ગજાનન મિસ્ત્રી
મહારાજા સયાજીરાવ ના શિલ્પી મિત્ર - ગજાનન સુથાર
લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)
મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) એ પોતે કળા અને કૌશલ્યના કદરદાન હતા. તેમના શાસનકાળ દરમિયાન વડોદરામાં અનેક હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળ્યું હતું. સયાજીરાવની વિશેષતા એ હતી કે તેઓ જાતિ કે જ્ઞાતિ જોવાને બદલે વ્યક્તિની આવડત જોતા હતા. તેઓ ઘણીવાર આ કારીગરોની મુલાકાત લેતા અને તેમને વિદેશી ટેકનોલોજી શીખવા માટે શિષ્યવૃત્તિ આપીને મોકલતા હતા. એટલે જ સયાજીરાવે કળાભવન એટલે કે ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી હતી જેથી સ્થાનિક કારીગરો પોતાની કળા નવી પેઢીને શીખવી શકે જેથી તેમની અંદરની કળા બહાર આવી શકે.
દરેક વખતે નવી જાણકારી નવી પ્રતિભા લઈને તમારી સમક્ષ હું એટલે કે આપનો મયુરકુમાર મિસ્ત્રી મોડાસા થી આ આ વખતે પણ મને એક એવી પ્રતિભા વિશે લખવાની શોધ કરવાની અને જાણવાની જિજ્ઞાસા થઈ એટલે એના ઉપર શોધ સંશોધન કરવાનું શરૂ કર્યું અને આખરે મને પ્રાપ્ત થયેલ માહિતી ને હું મારા શબ્દો દ્વારા અહીંયા તે પ્રતિભા ને લેખ દ્વારા સમાજ સમક્ષ મૂકવાનો વિચાર આવ્યો છે. એવી જ એક એવી પ્રતિભા વિશે આજે જાણીએ.
ગજાનન મિસ્ત્રીનો જન્મ ૧૯મી સદીમાં વડોદરાના એક સામાન્ય સુથાર (મિસ્ત્રી) પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પેઢીઓથી લાકડાના કામ સાથે જોડાયેલો હતો. નાનપણથી જ ગજાનન ભાઈમાં ગણિત અને ભૂમિતિ પ્રત્યે ગજબની સમજ હતી. તેઓ કોઈ પણ વસ્તુ જોઈને તેની આબેહૂબ નકલ તૈયાર કરી શકતા અથવા તેમાં સુધારો સૂચવી શકતા. એટલે જ તેઓ ગજાનન વિઠ્ઠલ મિસ્ત્રી અને ઘણી જગ્યાએ તેઓ ગજાનન શિલ્પી તરીકે પણ ઓળખાય છે. તેમનું મૂળ વતન વડોદરા જ હતું. તેમનો પરિવાર પેઢીઓથી ગાયકવાડ સ્ટેટના આશ્રય હેઠળ વડોદરામાં જ વસેલો હતો. તેમનો જન્મ અંદાજે ૧૮૬૦ થી ૧૮૬૫ ની આસપાસ થયો હતો આ માટે ચોક્કસ તારીખના દસ્તાવેજો દુર્લભ છે, પરંતુ લક્ષ્મી વિલાસ પેલેસના નિર્માણ સમયે તેઓ યુવાન કલાકાર તરીકે કાર્યરત હતા. તેમનું અવસાન ૨૦મી સદીના પૂર્વાર્ધમાં અંદાજે ૧૯૩૦-૧૯૪૦ ના ગાળામાં વડોદરામાં જ થયું હતું. તેઓ વિશ્વકર્મા સુથાર જ્ઞાતિના હતા. ગજાનન મિસ્ત્રીનું મૂળ વતન કચ્છ હોવાનું મનાય છે. કચ્છના ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી જ્ઞાતિના કારીગરો તે સમયે આખા ભારતમાં રેલવે અને બાંધકામ ક્ષેત્રે પ્રખ્યાત હતા. તેમના પિતા વિઠ્ઠલ મિસ્ત્રી પણ ગાયકવાડ સરકારના જાણીતા કારીગર હતા. ગજાનનભાઈએ પરંપરાગત શિક્ષણ કરતાં હુન્નરકળા માં વધુ ધ્યાન આપ્યું હતું, જેના કારણે તેઓ મહારાજાના અત્યંત નિકટ આવ્યા હતા.
૧૯મી સદીના મધ્યમાં જ્યારે મહારાજા ખંડેરાવ અને ત્યારબાદ મહારાજા સયાજીરાવે વડોદરાના નવનિર્માણની શરૂઆત કરી, ત્યારે તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રના કુશળ કારીગરોને નિમંત્રણ આપ્યું હતું. ગજાનનભાઈના પિતા વિઠ્ઠલભાઈ તે સમયે વડોદરા આવ્યા અને રાજવી કારખાનામાં જોડાયા. ગજાનનભાઈનો જન્મ વડોદરામાં જ થયો, પણ તેમના સંસ્કાર અને કળાનું મૂળ કચ્છના મિસ્ત્રી સમુદાયના લોહીમાં હતું.
સૌથી મજબૂત દસ્તાવેજી પુરાવો છે જે ૧૮૮૦ થી ૧૯૦૦ ના ગાળાના બરોડા સ્ટેટ ગેઝેટિયર માં આર્ટસ એંડ મેન્યુફેક્ચર વિભાગમાં ઉલ્લેખ છે કે વડોદરામાં સ્થાનિક સ્તરે એવા કુશળ સુથાર કારીગરો છે જેઓ યુરોપિયન ડિઝાઇનને પણ માત આપી શકે છે. ગજાનન મિસ્ત્રી જેવા કારીગરોએ રાજવી ફર્નિચર અને મહેલના કામોમાં અદભૂત નિપુણતા બતાવી છે.
મહારાજા સયાજીરાવ અને ગજાનન મિસ્ત્રી બન્ને વચ્ચેની મિત્રતા વિશે વાત કરીએ તો તે ખૂબ રસપ્રદ છે. તેમનો મહારાજા સાથેનો ભેટો કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછો નથી. તે સમયે લક્ષ્મી વિલાસ પેલેસનું કામ ચાલી રહ્યું હતું. એવું કહેવાય છે કે, પેલેસના બાંધકામ દરમિયાન એક જટિલ લોખંડની કે લાકડાની ડિઝાઇનમાં વિદેશી એન્જિનિયરો અટવાયા હતા. ગજાનન મિસ્ત્રી ત્યાં એક સામાન્ય કારીગર તરીકે કામ કરતા હતા. તેમણે હિંમત કરી પેલેસના મુખ્ય આર્કિટેક્ટને એક નાનું મોડેલ બનાવીને બતાવ્યું કે આ સમસ્યાનો ઉકેલ આવી રીતે આવી શકે છે. જ્યારે મહારાજા સયાજીરાવ નિરીક્ષણ માટે આવ્યા, ત્યારે તેમની નજર પેલા નાના મોડેલ પર પડી. મહારાજાએ પૂછ્યું, આ કોણે બનાવ્યું છે? અને તે વખતે ગજાનનભાઈને હાજર કરવામાં આવ્યા. મહારાજા તેમની તીક્ષ્ણ બુદ્ધિ અને સાદગી જોઈને તરત જ ઓળખી ગયા કે આ માણસ સામાન્ય કારીગર નથી, પણ એક કુશળ કારીગર છે. મહારાજાએ તેમને પૂછ્યું, તું ભણેલો છે? ગજાનનભાઈએ જવાબ આપ્યો, મહારાજ, શાળાએ નથી ગયો, પણ પિતાજી પાસેથી ઔજાર ચલાવતા અને કુદરત પાસેથી આકાર બનાવતા શીખ્યો છું. આ સાંભળી સયાજીરાવે તેમને સીધા રાજવી કામોની જવાબદારી સોંપી દીધી. સયાજીરાવ ગાયકવાડ પોતે પણ મહેનતુ લોકોના કદરદાન હતા. ગજાનન મિસ્ત્રીમાં તેમને એક એવી વ્યક્તિ મળી જે તેમના વિચારોને હકીકતમાં બદલી શકતી હતી.
ધીમે ધીમે તેમના કામની કદર અને નિકટતા વધતી ગઈ અને ત્યારબાદ જ્યારે મહારાજા જ્યારે વિદેશ જતા, ત્યારે નવી મશીનરી જોઈને આવતા અને ગજાનનભાઈને સમજાવતા. ગજાનનભાઈ તે સાંભળીને વડોદરામાં તેની પ્રતિકૃતિ તૈયાર કરી દેતા. રાજ્યમાં ટેકનિકલ શિક્ષણ માટે શું કરવું જોઈએ, તેના માટે મહારાજા ઘણીવાર મોડી રાત સુધી ગજાનનભાઈ સાથે ચર્ચા કરતા. આ બૌદ્ધિક ચર્ચાઓએ જ તેમને મિત્ર બનાવ્યા હતા.
સયાજીરાવ ગાયકવાડ માનતા હતા કે જ્ઞાન અને કળા કોઈ પણ જ્ઞાતિની મિલકત નથી. ગજાનન મિસ્ત્રીની બુદ્ધિશક્તિથી પ્રભાવિત થઈને મહારાજાએ તેમને રાજ્યના ચીફ મિકેનિકલ એન્જિનિયર જેવું પદ આપ્યું હતું. તે જમાનામાં એક પરંપરાગત કારીગરને આવું મોટું પદ મળવું એ મહારાજાની ઉદારતા અને ગજાનનભાઈની કાબેલિયત દર્શાવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સૌથી નજીકના અને વિશ્વાસુ રાજવી કારીગર તરીકે જો કોઈનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું હોય, તો તે ગજાનન મિસ્ત્રી છે. ગજાનન મિસ્ત્રી માત્ર એક સુથાર કે કારીગર નહોતા, પણ મહારાજાના ટેકનિકલ એડવાઈઝર અને અત્યંત અંગત મિત્ર સમાન હતા. મહારાજા તેમને પ્રેમથી ગજાનન કહીને જ બોલાવતા.
ગજાનન મિસ્ત્રીનો પરિવાર વડોદરામાં જ સ્થાયી હતો. તેમનો પરિવાર મર્યાદિત સાધનોમાં જીવતો હતો, પરંતુ મહારાજાના સંપર્ક પછી તેમની આર્થિક સ્થિતિ સુધરી હતી. જોકે, ગજાનનભાઈ ક્યારેય પૈસા પાછળ નહોતા ભાગ્યા. તેમણે પોતાના સંતાનોને પણ કૌશલ્ય અને શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. તેમના વંશજો આજે પણ વડોદરા અને ગુજરાતના વિવિધ ભાગોમાં એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર ક્ષેત્રે જોડાયેલા હોવાનું મનાય છે.
ગજાનન મિસ્ત્રીના વંશજો અને તેમના દ્વારા સ્થપાયેલી પરંપરા વિશેની માહિતી વડોદરાના કલા-જગત અને મિસ્ત્રી જ્ઞાતિના ઇતિહાસમાં આજે પણ જીવંત છે. ગજાનન મિસ્ત્રીનો વારસો અને વંશજો વિશે વાત કરીએ તો ગજાનન મિસ્ત્રીએ પોતે કોઈ મોટી વેપારી પેઢી સ્થાપવાને બદલે કળા અને જ્ઞાનના પ્રસારને પોતાનું ધ્યેય બનાવ્યું હતું. તેમ છતાં, તેમના વારસા વિશે નીચે મુજબની વિગતો જાણવા મળે છે. ગજાનન મિસ્ત્રીના સૌથી મોટા વારસદાર તેમના લોહીના સંબંધીઓ કરતા પણ વધુ એ વિદ્યાર્થીઓ હતા જેઓ કળાભવન હાલની MSU ટેકનોલોજી ફેકલ્ટી માંથી તૈયાર થયા. ગજાનનભાઈએ પોતે ત્યાં લાંબો સમય સેવા આપી હોવાથી, વડોદરાના અનેક જૂના આર્કિટેક્ટ્સ અને એન્જિનિયરો પોતાને તેમના માનસ પુત્ર અથવા શિષ્યો ગણાવે છે.
ઐતિહાસિક માહિતી મુજબ, ગજાનન મિસ્ત્રીના પરિવારના સભ્યો વડોદરાના નવાપુરા, રાવપુરા અને વાડી વિસ્તારમાં સ્થાયી થયા હતા. તેમના વંશજોએ પૂર્વજોની કળાને જાળવી રાખી પરંતુ સમય જતાં તેઓ આધુનિક એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના વ્યવસાયમાં વળી ગયા. વડોદરામાં આજે પણ કેટલીક જૂની મિસ્ત્રી પરિવારોની પેઢીઓ છે જે ફર્નિચર અને ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં મોટું નામ ધરાવે છે, જેઓ ગજાનન મિસ્ત્રીના વારસા સાથે પોતાને જોડે છે. જોકે, કોઈ ચોક્કસ બ્રાન્ડ કે કંપની નું નામ તેમના દ્વારા સીધું શરૂ કરાયેલું હાલમાં રેકોર્ડ પર નથી, કારણ કે તેઓ મુખ્યત્વે રાજવી કારીગર હતા.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ માત્ર કળાના કદરદાન જ નહોતા, પણ તેઓ પોતાના વિશ્વાસુ લોકોના પરિવારો પ્રત્યે અત્યંત સંવેદનશીલ પણ હતા. ગજાનન મિસ્ત્રીના અવસાન બાદ મહારાજાએ જે વ્યવસ્થા કરી હતી, તે રાજા અને પ્રજા વચ્ચેના અતૂટ સંબંધનું ઉદાહરણ પૂરું પાડે છે. પરિવાર માટે મહારાજાની વ્યવસ્થા માટે તેઓ ચિંતિત રહેતા અને સારી સગવડ સુવિધાઓ આપતા હતા. ચાલો જોઈએ એ સુવિધાઓ વિશે જેમાં રાજવી પેન્શન અને આર્થિક સહાય જે ખૂબ ઉત્તમ સેવા હતી. ગજાનન મિસ્ત્રીના અવસાન પછી, મહારાજાએ તેમના પરિવાર માટે વિશેષ રાજવી પેન્શન ની વ્યવસ્થા કરી હતી. તે સમયે રાજ્યના નિયમો મુજબ સરકારી કર્મચારીઓને પેન્શન મળતું, પરંતુ ગજાનનભાઈ માટે મહારાજાએ ખાસ કિસ્સામાં વધુ રકમની મંજૂરી આપી હતી જેથી તેમના પરિવારને ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવવો ન પડે. ગજાનનભાઈ જે ઘરમાં રહેતા હતા, તે વિસ્તારમાં તેમના પરિવારને સ્થાયી થવા માટે જમીન અને રહેઠાણની બાબતે રાજવી રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. મહારાજાએ ખાતરી કરી હતી કે આ રાજવી શિલ્પી નો પરિવાર માનભેર જીવી શકે. તેમના સંતાનોનું શિક્ષણ અને નોકરી માટે પણ મહારાજાએ ગજાનનભાઈના પુત્રો અને પૌત્રોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. તેમને કળાભવન જે આજે MSU ની ટેકનોલોજી ફેકલ્ટી છે તેમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે તેમના વંશજોમાંના કેટલાકને રાજ્યના જાહેર બાંધકામ વિભાગ (PWD) માં તેમની આવડત મુજબ માનભર્યા હોદ્દાઓ પણ આપવામાં આવ્યા હતા.
મહારાજાએ ગજાનન મિસ્ત્રીના કાર્યને અમર કરવા માટે કળાભવનમાં તેમના દ્વારા બનાવાયેલા કેટલાક ખાસ નમૂનાઓને સંગ્રહિત કરાવ્યા હતા. આ એક એવી વ્યવસ્થા હતી જે પરિવારને આર્થિક રીતે જ નહીં પણ સામાજિક રીતે પણ ગૌરવ અપાવતી હતી. ગજાનન મિસ્ત્રીનું નામ તમને વડોદરા સ્ટેટના Administrative Report of the Public Works Department (1890-1900) માં જોવા મળશે. તેમાં તેમને Master Craftsman તરીકે સંબોધવામાં આવ્યા છે.
જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ ચાલી રહ્યું હતું, ત્યારે વિદેશી આર્કિટેક્ટ્સ પણ મૂંઝવણમાં મુકાતા. તે સમયે ગજાનન મિસ્ત્રીએ પેલેસના લાકડાના સીલિંગ એટલે કે છત અને દરબાર હોલની કોતરણી માટે જે નકશા તૈયાર કર્યા હતા, તે જોઈને યુરોપિયન એન્જિનિયરો પણ દંગ રહી ગયા હતા. ગજાનન મિસ્ત્રી પાસે માત્ર કળા જ નહીં, પણ ગજબની હાજર બુદ્ધિ હતી.
એક કિસ્સો જે મહારાજા ને ખૂબ પ્રભાવિત કરી ને વધારે નજીકના મિત્ર તરીકે સ્વમાન મળ્યું તેની વાત કરીએ તો જ્યારે પેલેસનું ઝુમ્મર અને છત જોખમમાં હતી. કહેવાય છે કે જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં વિદેશથી મંગાવેલા અત્યંત કિંમતી અને ભવ્ય ઝુમ્મરો ફિટ કરવાનું કામ ચાલતું હતું, ત્યારે એક મોટી ટેકનિકલ સમસ્યા ઉભી થઈ. સમસ્યા એ હતી કે ઝુમ્મરનું વજન એટલું વધારે હતું કે વિદેશી એન્જિનિયરોને ડર હતો કે જો તેને સીધું છત પર લટકાવવામાં આવશે, તો લાકડાની કોતરણીવાળી છત નમી જશે અથવા લાંબે ગાળે તૂટી પડશે. સયાજીરાવ ઈચ્છતા હતા કે ઝુમ્મર બરાબર વચ્ચે જ લાગે, પણ છતને નુકસાન ન થવું જોઈએ. એન્જિનિયરોએ લોખંડના જાડા સળિયા વાપરવાનું સૂચન કર્યું, પણ તેનાથી છતની સુંદરતા બગડતી હતી. જ્યારે આ વાત ગજાનન મિસ્ત્રી પાસે પહોંચી, ત્યારે તેમણે થોડો સમય માંગીને લોખંડ અને લાકડાનું એક એવું હિડન લોડ-બેરિંગ સ્ટ્રક્ચર જે છુપી વજન વહેંચણી પદ્ધતિથી તૈયાર કર્યું જે છતની અંદરના ભાગમાં છુપાઈ જતું હતું. તેમણે વજનને માત્ર એક જગ્યાએ કેન્દ્રિત કરવાને બદલે, આખી છતના મુખ્ય બીમ એટલે મોભ પર વહેંચી દીધું. જ્યારે ઝુમ્મર લટકાવવામાં આવ્યું, ત્યારે છતમાં એક દોરા જેટલો પણ ફેરફાર ન થયો. આ જોઈને મહારાજા ગદગદ થઈ ગયા અને બોલ્યા, ગજાનન, તેં આજે મારી અને આ મહેલની આબરૂ સાચવી લીધી છે. કહેવાય છે કે ગજાનન મિસ્ત્રી જેવા કારીગરોને કારણે જ આજે વડોદરાના મહેલો અડીખમ ઉભા છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને ગજાનન મિસ્ત્રી વચ્ચેનો સંબંધ માત્ર રાજા અને પ્રજાનો નહીં, પણ એક કળાના કદરદાન અને કળાકારનો હતો. તેમના માનમાં અને તેમની યાદગીરી રૂપે વડોદરામાં જે મહત્વની બાબતો છે તે અહીંયા વર્ણન કરવા માંગુ છું. મહારાજા સયાજીરાવે ગજાનન મિસ્ત્રીની આવડત જોઈને જ નક્કી કર્યું હતું કે વડોદરામાં એક એવી સંસ્થા હોવી જોઈએ જ્યાં પરંપરાગત કારીગરો વિજ્ઞાન અને ટેકનોલોજી શીખી શકે. જેની સ્થાપના ૧૮૯૦ માં 'કળાભવન' ની સ્થાપના થઈ. ગજાનનભાઈ આ સંસ્થાના પાયાના પથ્થર સમાન હતા. મહારાજાએ તેમને ત્યાં શીખવવા માટે અને નવી પેઢીને તૈયાર કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આજે પણ વડોદરાની MSU (એમ.એસ. યુનિવર્સિટી) ની ટેકનોલોજી ફેકલ્ટીમાં કળાભવનના ઇતિહાસમાં ગજાનન મિસ્ત્રીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. ત્યાંના જૂના વિભાગોમાં આજે પણ તે સમયના ઓજારો અને નમૂનાઓ સચવાયેલા છે જે ગજાનન મિસ્ત્રી જેવા કારીગરોની યાદ અપાવે છે.
ગજાનન મિસ્ત્રીએ મહારાજાના સહયોગથી વડોદરામાં જે મોડલ વર્કશોપ ની શરૂઆત કરી હતી, તે આજે પણ કોઈને કોઈ સ્વરૂપે વડોદરાની જૂની ફેક્ટરીઓ અથવા MSU ના વર્કશોપ વિભાગમાં જીવંત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો વર્કશોપ જે અહીં આજે પણ ગજાનન મિસ્ત્રીના સમયના કેટલાક એવા જૂના મશીનો અને ટૂલ્સ (ઓજારો) સાચવેલા છે, જેનો ઉપયોગ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન આપવા માટે કરવામાં આવતો હતો. વડોદરાના ઇતિહાસકાર ડો. ધનંજય રાવલ અથવા મહારાજા સયાજીરાવના જીવન ચરિત્ર પર સંશોધન કરનારા વિદ્વાનો પણ ગજાનન મિસ્ત્રીના આ અદ્રશ્ય વારસાની પુષ્ટિ કરે છે. ગજાનન મિસ્ત્રીનું નામ ભલે કોઈ મોટી કંપની પર નથી, પણ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની એક-એક કોતરણી એમના વંશજ તરીકે એમની કળાની સાક્ષી પૂરે છે.
લક્ષ્મી વિલાસ પેલેસની અંદરની યાદગીરીની વાત કરીએ તો પેલેસમાં કોઈ મૂર્તિ કે તકતી કદાચ તમને બહારથી ના દેખાય, પણ મહેલની અંદરના કેટલાક ખાસ હિસ્સાઓ ગજાનન મિસ્ત્રીની સહી સમાન છે. મહેલના ચોક્કસ વિભાગોમાં લાકડાનું જે અદભૂત કામ છે, તેને 'ગજાનન મિસ્ત્રીની શૈલી' તરીકે ઓળખવામાં આવતું. મહારાજા પોતે મહેમાનોને ગૌરવપૂર્વક કહેતા કે, "આ કામ મારા ગજાનનનું છે." અને એજ ગૌરવ આજે આપણે પણ લઈ રહ્યા છીએ. મહારાજા જ્યારે વિદેશ પ્રવાસે જતા ત્યારે ઘણીવાર ગજાનન મિસ્ત્રીને સાથે લઈ જતા અથવા તેમને વિદેશી કળા શીખવા માટે મોકલતા. મહારાજા તેમની સાથે જમવા બેસતા અને રાજ્યના ટેકનિકલ વિકાસ માટે તેમની સલાહ લેતા. સયાજીરાવ અને ગજાનન મિસ્ત્રીના વિચારોનું પરિણામ એટલે વડોદરાનું સુપ્રસિદ્ધ કળાભવન. મહારાજા ઈચ્છતા હતા કે ગજાનનભાઈ જેવા હજારો કારીગરો તૈયાર થાય. આજે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીનું મૂળ આ કળાભવનમાં રહેલું છે.
કળાભવન વિશે કેટલીક વિશેષ વાતો કરીએ તો કળાભવન એ ભારતની એવી પ્રથમ સંસ્થાઓમાંની એક હતી જેણે સ્વદેશી કારીગરોને એન્જિનિયરિંગમાં જોડ્યા હતા. તે સમયે ત્યાં સુથારી, લુહારી, વણાટકામ અને ચિત્રકળા જેવા વિભાગો હતા. ગજાનન મિસ્ત્રીએ મિકેનિકલ વિભાગના વિકાસમાં મોટો ફાળો આપ્યો હતો. મહારાજા સયાજીરાવે ગજાનન મિસ્ત્રીની સલાહથી અનેક ગરીબ પણ હોશિયાર સુથાર-લુહારના છોકરાઓને વિદેશ ભણવા મોકલ્યા હતા.
ગજાનન મિસ્ત્રી જેવા વ્યક્તિઓ જ સાબિત કરે છે કે વડોદરાને સંસ્કારી નગરી બનાવવામાં માત્ર રાજા જ નહીં, પણ રૈયતના હીરા સમાન કારીગરોનો પણ તેટલો જ મોટો હાથ હતો. મહારાજાને નવી ટેકનોલોજીનો બહુ શોખ હતો. ગજાનન મિસ્ત્રીએ મહારાજા માટે અનેક નવીન મશીનો બનાવ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે મહારાજા માટે ખાસ પ્રકારની ઓટોમેટિક પંખા ની સિસ્ટમ બનાવી હતી જે તે સમયે દુર્લભ હતી. સાથે સાથે તેમણે મહેલની અંદર નાની ચીજવસ્તુઓની હેરફેર માટે પણ તેમણે દેશી એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો હતો.
એક પ્રસંગની વાત કરતા ઘણું ગૌરવ થાય છે એકવાર મહારાજાએ ગજાનનભાઈને પૂછ્યું, તમારી કળાની કિંમત શું? ત્યારે ગજાનનભાઈએ નમ્રતાથી જવાબ આપ્યો હતો, મહારાજ, કળાની કિંમત પૈસામાં નહીં, પણ તમારા જેવા કદરદાનના સ્મિતમાં છે. આ સાંભળી મહારાજાએ તેમને રાજવી પોશાક પહેરાવી સન્માનિત કર્યા હતા. ગજાનન મિસ્ત્રી વિશેની માહિતી ઇતિહાસના પાનાઓમાં એક પ્રેરણાદાયી ગાથા સમાન છે. તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડના માત્ર કર્મચારી નહીં, પણ તેમના સપનાઓને સાકાર કરનાર 'વિશ્વકર્મા' હતા.
વિદેશી મશીનરી વિરુદ્ધ દેશી હુન્નર માટે પણ ગજાનન સુથાર એ ખૂબ મહેનત કરી હતી. એમાં વાત એમ હતી કે, વડોદરાના વિકાસ માટે મહારાજા વિદેશથી કેટલીક આધુનિક ખેતીવાડી અને ટેક્સટાઇલ (કાપડ) ને લગતી મશીનરી મંગાવવા માંગતા હતા. તે સમયે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી હતી અને મોટા મશીનો માત્ર ત્યાં જ બનતા. મહારાજાએ ગજાનન મિસ્ત્રીને પોતાની પાસે બોલાવ્યા અને વિદેશી કંપનીઓના મશીનોના નકશા બતાવ્યા. મહારાજાએ ગજાનનભાઈની પરીક્ષા લેવા અથવા તો તેમને પ્રોત્સાહિત કરવા માટે એક વાત કહી. મહારાજા કહે "ગજાનન, મારે આ મશીનો ઇંગ્લેન્ડથી મંગાવવા છે, પણ મને શંકા છે કે જો તે અહીં બગડશે તો તેને રિપેર કરનાર કોઈ નહીં મળે. શું તારામાં એટલી શક્તિ છે કે તું આ નકશા જોઈને આવું જ મશીન અહીં આપણી વર્કશોપમાં બનાવી શકે? જો તું ના બનાવી શકતો હોય, તો મારે વિદેશીઓ પર જ નિર્ભર રહેવું પડશે."
ગજાનન મિસ્ત્રીએ શાંતિથી પહેલા નકશા જોયા અને મહારાજાની આંખમાં આંખ પરોવીને કીધું: "મહારાજ, લોખંડ અને લાકડું તો ઈશ્વરે આપણને અહીં પણ આપ્યું જ છે. જો વિદેશી માણસ આ બનાવી શકતો હોય, તો ભારતનો કારીગર કેમ નહીં? મને વિદેશી મશીન ન આપો, બસ મને થોડો સમય અને થોડા માણસો આપો. હું તમને આનાથી પણ ચડિયાતું મશીન બનાવી આપીશ."
ગજાનન મિસ્ત્રીએ દિવસ-રાત એક કરીને, કોઈ પણ વિદેશી એન્જિનિયરની મદદ વગર, માત્ર નકશાઓ અને પોતાની સૂઝબૂઝથી એ મશીન તૈયાર કરી દીધું. જ્યારે મહારાજા એ મશીન જોવા આવ્યા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે ગજાનનભાઈએ મૂળ ડિઝાઈનમાં કેટલાક એવા ફેરફાર કર્યા હતા જે સ્થાનિક હવામાન અને મજૂરોની અનુકૂળતા મુજબ વધારે સારા હતા. મહારાજા એટલા ખુશ થયા કે તેમણે તરત જ જાહેર કર્યું કે, "જે કામ કરવા માટે મારે હજારો રૂપિયા વિદેશ મોકલવા પડત, તે કામ મારા ગજાનને કરી બતાવ્યું છે. હવેથી વડોદરાના કારીગરો માત્ર મશીન ચલાવશે નહીં, પણ મશીન બનાવશે!"
આ ઘટના પછી જ મહારાજા સયાજીરાવના મનમાં કળાભવન સ્થાપવાનો વિચાર દ્રઢ થયો. તેમને સમજાયું કે જો ગજાનન જેવા કારીગરોને થોડું ટેકનિકલ માર્ગદર્શન મળે, તો ભારત કોઈ પણ દેશની બરાબરી કરી શકે છે. આ કિસ્સો વડોદરાના જૂના કારીગરોની પરંપરામાં અને સયાજી વિજય જેવા તે સમયના સામયિકોમાં છપાયેલી વાતોમાં ગૌરવપૂર્વક યાદ કરવામાં આવે છે.
ગજાનન મિસ્ત્રીની આ સફળતાએ સાબિત કર્યું કે ટેકનોલોજી એ માત્ર ગોરા સાહેબોની જાગીર નથી, પણ તે મહેનત અને બુદ્ધિનો ખેલ છે.
લક્ષ્મી વિલાસ પેલેસની અંદરની જટિલ કોતરણી અને માળખું તેઓના હસ્તે તૈયાર થયું હતું. અને નજરબાગ પેલેસના પણ અનેક ટેકનિકલ કામો તેમણે સંભાળ્યા હતા. કળાભવનની રૂપરેખામાં વડોદરાને ટેકનિકલ હબ બનાવવા માટેનો રોડમેપ તેમણે તૈયાર કરવામાં મદદ કરી હતી. ખરેખર કહીએ તો ગજાનન મિસ્ત્રી એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ હતા કે ડિગ્રી વગર પણ જો આવડત હોય, તો રાજા પણ તમને નમી શકે છે.
ગજાનન મિસ્ત્રી દ્વારા નિર્મિત ખાસ વસ્તુઓની વાત કરીએ તો લક્ષ્મી વિલાસ પેલેસની ટ્રેન જે ટોય ટ્રેન તરીકે ઓળખાય છે. સયાજીરાવના સંતાનો માટે પેલેસના બગીચામાં દોડતી નાની ટ્રેનનું એન્જિન અને ડબ્બાઓ તૈયાર કરવામાં ગજાનન મિસ્ત્રીનું મોટું યોગદાન હતું. તેમણે વિદેશી ટેકનોલોજીને ભારતીય પરિસ્થિતિ મુજબ ઢાળી હતી. સાથે પેલેસના કૂલિંગ એન્જિનિયરિંગ અને પંખા પણ બનાવ્યા હતા. વીજળીના આગમન પહેલા મહેલમાં ઠંડક જળવાઈ રહે તે માટે તેમણે પવનચક્કીના સિદ્ધાંત પર આધારિત એવી વ્યવસ્થા કરી હતી કે જેનાથી ગરમ હવા બહાર નીકળી જાય અને ઠંડી હવા અંદર આવે. આ માટે તેમણે ખાસ પ્રકારના લાકડાના બ્લેડ વાળા મોટા પંખાઓ બનાવ્યા હતા. સાથે રાજવી બગી અને અનેક સુધારાઓ કરેલ છે. મહારાજાની બગીઓમાં શોક-એબ્સોર્બર્સ (સ્પ્રિંગ) અને વજનનું સંતુલન જાળવવા માટે ગજાનનભાઈએ લોખંડ અને લાકડાના સંયોજનથી નવા પ્રયોગો કર્યા હતા, જેથી મુસાફરી આરામદાયક રહે.
ગજાનન મિસ્ત્રી જેવા પાત્રો એ સાબિત કરે છે કે સયાજીરાવ હીરાના પારખુ હતા. જેનું આખા ગુજરાત અને સમસ્ત વિશ્વકર્મા સમાજ ને ગૌરવ વધાર્યું છે. શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા અમે ગજાનન સુથાર જેવી પ્રતિભા ના કાર્યને શત શત નમન કરીએ છીએ.
આ ઉપરોક્ત લેખ અને માહિતીના સ્ત્રોત અને પ્રમાણ અહીંયા રજૂ કરું છું. આ વિગતો ઐતિહાસિક દસ્તાવેજો, વડોદરાના ઈતિહાસના પુસ્તકો અને ગાયકવાડી શાસનના અભ્યાસ પર આધારિત છે. તમે નીચેના સ્ત્રોતો દ્વારા આની પુષ્ટિ કરી શકાય છે.
૧. સયાજીરાવ ઓફ બરોડા: ધી પ્રિન્સ એંડ ધ મેન - મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડ દ્વારા લખાયેલા આ પુસ્તકમાં સયાજીરાવના સમયના કારીગરો અને તેમના પ્રત્યેના મહારાજાના અભિગમનું સચોટ વર્ણન છે.
૨. વડોદરા સ્ટેટ ગેઝેટિયર - ગાયકવાડી શાસન દરમિયાન લખાયેલા ગેઝેટિયરમાં રાજ્યના કળાભવન અને ત્યાંના મુખ્ય મિકેનિક્સ/કારીગરોનો ઉલ્લેખ જોવા મળે છે.
3. મહારાજા સયાજીરાવ ગાયકવાડ જીવન અને કાર્ય - લેખક વિવિધ ગુજરાતી ઇતિહાસકારો અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને વડોદરાની લાઈબ્રેરીઓમાં ઉપલબ્ધ ઇતિહાસના પુસ્તકોમાં ગજાનન મિસ્ત્રી જેવા કારીગરોનો ઉલ્લેખ રાજવી કારીગર તરીકે કરવામાં આવ્યો છે.
૪. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) આર્કાઇવ્સ - કળાભવનના જૂના દસ્તાવેજો અને એન્જિનિયરિંગ ફેકલ્ટીના ઈતિહાસમાં ગજાનન મિસ્ત્રીના કાર્યની નોંધો સંગ્રહિત છે.
૫. મૌખિક ઇતિહાસ - વડોદરાના જૂના રહીશો અને મિસ્ત્રી જ્ઞાતિના ઇતિહાસમાં ગજાનનભાઈ અને સયાજીરાવની મૈત્રીની વાતો પેઢી દર પેઢી ચાલી આવે છે, જે વડોદરાની વિરાસતનો ભાગ છે.
૬. વડોદરાના 'રેકોર્ડ ઓફિસ (કોઠી બિલ્ડીંગ) અને બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં સંગ્રહિત ગાયકવાડી ઇતિહાસના દસ્તાવેજોમાં મળી શકે છે. ખાસ કરીને સયાજીરાવ ગાયકવાડ III - આઇડિયાસઓફ અ મોડર્ન સ્ટેટ પુસ્તકમાં રાજ્યના કારીગરો અને કળાભવનના પાયાના ઇતિહાસનો ઉલ્લેખ છે.
૭. સયાજી શાસનના હીરા (પુસ્તક) - વડોદરાના ઇતિહાસકારો દ્વારા લખાયેલા પુસ્તકોમાં રાજવી કારીગરોની યાદીમાં તેમનું નામ પ્રથમ હરોળમાં છે.
૮. સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા - અહીં બરોડા સ્ટેટ રેકોર્ડ્સ માં કળાભવનના સ્થાપક સભ્યો અને મુખ્ય કારીગરોની યાદીમાં ગજાનન વિઠ્ઠલ મિસ્ત્રીનો ઉલ્લેખ છે.
૯. ગાયકવાડ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ - અહીં મહારાજા સયાજીરાવના પત્રો અને હુકમનામામાં ગજાનન મિસ્ત્રીને અપાયેલા પુરસ્કારોની નોંધ છે.
ગજાનન મિસ્ત્રી એ વડોદરાના એવા અજાણ્યા નાયક છે જેમના કારણે વડોદરા આજે કળા અને સંસ્કાર ની નગરી કહેવાય છે.
લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ
Comments
Post a Comment