિહારનું નિર્માણ કરાવ્યું.

આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે રાણી દીદ્વાએ માત્ર યુદ્ધો જ નહોતા લડ્યા, પણ કાશ્મીરના નકશા પર પોતાના વંશની કાયમી છાપ છોડવા માટે અનેક નગરોનું નિર્માણ પણ કર્યું હતું.

૧૦મી સદીમાં રાણી દિદ્દાનો શાસનકાળ કાશ્મીરી શિલ્પશાસ્ત્ર અને સ્થાપત્યકળાનો સુવર્ણકાળ ગણાય છે. તે સમયે કાશ્મીરમાં જે શૈલી વિકસી તેને મધ્યકાલીન કાશ્મીરી સ્થાપત્ય શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીમાં ગાંધાર (ગ્રીક-બૌદ્ધ અસર), ગુપ્તકાળની કળા અને સ્થાનિક કાશ્મીરી પરંપરાનો અદભૂત સમન્વય જોવા મળે છે. રાણી દિદ્દા દ્વારા નિર્મિત દીદ્વાપુર, સિંહપુર અને કંકણપુર ના સ્થાપત્યોમાં નીચે મુજબની શિલ્પશાસ્ત્રીય લાક્ષણિકતાઓ જોવા મળતી હતી. જેમાં સ્થાપત્ય અને કળા નું અનેરું ગૌરવ હતું. તેમાં વાત કરીએ તો કાશ્મીરી મંદિરોની સૌથી મોટી વિશેષતા તેમના છતની બનાવટ હતી. તેની રચના વિશે નજર કરીએ તો શિખરો સપાટ હોવાને બદલે બે સ્તરમાં પિરામિડ આકારના હતા. કારણ કે કાશ્મીરમાં ભારે હિમવર્ષા થતી હોવાથી, બરફ છત પર જમા ન થાય અને નીચે સરકી જાય તે માટે આ શિલ્પશાસ્ત્રીય તકનીક અપનાવવામાં આવતી હતી. દીદ્વા-સ્વામી મંદિર અને સિંહપુરના વિહારોમાં પ્રવેશદ્વાર પર ત્રિદલ કમાન જોવા મળતી હતી.આ કમાન ત્રણ પાંદડાવાળા ફૂલ જેવી દેખાતી, જે કાશ્મીરી સ્થાપત્યની આગવી ઓળખ છે. આ કમાનોમાં ભગવાન વિષ્ણુ કે સૂર્યનારાયણની મૂર્તિઓ કંડારવામાં આવતી હતી.

હવે વાત કરીએ તો સ્તંભોની બનાવટ અને તેની અદ્ભુત શૈલીની જે ખૂબ આકર્ષક અને કોતરણી કળાથી સજ્જ હતી. રાણી દિદ્દાના સમયમાં ગ્રીક શૈલીના સ્તંભોની અસર જોવા મળતી હતી. તેમાં સ્તંભો ગોળાકાર અને મજબૂત પથ્થરના બનેલા હતા. જેમાં સ્તંભોના ઉપરના ભાગમાં કમળ અથવા ભૌમિતિક આકારોની સુંદર કોતરણી કરવામાં આવતી હતી. દીદ્વાના સમયમાં મૂર્તિઓ મુખ્યત્વે કાળા પથ્થર અથવા ધાતુ એટલે કાંસ્યમાંથી બનાવવામાં આવતી હતી. અર્ધનારીશ્વર પ્રભાવ ધરાવતા રાણી દિદ્દાના સિક્કાઓ અને શિલ્પોમાં સ્ત્રી અને પુરુષ શક્તિના સમાન અધિકારની ઝલક જોવા મળતી હતી. મૂર્તિઓમાં સ્નાયુબદ્ધ દેખાવ અને દિવ્ય સ્મિત એ સમયની લાક્ષણિકતા હતી. સાથે સાથે આભૂષણો તરફ જાણીએ તો મૂર્તિઓને કાશ્મીરી ઠાઠ મુજબના વસ્ત્રો અને આભૂષણોથી સુશોભિત કરવામાં આવતી.

કલ્હણ જણાવે છે કે રાણી દીદ્વાએ નગરો વસાવવા માટે નદીઓના વહેણને પણ અંકુશમાં લીધા હતા.

જેમાં ઘાટ નિર્માણ મુખ્ય હતા. માહિતી અનુસાર તે વખતે જેલમ નદીના કિનારે પથ્થરના મજબૂત ઘાટ બનાવવામાં આવ્યા હતા. જેથી પૂર સમયે શહેરને નુકસાન ન થાય. અને કિલ્લેબંધી માં પણ તેમના પિતાના રાજ્ય લોહારકોટમાં એવું સ્થાપત્ય હતું જે દુનિયાના સૌથી મજબૂત કિલ્લાઓમાં ગણાતું. પથ્થરોને એવી રીતે ગોઠવવામાં આવતા કે તોપ કે હાથીઓ પણ તેને તોડી ન શકે. આ શિલ્પશાસ્ત્ર ના અદ્ભુત નમૂનાઓ આજે પણ માર્તંડ સૂર્ય મંદિર કે અવંતીપુરના ખંડેરોમાં જોઈ શકાય છે, જે દિદ્દાના સમયના સ્થાપત્યને મળતા આવે છે.

મૂર્તિઓ, સિક્કાઓ અને રાજમુદ્રાઓ - 

રાણી દિદ્દાના શાસનકાળ (૧૦મી સદી) ના પુરાતત્વીય પુરાવાઓ, જેમાં કાંસ્ય મૂર્તિઓ, સિક્કાઓ અને રાજમુદ્રાઓનો સમાવેશ થાય છે, તે આજે વિશ્વના અનેક પ્રતિષ્ઠિત સંગ્રહાલયોમાં ભારતીય ઇતિહાસની સાક્ષી પૂરે છે. અહીંયા હું તમને તે વસ્તુઓ અને તેના વર્તમાન સ્થાનોની વિગતવાર માહિતી આપી રહ્યો છું. રાણી દીદ્વાના સમયના સિક્કા રાણી દિદ્દાના સિક્કા ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત છે કારણ કે તેના પર દીદ્વા-ક્ષેમ અથવા માત્ર દીદ્વા અંકિત છે. અહીંયા તેના પુરાવા અને સાક્ષ્ય સાથે રજૂઆત કરતા આનંદ થાય છે કે શ્રી પ્રતાપ સિંહ મ્યુઝિયમ (SPS Museum), શ્રીનગર અહીં કાશ્મીરના શાસકોના સિક્કાઓનો સૌથી મોટો સંગ્રહ છે, જેમાં દીદ્વાના તાંબા અને મિશ્ર ધાતુના સિક્કાઓ સુરક્ષિત છે. સાથે સાથે બ્રિટિશ મ્યુઝિયમ, લંડનના આ મ્યુઝિયમના કોઈન અને મેડલ વિભાગમાં દીદ્વાના શાસનકાળના દુર્લભ સિક્કાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વાત કરીએ આપણાં ભારતીય સંગ્રહાલય, કોલકાતા અહીં પણ મધ્યકાલીન કાશ્મીરના સિક્કાઓનો સંગ્રહ છે જેમાં લુહાર વંશના સિક્કાઓ જોવા મળે છે. કાંસ્ય મૂર્તિઓ કાશ્મીરી કાંસ્ય કલા વિશ્વભરમાં તેની સુંદરતા અને વિશિષ્ટ બનાવટ માટે જાણીતી છે. દિદ્દાના સમયની અનેક મૂર્તિઓ વિદેશી સંગ્રહાલયોમાં પહોંચી ગઈ છે. ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂયોર્ક અહીં ૧૦મી સદીની કાશ્મીરી શૈલીની બોધિસત્વ અને વિષ્ણુની અદભૂત કાંસ્ય મૂર્તિઓ છે, જે દીદ્વાના સમયની શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ છે. એવી જ રીતે લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટ અહીં રાણી દીદ્વાના સમયના શિલ્પો અને ધાતુની મૂર્તિઓનો વિશાળ સંગ્રહ છે. કાશ્મીર ના સ્થાનિક સંગ્રહાલયની વાત કરીએ તો શ્રી પ્રતાપ સિંહ મ્યુઝિયમ, શ્રીનગર ના આ મ્યુઝિયમમાં કાશ્મીર ખીણમાંથી મળી આવેલી પ્રાચીન બૌદ્ધ અને હિન્દુ કાંસ્ય મૂર્તિઓ સાચવવામાં આવી છે, જે દીદ્વા દ્વારા નિર્મિત વિહારો અને મંદિરો સાથે જોડાયેલી હોવાનું મનાય છે.

રાણી દીદ્વાના વહીવટના પુરાવા આપતી મુદ્રાઓ અને પથ્થર પરના લેખો માટે વાત કરીએ તો પુરાતત્વ વિભાગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના દીદ્વાપુર (દિદમર) અને સિંહપુર (સિંગપોર) ના ખોદકામ દરમિયાન મળી આવેલા શિલાલેખો અને માટીની મુદ્રાઓ (Terra-cotta seals) અહીંના સંગ્રહાલયોમાં રાખવામાં આવી છે. લોહારકોટ (પુંચ) ના અવશેષો લુહાર વંશના મૂળ સ્થાન પુંચના કિલ્લા પાસે આજે પણ કેટલાક પથ્થરના શિલ્પો અને કોતરણીઓ છે જે કાશ્મીરના પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે. તેવી રીતે એમ.એ.સ્ટેઈન એ તેની પુસ્તકમાં તેના સંશોધન દરમિયાન આમાંની ઘણી વસ્તુઓની ઓળખ કરી હતી. અને જર્નલ ઓફ ધ ન્યુમીસમેટિક સોસાયટી ઓફ ઈન્ડિયા  આ જર્નલમાં દીદ્વાના સિક્કાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

રાણી દીદ્વાના સમયગાળા દરમિયાન (૧૦મી સદીમાં), કાશ્મીરમાં ભગવાન વિષ્ણુના 'વૈકુંઠ ચતુર્મૂર્તિ' સ્વરૂપની ઉપાસના ચરમસીમાએ હતી. રાણી દીદ્વાએ પોતે દીદ્વા-સ્વામી મંદિર અને સિંહપુરમાં આ પ્રકારની ભવ્ય મૂર્તિઓની સ્થાપના કરી હતી. આ શિલ્પકળા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ગાંધાર અને ગુપ્ત કલાના અદભૂત મિશ્રણનું એન્જિનિયરિંગ છે.

વૈકુંઠ ચતુર્મૂર્તિ: શિલ્પશાસ્ત્રીય લાક્ષણિકતાઓ

આ મૂર્તિ ભગવાન વિષ્ણુના ચાર મુખ ધરાવતું અત્યંત જટિલ અને રહસ્યમય સ્વરૂપ છે. ચાર મુખનું રહસ્ય એ છે કે મૂર્તિમાં મુખ્યત્વે ચાર મુખ હોય છે, જે અલગ-અલગ તત્વોનું પ્રતીક છે. મુખ્ય મુખ (સામે) સૌમ્ય મનુષ્ય રૂપ (ભગવાન વાસુદેવ), જે શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. જમણું મુખ સિંહ (નૃસિંહ અવતાર), જે જ્ઞાન અને પરાક્રમનું પ્રતીક છે. ડાબું મુખ વરાહ (વરાહ અવતાર), જે ઐશ્વર્ય અને શક્તિનું પ્રતીક છે. પાછળનું મુખ રૌદ્ર અથવા કપિલ મુખ (ક્યારેક રાક્ષસી દેખાવ), જે વૈરાગ્ય અને વિનાશનું પ્રતીક છે. આયુધ-પુરુષ જેવો દેખાવ હોવો. કશ્મીરી શિલ્પશાસ્ત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવાનના હાથમાં રહેલા ગદા અને ચક્રને નાના માનવ સ્વરૂપો (આયુધ-પુરુષ) તરીકે દર્શાવવામાં આવતા. ગદા-દેવી નું સ્વરૂપ વિષ્ણુના એક હાથની નીચે સ્ત્રી સ્વરૂપે ગદા ઉભેલી દેખાય છે. ચક્ર-પુરુષ જેમાં બીજા હાથ નીચે પુરુષ સ્વરૂપે ચક્ર ઉભેલું દેખાય છે. ભગવાન વિષ્ણુના હાથ આ આકૃતિઓના માથા પર આશીર્વાદ મુદ્રામાં હોય છે. રાણી દીદ્વા અને લુહાર વંશના સમયની શ્રેષ્ઠ મૂર્તિઓ લેખમાં દર્શાવેલ સ્થળોએ સુરક્ષિત છે. શ્રી પ્રતાપ સિંહ મ્યુઝિયમ (શ્રીનગર) અહીં કાશ્મીરી શૈલીની અનેક વૈકુંઠ ચતુર્મૂર્તિઓ છે જે ૧૦મી સદીની છે. નેશનલ મ્યુઝિયમ (નવી દિલ્હી) કાશ્મીર સેક્શનમાં દીદ્વાના સમયની આ જટિલ મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ચાંબા (હિમાચલ પ્રદેશ): લુહાર વંશના પ્રભાવને કારણે ચાંબાના લક્ષ્મી નારાયણ મંદિરમાં પણ આવી મૂર્તિઓ જોવા મળે છે, કારણ કે દીદ્વાના પરિવારના સંબંધો પર્વતીય રાજ્યો સાથે ખૂબ ગાઢ હતા. ઐતિહાસિક સંદર્ભોને જોતા કલ્હણની રાજતરંગિણી (તરંગ ૬, શ્લોક ૩૦૦-૩૦૫) મુજબ, દીદ્વાએ જ્યારે દીદ્વા-સ્વામી મંદિર બનાવ્યું, ત્યારે તેમણે શિલ્પીઓને ખાસ આદેશ આપ્યો હતો કે મૂર્તિ એટલી ભવ્ય હોવી જોઈએ કે જોનાર સ્તબ્ધ થઈ જાય. તે સમયે આ મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ મળે છે. આ વિગતો રાણી દીદ્વાના કલા-પ્રેમ અને તે સમયના ભારતીય શિલ્પ વિજ્ઞાનની ઊંચાઈ દર્શાવે છે.

દીદ્વા-પાલ વંશ રાજદ્વારી સંબંધો અને પશ્ચિમી ચીન (તિબેટ) સાથેનો વેપાર માર્ગ હતો. અહીંયા લોહાર અને હિન્દુશાહી વંશની વાત થઇ હતી. પણ દીદ્વાએ કાશ્મીરની સત્તાને ટકાવી રાખવા માટે પૂર્વી ભારતની સત્તાઓ સાથે જે પરોક્ષ સંબંધો કેળવ્યા હતા તે ઘણો મહત્વનો મુદ્દો છે. શાસનકાળ દરમિયાન કાશ્મીરના આંતરિક વિદ્રોહોને ડામવા માટે માત્ર સૈન્યનો જ નહીં, પણ ચલણના અવમૂલ્યન અને આર્થિક નાકેબંધીનો ઉપયોગ કર્યો હતો. તેણે લોહાર વંશના સહયોગથી પશ્ચિમી તિબેટ અને મધ્ય એશિયા સાથેના વેપારી માર્ગ સિલ્ક રૂટ ગિલગિટ પર અંકુશ મેળવ્યો હતો.

અહીંયા પુરાવા તરીકે રાજતરંગિણીના તરંગ ૬ માં કલ્હણ ઉલ્લેખ કરે છે કે દીદ્વાએ ડામરો સામંતો ને નબળા પાડવા માટે તેમના નાણાકીય સ્ત્રોતો કાપી નાખ્યા હતા. તેણે એવા સિક્કા બહાર પાડ્યા હતા જેનું વજન ઓછું હતું. જેથી અર્થતંત્રમાં તરલતા રહે અને સામંતો સૈન્ય ભેગું ન કરી શકે. કાશ્મીરમાંથી મળી આવેલા દીદ્વાના સિક્કાઓમાં ધાતુનું મિશ્રણ બદલાતું જોવા મળે છે. આ ફેરફાર તે સમયના આર્થિક સંકટ અને તેમાંથી બહાર આવવાની તેની વ્યુહરચનાનો જીવંત પુરાવો છે.

વિદ્રોહની પૃષ્ઠભૂમિ 

રાણી દીદ્વાના જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા, પરંતુ મહીમનનો વિદ્રોહ એ એવી ઘટના છે જેણે સાબિત કરી દીધું કે દીદ્વા માત્ર એક રાણી જ નહીં, પણ એક અસાધારણ યુદ્ધ વ્યૂહરચનાકાર પણ હતા. આ  ઘટનાનું વિસ્તૃત વર્ણન કલ્હણની રાજતરંગિણી (તરંગ ૬, શ્લોક ૨૧૦-૨૫૦) માં જોવા મળે છે. 

ઈસ. ૯૫૮ માં પતિ ક્ષેમગુપ્તના મૃત્યુ બાદ દીદ્વાએ જ્યારે સત્તા સંભાળી, ત્યારે રાજ્યના શક્તિશાળી મંત્રીઓ અને ડામરો (જમીનદારો) ને એક સ્ત્રીનું શાસન સ્વીકાર્ય નહોતું. મહીમન અને પાટલ નામના બે મંત્રીઓએ રાણીને ગાદી પરથી હટાવવા માટે એક મોટું સૈન્ય તૈયાર કર્યું. તેઓ રાજા ક્ષેમગુપ્તના પક્ષના હોવાથી પ્રજામાં પણ તેમનો થોડો પ્રભાવ હતો.

न विषेण न शस्त्रेण न चाभिचारेण यज्जितुम् । 

तत्तादृशमृतं तस्याः प्रतापैरेव केवलम् ॥

(રાજતરંગિણી, તરંગ ૬, શ્લોક ૨૩૫. અને પાના નંબર ૨૫૪ (M.A. Stein, Vol. I)

ભાષાંતર - જે કાર્ય ઝેરથી, શસ્ત્રથી કે જાદુટોણાથી પણ સિદ્ધ નહોતું થઈ શકતું, તે અઘરું કાર્ય દીદ્વાએ માત્ર પોતાના પ્રચંડ પ્રતાપ અને તેજસ્વી વ્યક્તિત્વથી કરી બતાવ્યું હતું.

યુદ્ધની વ્યૂહરચના 

બળવાખોરોનું સૈન્ય શ્રીનગરની સીમા સુધી પહોંચી ગયું હતું. દીદ્વા પાસે તે સમયે પૂરતું સૈન્ય નહોતું, કારણ કે ઘણા સૈનિકો વિદ્રોહીઓ સાથે ભળી ગયા હતા. અહીં દીદ્વાએ તલવારને બદલે બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. ભેદ નીતિમાં ધ્યાન કરતા રાણી દીદ્વાએ બળવાખોર છાવણીમાં ગુપ્તચરો મોકલ્યા. તેમણે મહીમનના ખાસ સાથીદારો અને અન્ય બ્રાહ્મણ મંત્રીઓને ભારે સોનાના સિક્કા અને જમીનોની લાલચ આપી. આંતરિક ફૂટ તરફ નજર કરીએ તો રાણીએ વિદ્રોહીઓના જૂથમાં એવી અફવા ફેલાવી કે મહીમન પોતે રાજા બનવા માંગે છે અને બાકીના સાથીઓને કાઢી મૂકશે. આનાથી બળવાખોરોમાં અંદરોઅંદર અવિશ્વાસ પેદા થયો.જ્યારે વિદ્રોહીઓ લાલચમાં આવીને નબળા પડ્યા, ત્યારે દીદ્વાએ તેમના પર હુમલો કર્યો. મહીમનનો અંતમાં દીદ્વાએ મહીમનને પકડી લીધો અને તેને ક્રૂરતાપૂર્વક મૃત્યુદંડ આપ્યો. તેના પરિવાર અને તેના સમર્થકોના મૂળ સોશવી નાખ્યા. આ વિદ્રોહ પછી દીદ્વાએ સમજી લીધું કે કાશ્મીરી મંત્રીઓ ભરોસાપાત્ર નથી. તેમણે પોતાના પિતૃપક્ષ એટલે કે પુંચના લોહાર યોદ્ધાઓને કાશ્મીર બોલાવ્યા અને પોતાની અંગત સેના બનાવી. આ નિર્ણયથી કાશ્મીરના ઇતિહાસમાં 'લુહાર વંશ'નો પાયો વધુ મજબૂત થયો.

મહમદ ગઝનવી અને લોહારકોટનો અભેદ્ય કિલ્લો

બીજી એક મહત્વની ઘટના એ છે કે રાણી દીદ્વાએ જે કિલ્લેબંધી કરી હતી, તેની અસર તેમના મૃત્યુ પછી પણ રહી. ઈસ. ૧૦૧૫ અને ઈસ. ૧૦૨૧ માં જ્યારે મહમદ ગઝનવીએ કાશ્મીર જીતવા માટે લોહારકોટ (દીદ્વાનું પિતૃસ્થાન) પર હુમલો કર્યો, ત્યારે તે નિષ્ફળ રહ્યો હતો. ઇતિહાસકારો નોંધે છે કે રાણી દિદ્દાના જીવનકાળ દરમિયાન ગઝનવી સાથે તેમનું કોઈ સીધું મોટું યુદ્ધ થયું હોવાના નક્કર લેખિત પુરાવા ઓછા છે, કારણ કે દિદ્દાનું અવસાન ઈસ. ૧૦૦૩માં થયું હતું અને ગઝનવીએ કાશ્મીર જીતવાનો ગંભીર પ્રયાસ તેના પછી કર્યો હતો. લોકવાયકા અને કેટલીક લોકકથાઓ અને આધુનિક પુસ્તકો (જેમ કે આશિષ કૌલનું પુસ્તક 'દિદ્દા: ધ વોરિયર ક્વીન ઓફ કાશ્મીર') મુજબ, દિદ્દાએ પોતાની કુશળ વ્યુહરચનાથી ગઝનવીને હરાવ્યો હતો. સાથે એક રોચક વાત એ છે કે ગઝનવીએ કબૂલ્યું હતું કે આ કિલ્લાનું સ્થાપત્ય અને રક્ષણ કરવાની રીત અજોડ છે. આ કિલ્લો જીત્યા વગર કાશ્મીરમાં પ્રવેશવું અશક્ય હતું, અને દીદ્વાએ તેને પથ્થરોની ખાસ ગોઠવણી દ્વારા અજેય બનાવ્યો હતો.મહારાણી દીદ્વાએ કાશ્મીરની કિલ્લેબંધી એટલી મજબૂત કરી હતી કે તેમના શાસનકાળ દરમિયાન મહમદ ગઝનવી કાશ્મીરને જીતવામાં નિષ્ફળ રહ્યો હતો.

રાજતરંગિણીમાં આ યુદ્ધ વિશેનો શ્લોક:

साहसैर्युक्तिभिश्चैव मन्त्रिणस्तान् अजीजयत् । 

निरुद्धा अपि मार्गेषु राणी दीद्वा जयशालिनी ॥

(રાજતરંગિણી, તરંગ ૬, શ્લોક ૨૨૬ અને પાના નંબર ૨૫૪-૨૫૫ M.A. Stein, Vol. I)

ભાષાંતર - માર્ગો રોકાયેલા હોવા છતાં અને ચોતરફથી ઘેરાયેલા હોવા છતાં, રાણી દીદ્વાએ પોતાના અદ્ભુત સાહસ અને રાજદ્વારી યુક્તિઓથી તે શક્તિશાળી મંત્રીઓ એટલે કે બળવાખોરો પર વિજય મેળવ્યો.

આ વિજય બાદ રાણી દીદ્વાને લોકોએ "ચુડેલ" કહેવાનું શરૂ કર્યું, કારણ કે લોકોને લાગતું હતું કે એક પગે દિવ્યાંગ સ્ત્રી આટલા મોટા પુરુષ યોદ્ધાઓને હરાવી ન શકે, ચોક્કસ તેની પાસે કોઈ જાદુઈ શક્તિ છે. પરંતુ વાસ્તવમાં તે તેમનું રાજકીય જાદુ  હતું.

सा राज्यलक्ष्मीर्दीद्वायाः स्थिरा भूत्वा महीतले । लोहारवंशजातानां भूपानां हस्तमभ्यगात् ॥

(રાજતરંગિણી, તરંગ ૬, શ્લોક ૩૬૫ અને પાના નંબર ૨૬૪ M.A. Stein, Vol. I)

ભાષાંતર - રાણી દીદ્વાની તે રાજ્યલક્ષ્મી એટલે કે સત્તા પૃથ્વી પર સ્થિર થઈને અંતે લોહાર વંશ માં જન્મેલા રાજાઓના (સંગ્રામરાજ વગેરેના) હાથમાં ગઈ.

રાજા સંગ્રામરાજ (શાસનકાળ ઈસ. ૧૦૦૩ – ૧૦૨૮ )

સંગ્રામરાજ રાણી દીદ્વાના ભાઈ ઉદયરાજના પુત્ર હતા. દીદ્વાએ તેમની પરીક્ષા લીધા બાદ તેમને ઉત્તરાધિકારી બનાવ્યા હતા. ઐતિહાસિક સિદ્ધિની વાત કરીએ તો તેમના શાસનકાળની સૌથી મોટી ઘટના મહમદ ગઝનવીના આક્રમણને નિષ્ફળ બનાવવાની હતી. જ્યારે ગઝનવીએ ભારત પર આક્રમણ કર્યું, ત્યારે સંગ્રામરાજે શાહી વંશના રાજા ત્રિલોચનપાલને લશ્કરી મદદ મોકલી હતી. ગઝનવીએ ઈસ. ૧૦૧૫માં કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે સંગ્રામરાજની સેનાએ તેને લોહારકોટના કિલ્લા પાસે એટલી ખરાબ રીતે હરાવ્યો કે ગઝનવીને પ્રથમ વખત ભારતમાંથી પીછેહઠ કરવી પડી.

રાજતરંગિણીનો શ્લોક (તરંગ ૭, શ્લોક ૪૭)

"तस्मिन् काले व्यराजन्त सङ्ग्रामनृपतेर्गुणाः । 

यैः सुगुप्तमिदं राज्यं न शक्यं जेतुमारिभिः ॥"

ભાષાંતર - તે સમયે રાજા સંગ્રામરાજના ગુણો એ રીતે પ્રકાશ્યા કે જેમના દ્વારા આ રાજ્ય એટલું સુરક્ષિત બન્યું કે શત્રુઓ તેને જીતવા માટે અસમર્થ રહ્યા.

રાજા હર્ષદેવ (શાસનકાળ: ઈસ. ૧૦૮૯ – ૧૧૦૧ )

હર્ષદેવ લુહાર વંશના સૌથી જટિલ અને બહુમુખી પ્રતિભા ધરાવતા શાસક હતા. કલ્હણ તેમને અદભૂત રાજા કહે છે. તેઓ મહાન કવિ, સંગીતકાર અને અનેક ભાષાઓના જાણકાર હતા. તેમના દરબારમાં વિદ્વાનોનું સન્માન થતું. શાસનના અંતિમ વર્ષોમાં અતિશય ખર્ચ અને યુદ્ધોને કારણે તેમણે પ્રજા પર ભારે કર નાખ્યા અને મંદિરોની મૂર્તિઓ ઓગાળીને સોનું મેળવ્યું, જેના કારણે તેમને "કાશ્મીરના નેરો" તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજતરંગિણીનો શ્લોક (તરંગ ૭, શ્લોક ૮૭૬)

"गीतज्ञः सर्वभाषावित् कविर्दानपतिः सुधीः । 

हर्षदेवोऽभवत् राजा चित्रकर्तृककर्मकृत् ॥"

ભાષાંતર - સંગીતના જાણકાર, તમામ ભાષાઓના જ્ઞાતા, મહાન કવિ અને દાનવીર એવા રાજા હર્ષદેવ થયા, જેમના કાર્યો કોઈ ચિત્રકારની કલ્પના જેવા વિચિત્ર અને આશ્ચર્યજનક હતા.

રાજા સૂહદેવની ભૂમિકા અને પરિસ્થિતિ

સૂહદેવ જ્યારે ગાદી પર આવ્યા ત્યારે લુહાર વંશ આંતરિક ઝઘડાઓ અને નબળા વહીવટને કારણે પડી ભાંગ્યો હતો. તેમની મુખ્ય ભૂમિકા તરફ વાત કરું તો સૂહદેવે બહારથી આવેલા ત્રણ મહત્વના વ્યક્તિઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો, જેમણે આગળ જતાં કાશ્મીરનો ઇતિહાસ બદલી નાખ્યો. શાહ મીર જે સ્વાત (વર્તમાન પાકિસ્તાન) થી આવ્યો હતો અને પાછળથી કાશ્મીરનો પ્રથમ મુસ્લિમ સુલતાન બન્યો. રિંચન જે લદ્દાખથી ભાગીને આવેલો રાજકુમાર હતો. લંકા ચક જે દાર્દિસ્તાનથી આવ્યો હતો. સૂહદેવ એક ઉદાર રાજા હતા પરંતુ તે કુશળ યોદ્ધા કે વ્યુહરચનાકાર નહોતા. તેમણે પ્રજા પર ભારે કર નાખ્યા હતા જેનાથી લોકો નારાજ હતા. 

લુહાર વંશનો અંત એ કાશ્મીરના ઇતિહાસની અત્યંત કરુણ અને નિર્ણાયક ઘટના છે. આ વંશના અંતિમ શાસક તરીકે રાજા સૂહદેવ  નું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે. તેમના શાસનકાળ (ઈસ. ૧૩૦૧–૧૩૨૦) દરમિયાન થયેલી ઘટનાઓએ કાશ્મીરમાં હિન્દુ શાસનનો અંત આણ્યો અને મુસ્લિમ સત્તાનો માર્ગ મોકળો કર્યો.

દુલચાનું આક્રમણ (ઈસ. ૧૩૨૦)

સૂહદેવના શાસનકાળમાં દુલચા નામના તાતાર (મોંગોલ) આક્રમણખોરે ૬૦,૦૦૦ સૈનિકો સાથે કાશ્મીર પર હુમલો કર્યો. રાજા સૂહદેવની પીછેહઠ: રાણી દીદ્વા કે સંગ્રામરાજ જેવી બહાદુરી બતાવવાને બદલે, સૂહદેવ લડ્યા વગર જ કાશ્મીર છોડીને કિશ્તવાડના પહાડોમાં ભાગી ગયા. દુલચાએ આઠ મહિના સુધી કાશ્મીરમાં કતલેઆમ મચાવી, મંદિરો તોડ્યા અને હજારો લોકોને ગુલામ બનાવ્યા. આ સમયને કાશ્મીરનો સૌથી અંધકારમય કાળ માનવામાં આવે છે.

લુહાર વંશનો અંત અને સત્તા પરિવર્તન

દુલચા જ્યારે પરત ફર્યો ત્યારે તે બરફના તોફાનમાં મરાયો, પરંતુ કાશ્મીરમાં હવે કોઈ રાજા નહોતો. રિંચનનું શાસન શરૂ થયું. આ તકનો લાભ લઈને લદ્દાખી રાજકુમાર રિંચને સત્તા હસ્તગત કરી. તેણે સૂહદેવના મંત્રી રામચંદ્રની પુત્રી કોટા રાણી સાથે લગ્ન કર્યા. રિંચને પાછળથી ઇસ્લામ સ્વીકાર્યો અને તે સુલતાન સદરૂદ્દીન બન્યો. જોકે તેના મૃત્યુ પછી સૂહદેવના ભાઈ ઉદ્યાનદેવ થોડો સમય ગાદી પર આવ્યા, પરંતુ તેઓ પણ અસમર્થ સાબિત થયા.

કોટા રાણી: લુહાર વંશની છેલ્લી કડી

લુહાર વંશ અને હિન્દુ શાસનને બચાવવાનો છેલ્લો પ્રયાસ રાણી દીદ્વા જેવી જ બહાદુર કોટા રાણીએ કર્યો હતો. તેમણે ઉદ્યાનદેવ સાથે લગ્ન કરીને શાસન સંભાળ્યું. ઈસ.૧૩૩૯ માં શાહ મીરે દગો કરીને કોટા રાણીને હરાવ્યા. રાણીએ આત્મસમર્પણ કરવાને બદલે આત્મહત્યા કરી લીધી, અને આ સાથે જ લુહાર વંશ તેમજ કાશ્મીરના હિન્દુ સામ્રાજ્યનો સત્તાવાર અંત આવ્યો. બારામુલ્લા અને શ્રીનગરના વિસ્તારોમાં ૧૪મી સદીના પ્રારંભિક મુસ્લિમ સ્થાપત્યોમાં લુહાર વંશના મંદિરોના પથ્થરોનો ઉપયોગ થયેલો જોવા મળે. કાશ્મીરી લોકસાહિત્યમાં દુલચાના આક્રમણ અને કોટા રાણીના બલિદાનની કથાઓ આજે પણ ગવાય છે. શરૂઆતના મુસ્લિમ શાસકોના સિક્કાઓ પર લુહાર વંશની છાપ (દેવીની આકૃતિ) શાહ મીરી સિક્કા થોડા સમય સુધી જોવા મળતી હતી, જે ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. લુહાર વંશે રાણી દીદ્વાના નેતૃત્વમાં જે ભવ્યતા શરૂ કરી હતી, તે આંતરિક નબળાઈ અને બાહ્ય આક્રમણોને કારણે ઈસ. ૧૩૨૦માં સમાપ્ત થઈ ગઈ.

લુહાર વંશની સમયરેખા અને અંત (ઈસ. ૧૦૦૩ થી ૧૩૨૦)

ઈસ. ૧૦૦૩ માં રાણી દીદ્વાનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પહેલા તેમણે એક પરીક્ષા દ્વારા પોતાના ભત્રીજા સંગ્રામરાજ (સિંહરાજનો પુત્ર) ને વારસદાર જાહેર કર્યો. સંગ્રામરાજના ગાદી પર બેસતાની સાથે જ કાશ્મીરમાં સત્તાવાર રીતે લુહાર વંશ ની સ્થાપના થઈ, જેણે આગળ જતાં કાશ્મીરને અનેક મુસ્લિમ આક્રમણોથી બચાવ્યું.

રાણી દીદ્વાનો લુહાર વંશ એ મધ્યકાલીન કાશ્મીરના ઇતિહાસનો સૌથી લાંબો અને મજબૂત શાસક વંશ મનાય છે. આ વંશના કારણે જ કાશ્મીરે અનેક વિદેશી આક્રમણો સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું.

રાણી દીદ્વાએ તેમના ભત્રીજા સંગ્રામરાજને ગાદી સોંપી લુહાર વંશનો પાયો નાખ્યો હતો. આ વંશે આશરે ૩૦૦ વર્ષ સુધી કાશ્મીર પર શાસન કર્યું. આ વંશના મુખ્ય બે તબક્કા હતા. પ્રથમ લુહાર વંશ (ઈસ. ૧૦૦૩-૧૧૦૧) સંગ્રામરાજથી શરૂ થઈને હર્ષદેવ સુધી. સંગ્રામરાજના શાસન દરમિયાન જ મહમદ ગઝનવીએ કાશ્મીર જીતવાના બે નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. દ્વિતીય લુહાર વંશ (ઈસ. ૧૧૦૧-૧૩૨૦) ઉચ્ચલા અને સુચ્ચલા દ્વારા સ્થાપિત. આ વંશનો છેલ્લો હિન્દુ રાજા સૂહદેવ હતો. લુહાર વંશનો અંત ઈસ. ૧૩૨૦ માં દુલચા નામના મધ્ય એશિયાઈ આક્રમણખોરના હુમલા અને ત્યારબાદ આંતરિક અસ્થિરતાને કારણે લુહાર વંશની સત્તા નબળી પડી. અંતે, સત્તા રિંચન (લદ્દાખી શાસક) અને ત્યારબાદ શાહ મીરના હાથમાં ગઈ, જેણે કાશ્મીરમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી.

લુહાર વંશના પુરાવાઓ અને હાલની સ્થિતિ

આજે આ વંશના પુરાવાઓ કિલ્લાઓ, શિલાલેખો અને ભૌગોલિક નામોના સ્વરૂપે હયાત છે. તેમાં લોહારકોટનો કિલ્લો લુહાર વંશનું મૂળ વતન પુંચ (જમ્મુ) માં આવેલો લોહારકોટ કિલ્લો છે. તેને આજે લોરીન કિલ્લો પણ કહેવામાં આવે છે. હાલની સ્થિતિની વાત કરીએ તો આ કિલ્લાના ખંડેરો આજે પણ પુંચની ખીણમાં જોવા મળે છે. તે પથ્થરની એવી ટેકનિકથી બનેલો છે કે જે પહાડ સાથે એકરૂપ લાગે છે. ગઝનવીના પ્રખ્યાત ઇતિહાસકાર અબુ-રૈહાન અલ-બિરુનીએ પણ આ કિલ્લાની અજેયતાના વખાણ કર્યા હતા. શિલાલેખો અને લિપિ ના પુરાવા માટે કાશ્મીર અને પુંચના વિવિધ ભાગોમાંથી લુહાર વંશના સમયના શારદા લિપિમાં લખાયેલા શિલાલેખો મળી આવ્યા છે. આ શિલાલેખોમાં રાજાઓના દાન, મંદિર નિર્માણ અને યુદ્ધોનું વર્ણન છે. આ લેખો શ્રીનગરના એસ.પી.એસ. મ્યુઝિયમમાં સચવાયેલા છે.

લુહાર જ્ઞાતિની હાલની સ્થિતિ

રાણી દીદ્વા અને તેમનો પરિવાર જે 'લુહાર' અથવા 'લોહાર' ક્ષત્રિય વંશના હતા, અને આમ જોતા તેઓ સીધા ભગવાન વિશ્વકર્મા ના વંશજ કહેવાય. તેમના વંશજો વિશે ઇતિહાસકારોના બે મંતવ્યો છે. પુંચના રજપૂતો ના મંતવ્યો અનુસાર પુંચ અને રાજૌરી પ્રદેશમાં આજે પણ કેટલાક રજપૂતો પોતાની વંશાવળી લુહારકોટના શાસકો સાથે જોડે છે. નામનું પરિવર્તન જોતા ૧૪મી સદી પછી જ્યારે કાશ્મીરનું ઈસ્લામીકરણ થયું, ત્યારે ઘણા સ્થાનિક હિન્દુ વંશજોએ સ્થળાંતર કર્યું અથવા ધર્મ પરિવર્તન કર્યું. આજે લોહાર કે લુહાર અટક ધરાવતા લોકો ઉત્તર ભારતમાં વસેલા છે, જેમાંથી કેટલાક પોતાનો સંબંધ આ પ્રાચીન લુહારકોટના યોદ્ધાઓ સાથે માને છે.

કલ્હણની 'રાજતરંગિણી' - જીવંત પુરાવો

લુહાર વંશ વિશેનો સૌથી મોટો અને જીવંત પુરાવો કલ્હણની રાજતરંગિણી છે. કલ્હણ પોતે લુહાર વંશના રાજા હર્ષદેવના મંત્રીના પુત્ર હતા. તેમણે આ વંશની ચડતી-પડતી પોતાની આંખે જોઈ હતી, તેથી આ પુસ્તકને દુનિયાનો સૌથી સચોટ ઐતિહાસિક પુરાવો માનવામાં આવે છે.

लोहार-वंशप्रभवैः भूपालैः रक्षितं यदा । 

तदा काश्मीर-मण्डलं स्वर्गतुल्यं प्रजायते ॥

અર્થ - જ્યારે લુહાર વંશના રાજાઓ દ્વારા રક્ષણ કરવામાં આવ્યું, ત્યારે કાશ્મીર મંડળ સ્વર્ગ સમાન બની ગયું હતું.

રાણી દીદ્વા એ માત્ર લુહાર વંશનું જ નહીં પણ સમગ્ર ભારતીય નારીશક્તિનું ગૌરવ છે. તેમણે જે સમયે શાસન કર્યું તે સમયે સ્ત્રીઓનું રાજકારણમાં આવવું મુશ્કેલ હતું, છતાં તેમણે પુંચથી આવીને કાશ્મીરના સિંહાસનને સ્થિરતા આપી. તેમની મુત્સદ્દીગીરીને કારણે જ કાશ્મીર સદીઓ સુધી હિન્દુ સંસ્કૃતિનું કેન્દ્ર બની રહ્યું. દીદ્વા માત્ર એક રાણી નહોતી, પણ બે શક્તિશાળી સરહદી સત્તાઓ કાશ્મીર અને ગાંધાર અને હિન્દુશાહી વચ્ચેનું રાજકીય સેતુ હતી. આ જોડાણને કારણે જ કાશ્મીર લાંબા સમય સુધી ગઝનવીના આક્રમણોથી બચી શક્યું હતું.

મધ્યકાલીન કાશ્મીરના ઇતિહાસને સમજવા માટે મુખ્યત્વે અહીં આપેલ પુરાવા સંદર્ભ મુજબના ગ્રંથો અને સંશોધન પત્રોને આધારભૂત માનવામાં આવે છે. જેના આધારે આ લેખ લેખક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 

૧. કલ્હણ પંડિતકૃત 'રાજતરંગિણી' (મૂળ સંસ્કૃત ગ્રંથ)

આ રાણી દીદ્વા વિશેની માહિતીનો સૌથી મોટો અને સમકાલીન જેવો જ સ્ત્રોત છે. ૧૨મી સદીમાં લખાયેલા આ મહાકાવ્યમાં કાશ્મીરના રાજાઓનો ક્રમબદ્ધ ઇતિહાસ છે. રાજતરંગિણીના ૬ઠ્ઠા તરંગ (બુક-VI) માં શ્લોક ક્રમાંક ૧૭૫ થી ૩૬૫ સુધી રાણી દીદ્વાના જીવનની તમામ ઘટનાઓનું વર્ણન છે. આ ગ્રંથમાં તેમના લગ્ન, દિવ્યાંગતા, મંત્રીઓ સાથેના સંઘર્ષ અને પુંચના લુહાર વંશના ઉદય વિશે વિસ્તૃત માહિતી મળે છે.

૨. એમ. એ. સ્ટેઈન દ્વારા 'રાજતરંગિણી' નો અંગ્રેજી અનુવાદ

સર માર્ક ઓરેલ સ્ટેઈને ૧૯૦૦માં કલ્હણના ગ્રંથનું સંશોધન અને અનુવાદ કર્યો હતો. વોલ્યુમ-૧, પાના નંબર ૨૫૦ થી ૨૬૫. શોધક સ્ટેઈને તેમના ફૂટનોટ્સમાં રાણી દીદ્વાના સમયના ભૌગોલિક કિલ્લાઓ અને તેમની રાજકીય મુત્સદ્દીગીરીનું વિશ્લેષણ કર્યું છે.

૩. એલેક્ઝાન્ડર કનિંગહામ - 'એન્શિયન્ટ જિયોગ્રાફી ઓફ કાશ્મીર'

પુરાતત્વશાસ્ત્રના પિતા ગણાતા કનિંગહામે આ પુસ્તકમાં દીદ્વા દ્વારા વસાવાયેલા નગરોની ભૌતિક હાજરીની પુષ્ટિ કરી છે. પાના નંબર ૪૫ થી ૫૨. રાણી દીદ્વાએ બંધાવેલા દીદ્વામઠ અને દીદ્વાપુર શહેરના ભૌગોલિક સ્થાન વિશે સટીક માહિતી અહીંથી મળે છે.

૪. પી. એન. કે. બામઝાઈ - 'કાશ્મીર: ઈટ્સ કલ્ચરલ હેરીટેજ'

આ પુસ્તક કાશ્મીરના સાંસ્કૃતિક અને સામાજિક પાસાઓને ઉજાગર કરે છે. બામઝાઈએ રાણી દીદ્વાના શાસનકાળમાં સ્ત્રીઓની સ્થિતિ અને વહીવટી માળખામાં લુહાર વંશના પ્રભાવ વિશે ઊંડાણપૂર્વક લખ્યું છે.

૫. આર. સી. મજુમદાર - 'ધ એજ ઓફ ઇમ્પિરિયલ કનૌજ' (ભારતીય વિદ્યા ભવન શ્રેણી)

ભારતના પ્રખર ઇતિહાસકાર મજુમદારે આ શ્રેણીના વોલ્યુમમાં મધ્યકાલીન ભારતની સત્તાઓનું વર્ણન કર્યું છે. પાના નંબર ૧૧૫ થી ૧૨૦. આ પુસ્તકમાં રાણી દીદ્વાના માતૃપક્ષ હિન્દુ શાહી વંશ અને તેમના પિતાના લોહાર વંશ વચ્ચેના રાજકીય સંબંધોની ઐતિહાસિક સમીક્ષા કરવામાં આવી છે.

૬. જોગેશ ચંદ્ર દત્ત - 'કિંગ્સ ઓફ કાશ્મીરા'

આ ૧૯મી સદીનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે રાજતરંગિણીના આધારે મધ્યકાલીન શાસકોની વંશાવળી સ્પષ્ટ કરે છે. સંગ્રામરાજ (દીદ્વાનો ભત્રીજો) કઈ રીતે લુહાર વંશની ગાદી પર બેઠો અને રાણીએ કઈ રીતે સત્તાનું સ્થળાંતર કર્યું તેની વિગત અહીં જોવા મળે છે.








Comments